મહાભારત : એક માથાકૂટ છે Mahabharat- Ek Mathakoot- Krushna Dave

જે કરવાનાં હતાં જ નહી એ કામ કર્યાની માથાકૂટ છે,
મોરપિચ્છને હડસેલીને મુકુટ ધર્યાની માથાકૂટ છે. – કૃષ્ણ

રોજ પ્રતિજ્ઞાની શૈયા પર સૂતી વખતે એને થાતું,
ઈચ્છાને આધીન રહી આ નહી મર્યાની માથાકૂટ છે. – ભીષ્મ

સમજણની નજરેયથી ના સમજે તો સમજી લેવાનું
પુત્રમોહમાં આંખોએ અંધાર વર્યાની માથાકૂટ છે. – ધૃતરાષ્ટ્ર

આંખો પર પાટા બાંધો એ દ્રષ્ટિનું અપમાન જ છેને
આમ જુઓ તો હકીકતોથી રોજ ડર્યાની માથાકૂટ છે. – ગાંધારી

નહીંતર એવી કંઈ મા છે જે વ્હાલ નદીમાં તરતું મૂકે ?
કુંવારા સપનાએ સૂરજ સહેજ સ્મર્યાની માથાકૂટ છે. – કુંતી

નથી જાણતા એમ નથી પણ કોઈ પૂછે તો એ બોલે છે,
જીવન બીજું કશું નથી, આ ભેદ ભર્યાની માથાકૂટ છે. – સહદેવ

ખેંચાતા વસ્ત્રોના કંઠે માંડ આટલા શબ્દો નીકળ્યાં,
હોય અંધના અંધ, એટલા વેણ ઝર્યાની માથાકૂટ છે. – દ્રૌપદી

સો સો હાથીનું બળ પણ લાચાર બની ચિત્કારી ઉઠ્યું,
વચનોમાં બાંધી બાંધી આ પળ ઉતર્યાની માથાકૂટ છે. – ભીમ

કવચ અને કુંડળની સાથે જીવ ઉતરડી પણ આપું કે ?
હોવું એ તો અકસ્માત છે, તેજ ખર્યાની માથાકૂટ છે. – કર્ણ

તાકેલો નિશ્ચય ધ્રૂજે તો એને તો કહેવું જ પડેને,
હા અથવા ના ની વચ્ચોવચ આમ ફર્યાની માથાકૂટ છે. – અર્જુન

અંગૂઠો ખોયાનો અમને રંજ હજુયે છે જ નહિં બસ
ખોટી મૂરત સામે સાચા થઈ ઊભર્યાની માથાકૂટ છે. – એકલવ્ય

છેક સાતમા કોઠામાં ઘેરાયેલા સાહસને લાગ્યું,
માના કોઠામાંથી હોંકારા ઉચર્યાની માથાકૂટ છે. – અભિમન્યુ

મૃત્યુ સામે કપટ હારતુ લાગ્યું ત્યારે સમજાયેલું,
કેવળ પાસામાં જ અમારો જીવ ઠર્યાની માથાકૂટ છે. – શકુનિ

નરોકુંજરો વા ની વચ્ચે ભાંગી પડતી એ પળ બોલી
વિદ્યા વેચી વેચી સામે પાર તર્યાની માથાકૂટ છે. – દ્રોણ

થાકી હારી આંસુના તળિયે બેઠા ત્યાં તો સંભળાયું,
ધર્મ જાણવા છતાં અધર્મે રહી ઉછર્યાની માથાકૂટ છે. – દુર્યોધન

અંતહીન અંધારે મારગ ઘુવડ જેમ ભટકવું એ તો,
અર્ધા જીવતા રાખી અર્ધા પ્રાણ હર્યાની માથાકૂટ છે. – અશ્વત્થામા

ક્યાં છે ને કેવું છે એ હું સમજાવું પણ કેવી રીતે ?
સત્ય એટલે મુટ્ટીમાંથી રેત સર્યાની માથાકૂટ છે. – યુધિષ્ઠિ

મહાકવિ તો કહેવાયા પણ સાચું કહું આ વ્યથાકથામાં,
ઓતપ્રોત થઈ ઊંડે ને ઊંડે વિચર્યાની માથાકૂટ છે. – વેદવ્યાસ

– કૃષ્ણ દવે

20 Comments

  1. લાગણી તો મારી પણ ખોટી  નોહતી,
    એના હાથની રેખાઓમાં મારી લકીર નોહતી.
    તકદીર પણ કેવી હશે અમારા પ્રેમની,
    હતો સાચો પ્રેમ તો પણ એ મારા નસીબમાં નોહતી,
    પ્રેમની કસોટી પણ કેવી કરે છે દુનિયા,
    હતો સાચો પ્રેમ તોય દુનિયા સ્વીકારતી નોહતી.
    એમને મેળવાની પ્રથાનોઓ મારી ઓછી નોહતી,
    ભગવાનને પણ મારા સાચા પ્રેમની કહાની મંજુર નોહતી.
    કહે છે લોકો કે સાચા પ્રેમની પરિક્ષા થાય છે,
    મારા પ્રેમની પરિક્ષાની કસોટી પણ ઓછી નોહતી.
    નય હોય ભગવાનને મંજુર મારા પ્રેમની કહાણી,
    નહીતર “બેપરવા” તારી પરવા પણ ઓછી નોહતી.
                વિપુલ ભીલ
             “બેપરવા”
           રાજકોટ 

  2. very nice

    2016-04-11 23:00 GMT+05:30 “કવિલોક Kavilok” :

    > profitfromprices posted: “કાવ્ય પઠન : કૃષ્ણ દવે જે કરવાનાં હતાં જ નહી એ
    > કામ કર્યાની માથાકૂટ છે, મોરપિચ્છને હડસેલીને મુકુટ ધર્યાની માથાકૂટ છે. –
    > કૃષ્ણ રોજ પ્રતિજ્ઞાની શૈયા પર સૂતી વખતે એને થાતું, ઈચ્છાને આધીન રહી આ નહી
    > મર્યાની માથાકૂટ છે. – ભીષ્મ સમજણની નજરેયથી ના સમજે તો સમજી લ”
    >

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s