1.
આવી વસંત મત્ત ફૂલોની રાણી
ફુટી કળીઓને હૈયે ફોરમની વાણી હે..એ…
ડોલે રે આનંદ મસ્ત રંગભીનો કેસુડો હો જી…
મ્હેકે રે ડોલર જુઈ કોઙભર્યો કેવડો હો જી…
જેણે જગાવી ઊરે વેદના અજાણી
આવી વસંત મત્ત ફૂલોની રાણી હે..એ…
આ..આ..આ..આ…
લાવે રે વાયરા વાત એક છાની જી
શેણે રે ભુલાય ઓલી આંખ હરણાની હો જી…
સૌએ માંડી રંગ રૂપની ઊજાણી
આવી વસંત મત્ત ફૂલોની રાણી હે..એ…
– જયંત પલાણ
2.
દાન દે, વરદાન દે, પ્રભુ દાન દે
નરસિઁહ અને મીરાં સમા
કંઠમાં કંઇ ગાન દે… દાન દે…
વૈભવ તારા રૂપનો, ઝીલી શકું એ ભાવ દે
તારા વિના તડપી મરું, એવા કલેજે ઘાવ દે
વસંત જ્યાં વરસે કૃપાની, એવા ઊરે વેરાન દે…. દાન દે…
કંપી ઊઠે તારો વીણાના તારા જ કેવળ રાગમાં
મઘમઘે આ ફૂલ મનનું, તારા પ્રેમ પરાગમાં
ભાળીશકું સર્વત્ર તુજને, એવું આતમ જ્ઞાન દે… દાન દે…
– જયંત પલાણ
3.
મન મતવાલું માને શેણે?
ઘાવ ઝીલે એ વજ્જરના ને
ભાંગી પડે મૃદુ વેણે :
મન મતવાલું માને શેણે?
સાત સમંદર પાર કરે, ને
ડૂબે ઝાકળબિન્દુ:
અગ્નિભડકે બળે નહિ એ
સળગે શીતલ ઇન્દુ
ઉગ્ર તૃષા ઓલાશે ક્યાંથી
છો ઘન વરસે નેણે :
મન મતવાલું માને શેણે?
ગિરિવર સરખો બોજ ઉઠાવે
પુષ્પ તળે કચડાતું;
ઝેર ઘૂંટડા જીરવી જઇને
અમી છલોછલ પાતુ.
આપ ભવોભવ એ નિષ્ઠુરને
દીધી વેદના જેણે :
મન મતવાલું માને શેણે?
– જયંત પલાણ
4.
મારી પહેલી તે પ્રીતનો
મ્હોર્યો પારિજાત,
ઝૂકી ઝૂકી ઉરને આંગણ
કરતો સુગંધભરી વાત,
– મારી પહેલી …
ફૂલ ફૂલની ફોરમ લઇને
વહેતા મનના વાયુ,
હૈયાના ધબકારા કહેતા :
‘લોચન કોક લપાયું;’
ચેન નહીં દિવસના, વીતે
વસમી સપને રાત :
– મારી પહેલી …
પ્રાણ તણી વીણાના તારે
ગૂંજે ગીત અજાણ્યાં,
વ્યાકુળ ઉરના મધુર અજંપા
મન ભરીને માણ્યા;
ઊઠી મારા પ્રીત-પટોળે
મોરપિચ્છની ભાત :
– મારી પહેલી …
– જયંત પલાણ
5.
હે અલબેલો…
હે અલબેલો ફૂલ છોગળીયાળો રસિયો ફાગણ આયો
હે કામણગારા…
હે જી કામણગારા….
કામણગારા કેસુડાનો રંગ છબીલો છાયો
…રસિયો ફાગણ આયો !
વનરાવનમાં તનમાં મનમાં થનગન જોબન લાયો
ફોરંતી પાંખડીએ આંજેલી આંખડીએ આવી
મઘુ ટપકટે મુકુલડે મલકાયો ફાગણ આયો
…રસિયો ફાગણ આયો !
હે આવ્યો મસ્તાનો ગોપી-ગોપ કેરા રાસે
કળીઓના કાળજળે આવ્યો પ્રેમભરી
મનમોહનની યાદ બનીને અંતરમાં સમાયો
…રસિયો ફાગણ આયો !
– જયંત પલાણ
Thanks & Regards
– Kamal Jayant bhai Palan
Adbhoot
કાવ્ય માણ્યા ધણોજ ધણોજ આનંદ થયો … તેઓની માહિતી બિલકુલ નથી … જરુર શેર કરશો .. છેલ્લા ત્રણ વરસથી ઈંતજારી નો અંત નથી આવતો … જરુર મદદ કરશો … કમલભાઈ …
દિનેશ શાહના જયશ્રી કૃષ્ણ
I am really thankful to kavilok.com & Dr. Dilip Patel for sharing the songs (poetrys) of shri. Jayant Palan which are cherished by listeners and sung by sugham saangeet singers like Shri Geeta Duttjee, Hridaynath Mangeshkar, Purushottam Upadhyay, Deepak Anjariya, Parag Anjariya, Prarthna Rawal, Asmita Oza, Krutika Trivedi, Madhsudan Shastri…. etc…
-Kamal Jayantbhai Palan.
ખૂબ જ સરસ ગીતો માણવા મળ્યા.આભાર કવિને ડોશ્રી દિલીપભાઈ
રમેશ પટેલ(આકાશદીપ)
સ્વાતંત્ર્ય સેનાની સેવા આપનાર અને ગુજરાતી ગીતકાર કવિ શ્રી. જયંતભાઈ પલાણના પ્રકાશિત પુસ્તકો :
ગુલમહોર
મોરપીંછ
કંઠ તમારો મારા ગીત
જિંદગી ગીત છે
સાભાર:
કમલ જયંત પલાણ
શ્રી. જયંત પલાણના આ ગીત આપ આ લિંક પર પણ માણી શકો છો.
http://www.kavilok.com/
આભાર.