નજરોનાં હરણાં
——————
નજરોનાં હરણાં કદી-કદી તો તને શોધવા આવે છે
એ તો કહે, તને કેમ શહેરોનાં વગડા ફાવે છે?
લાગણીઓથી છલી પડેલા સરોવરો પર,
મર્યાદાનાં પાળા ભલેને ચણાઈ ગયા;
તારા નામે કાંકરીચાળો કોઈ કરે તો,
યાદોનાં વારિ નયન હજી છલકાવે છે! એ તો કહે…
નથી હવે એ આમ્રકુંજ ના બાગ-બગીચા,
મુરજાયેલી ભાવના સુકી ભઠ્ઠ ભલે ને;
વિરહનાં તાપે ખરી રહેલી કોમળ કળીઓ,
નામ સાંભળી તારું, મોં મલકાવે છે! એ તો કહે…
તારા સાથની આશનાં વાદળ આઘા છો ને,
કુરંગ નજરોનાં જરા એમ તો જીદ્દીલા છે;
વિછોહી મનનાં દુઝી રહેલા ઘા ને કોરી,
ખુદનાં શોણે મનની પ્યાસ બુઝાવે છે! એ તો કહે…
તને શોધતાં હરણાંઓની ઇહા ફળે ને,
વગડે ભમતા તારો કદીએ સાથ મળે તો;
કંટક વચ્ચે ગુલછડી કેરી આરત સાથે,
હજુ તો હરણાં વિષાદને હંફાવે છે!
હવે તો કહે, તને કેમ શહેરોનાં વગડા ફાવે છે?
*વારિ = પાણી, કુરંગ = હરણ, વિછોહી = વિરહથી પીડાતા, કોરી = કોતરીને,
શોણ = રક્ત, ઈહા = ઈચ્છા, આરત = આશા, વિષાદ = નિરાશા
– Swati Joshi.
Originally Published at – https://swatisjournal.com/gujarati-poetry/
સ્વાતીજી, તમે ખુબ જ સારું લખો છો અને ગુજરાતી સાહિત્ય ને આગળ વધારવા માં પોતાનો ખુબ જ મહત્વ નો ફાળો આપો છો.
પ્રોત્સાહન બદલ ખુબ – ખુબ આભાર! આપને રસ પડે તેવી વધુ રચનાઓ માટે એક વખત http://www.swatisjournal.com પર poetry વિભાગ ની મુલાકાત ચોક્કસ લેશો… પ્રતિભાવ બદલ ધન્યવાદ!