મારા અંબોડે મોગરોને જુઈ

ગીત
શીર્ષક:-મારા અંબોડે મોગરોને જુઈ.

સહિયર હું તો સોળ સોળ વરસોની થઈ,
મારા અંબોડે મોગરોને જૂઈ,
સહિયર હું તો સોળ સોળ વરસોની થઈ.

કેટલાય વરસોથી સાચવીને રાખ્યો છે
છાતીમાં ડીંડલિયો થોર,
પંડ્યમાં ખૂચે છે કોઈ ઈચ્છા અજાણ,
અને અંગ અંગ પ્રસરે છે તોર,
હડિયું કાઢે છે સૈઈ ગમતીલો આદમી
મળી એનામાં ખોવાઈ ગઈ.
મારા અંબોડે મોગરોને જૂઈ.

ઉંબરની માલીપા ધરબેલી ઈચ્છાઓ
પહેલા વરસાદ ટાણે જાગે,
મધમીઠો સથવારો સાહીબાનો
હળવેથી કમખામાં લાગે.
મેડી પર સૂતી ઝરુખડાને ઝાંકુ
ને ઝાંકુ છું વાલમને સૈઈ.
મારા અંબોડે મોગરોને જુઈ.

ઘનશ્યામ
નર્મદા
તા:-06/10/22

નજરોનાં હરણાં- સ્વાતિ જોશી

નજરોનાં હરણાં
——————
નજરોનાં હરણાં કદી-કદી તો તને શોધવા આવે છે
એ તો કહે, તને કેમ શહેરોનાં વગડા ફાવે છે?
લાગણીઓથી છલી પડેલા સરોવરો પર,
મર્યાદાનાં પાળા ભલેને ચણાઈ ગયા;
તારા નામે કાંકરીચાળો કોઈ કરે તો,
યાદોનાં વારિ નયન હજી છલકાવે છે! એ તો કહે…
નથી હવે એ આમ્રકુંજ ના બાગ-બગીચા,
મુરજાયેલી ભાવના સુકી ભઠ્ઠ ભલે ને;
વિરહનાં તાપે ખરી રહેલી કોમળ કળીઓ,
નામ સાંભળી તારું, મોં મલકાવે છે! એ તો કહે…
તારા સાથની આશનાં વાદળ આઘા છો ને,
કુરંગ નજરોનાં જરા એમ તો જીદ્દીલા છે;
વિછોહી મનનાં દુઝી રહેલા ઘા ને કોરી,
ખુદનાં શોણે મનની પ્યાસ બુઝાવે છે! એ તો કહે…
તને શોધતાં હરણાંઓની ઇહા ફળે ને,
વગડે ભમતા તારો કદીએ સાથ મળે તો;
કંટક વચ્ચે ગુલછડી કેરી આરત સાથે,
હજુ તો હરણાં વિષાદને હંફાવે છે!
હવે તો કહે, તને કેમ શહેરોનાં વગડા ફાવે છે?

*વારિ = પાણી, કુરંગ = હરણ, વિછોહી = વિરહથી પીડાતા, કોરી = કોતરીને,
શોણ = રક્ત, ઈહા = ઈચ્છા, આરત = આશા, વિષાદ = નિરાશા
– Swati Joshi.
Originally Published at – https://swatisjournal.com/gujarati-poetry/

મારામાં ઝાડ હજી જાગે! – મુકેશ કાનાણી ‘નાકામ’

અધખુલી બારી ઉપર ચકલી બેઠી,
બારણાંને આવું કાં લાગે?
મારામાં ઝાડ હજી જાગે!.

કીડિ ઘસાય જરી ખરબચડી છાલે,
ફટ્ટ પૂછે વર,વાગ્યું નથીને ગાલે.
ઝાડ આખુ જુમે ખરે બધા પાન હેઠા,
ચકાની પાંખથી પિંછૂ ખરે મનાવે શોક બેઠા બેઠા.
બારસાખે અભરખાના બંધાય તોરણ,
આજે સુના અવસર કાં લાગે.
મારામાં ઝાડ હજી જાગે!.
બારણાંને આવું કાં લાગે?.
થાય જરી ડાળીની સુક્કી લાગણીઓ,
હોલો ચારેક સળેકડાં હળવે હાથે ભાંગે.
લટકેલી વાગોળે જૂલતો પવન,
એતો ઓળંગે ટેકરી ફલાંગે.
થઇ સુંવાળી છાતીને ટંકાયા મોર.
તોય,કુહાડીના ઘા હજી વાગે.
બારણાંને આવું કાં લાગે!
મારામાં ઝાડ હજી જાગે.

– મુકેશ કાનાણી ‘નાકામ’

છોકરી આખુય ગામ રાખે ગજવામાં – મુકેશ કાનાણી ‘નાકામ’

વાળ ઊડે રે ઊડે હવામાં
છોકરી આખુય ગામ રાખે ગજવામાં.

હથેળીમાં ચીતરે જો મોર,
એના રૂવે રૂવે ફૂટે રૂમાલ.
લેવા જો જાય તો ગામ ગધેડે ગવાય,
પાધરે પેઠી વણનોતરી ધમાલ
હોડ ચાલે છે બજારે ફરવામાં.
છોકરી આખુય ગામ રાખે ગજવામાં.

આપમેળે ઉઘડે દશે દરવાજા,
જો નેવાની બ્હાર મુકે પગ.
કેમ છો? કેવા સભા ભરાય,
બેડા ઉતરામણની થાય લાગવગ.
કમખાની કસ ઢીલી ભાળે તો
પકડવા દોડે આખુય ગામ હવામાં.
છોકરી આખુય ગામ રાખે ગજવામાં.

આઠેય અંગ એના ઉઘડયા એવા કે,
ફૂલો યે ખોલી નવી ભાત.
છોરા ગાલમા,બુઢા ટાલમાં,
વય એવી વાત,બાકી ન કોઇ નાત.
ઘરે આટા ફાંકવાના ફાંફા પડે.
ધ્યાન દરપણે ઘર બાંધવામાં.
છોકરી આખુય ગામ રાખે ગજવામાં.

ઉત્તર દખ્ખણથી વાય વાયરા,
દિશાઓમાં ચડ્યા નવા તોર.
ચુંદડીએ ફૂટ્યા પતંગિયાના ટોળા,
જોવા ઉમટ્યું આખુ આભ ઘર મોર.
ઊંડે ઊંડેથી ઊભરાયા વીરડા.
તરસ્યું ગામની નજર પાણી ભરવામાં.
છોકરી આખુંય ગામ રાખે ગજવામાં.
વાળ ઉડે રે ઉડે હવામાં.

– મુકેશ કાનાણી ‘નાકામ’

બંધાણી …. – કેતન મોટલા “રઘુવંશી”

બંધાણી ….

ગીત ગઝલનો બંધાણી …
હું ગીત ગઝલનો બંધાણી ,
સાંજ ઢળે ને શબદ શબદને
લે’તો માણી માણી …. ૦ ગીત ગઝલનો બંધાણી …

ગીતો ,ગઝલો ,શેર- શાયરી ,
માણું રોજ કવિતા.,
પાને પાનું ભીંજવી નાખે ,
જાણે વહે સરિતા .
પંક્તિઓમાં પ્રાસ મળે તો ,
થા’તો પાણી પાણી ….. ૦ ગીત ગઝલનો બંધાણી …

શબ્દ સમૂળા સ્પર્શ કરે ,
અર્થો આપે આલિંગન ,
રોમરોમ નાચી ઉઠું ,
મહેકે છે મારું તનમન .
નરસૈયાનું કીર્તન ગાઉ ,
ગાઉ કબીર વાણી …….૦ ગીત ગઝલનો બંધાણી …

– કેતન મોટલા “રઘુવંશી”
(મુ. ભાટિયા , જી. જામનગર , મો. ૯૪૨૯૧૧૯૭૬૦ )

ઓહ! શું હું ખોટો છું??? -જ્યોતિકુમાર વૈષ્ણવ

ઓહ! શું હું ખોટો છું???

હું મારાં સંતાનોને ક્યારે ય આર્મીમાં નહીં મોકલું.
યુધ્ધ્થી ગભરાતો નથી, સંતાન પ્રેમમાં આંધળો પણ નથી,
સંતાનોની શહીદીનો પણ ડર નથી, હું તો ભયભીત છું,
નપાવટ, નાલાયક, નપૂંશક –
નેતાઓની નિર્માલ્ય નીતિથી.
ક્યારે લડવું, કેટલું લડવું, લડવું કે નહીં,
લડાઇ જેવી સ્થિતિ નિર્માણ થઇ છે કે નહીં,
વિજય છ્તા પરાજય – કેટલા પાછળ ખસી જવું,
જીતેલી જમીન તો જવા દો આપણો મલક
(છાડ બેટ યાદ છે ને?)
શત્રુને પાછો સોંપી દેવો-
એ બધું સૈન્યનો સેનાપતિ નહીં,
અનિર્ણાયક સ્થિતિમાં જ શ્વસતા નેતાઓ જ નક્કી કરે છે-
આર્મીના જવાનોને મળે છે માત્ર શહીદીની પુષ્પમાળા-
તોપો અને ઊંધી બંદુકોની સલામી-
પણ આપણે બધા જ વિચારી શું જો આ જ માર્ગે તો
દેશની સુરક્ષા સંભાળશે કોણ?
પણ શું હું ખોટો છું???

-જ્યોતિકુમાર વૈષ્ણવ

સેકન્ડ ઇનિંગ – માનાર્થ રક્ષિત દવે

સેકન્ડ ઇનિંગ

લગ્ન પછીના થોડાક જ દિવસોની આ વાત છે
આ તો મ્હારા એક મિત્રની સેકન્ડ ઈનીંગની શરૂઆત છે…..

દિવસો ને રાતો અમ સાથે વિતાવી જેણે ઉજાગરામાં
લગ્ન પછી તો જાણે કે એ પુરાઈ ગયો છે પાંજરામાં
શંકા છે મિત્રો સાથેની મસ્તીની હર ક્ષણો શું હજીયે યાદ છે ?
આ તો મ્હારા એક મિત્રની સેકન્ડ ઈનીંગની શરૂઆત છે…..

ગરજતો હતો અને ઘૂમતો હતો વાઘ બનીને જે આખાયે ગામમાં
બકરી બેં થઈને બેસી ગયો છે આજે એ પોતાના જ મકાનમાં
ચઢ્યો ઘોડી પર એ જ્યારથી ત્યારથી જ લગામ પત્નીના હાથ છે
આ તો મ્હારા એક મિત્રની સેકન્ડ ઈનીંગની શરૂઆત છે…..

રજાનો આખો દિવસ વિતાવતો જે કેવળ મસ્તી અને આરામમાં
ભરાઈ ગયો જણાય છે એ બિચારો આજે માત્ર ઘરકામમાં
એની “લાઈફ સ્ટાઈલ”માં આવી ગયો ઘણો મોટો બદલાવ છે
આ તો મારા એક મિત્રની સેકન્ડ ઈનીંગની શરૂઆત છે…..

માત્ર એક જ ફોન પર આવી જતો જે મિત્ર કોઈ પણ કામમાં
આજે એ જ વિચાર કરે છે કોઈને ફોનનો જવાબ આપવામાં
લાગે છે કે જીવન એનું હવે બની ગયું આજે એક પ્રશ્નાર્થ છે
આ તો મ્હારા એક મિત્રની સેકન્ડ ઈનીંગની શરૂઆત છે…..

થાકીને બેઠો છે એ મિત્ર આજે મ્હારી સાથમાં
અને કહી રહ્યો છે એ મને એનો અનુભવ મજાક મજાકમાં
“ભાઈ ! શું આ જ લગ્ન પછીનું જીવન છે? કે કોઈ મજાક છે?
હવે તો મને પણ લાગે છે કે મ્હારી સેકન્ડ ઈનીંગની શરૂઆત છે…..

થોડોક સમય લાગ્યો મને એને સમજવામાં
પછી આપ્યો મેં ઉત્તર એના જ પ્રશ્નનો ખુબ જ સહજતામાં,
“દોસ્ત ! આ છે લગ્નનો લાડુ..ખાય એ પસ્તાય ના ખાય એ પણ પસ્તાય છે ”
ચિંતા ના કર ! હજી દાવ આખો બાકી છે, ઈનીંગની આ તો કેવળ શરૂઆત છે…

-માનાર્થ રક્ષિત દવે

આત્મવિશ્વાસ -જ્યોતિકુમાર વૈષ્ણવ

આત્મવિશ્વાસ

ડેલીની ભીતર ઘરને
સજાવીએ સાત રંગોથી, આંગણે નવાંનવાં
સપનાંનું કરીએ વાવેતર,
એ જ નથી માત્ર પૂર્ણતા જીવનકળાની…
છે અન્ય પાસાં હજુ પણ…

ખૂલી છે બારીઓ,
છે તમારી પાસે
પડકારોથી ભર્યુંભર્યું આકાશ,
આત્મવિશ્વાસની પાંખે
કરવાનું છે ઉડ્ડયન…
ખંખોળવાનું છે અંતરિક્ષ.
ચંદ્ર અને તારલા દૂરદૂર દેખાય છે આજે
ઊભા હશે જોડીને હાથ સન્મુખ તમારી,
સ્વયં સૂર્ય સજાવી થાળ સોનાનો
થઇ જશે હાજર આરતી માટે…
છે અન્ય પાસાં હજુ પણ…

શંખ, છીપલાં, કોડીઓથી ગજવાં ભરવાં
એ જ નથી માત્ર પૂર્ણતા જીવનકળાની,
લલકારતાં ઊછળતાં દરિયાનાં મોજાં
તમારી ભૂજાઓનું માપતાં બળ,
સામે ઝઝૂમવા ઊંડાણે દઈ ડૂબકી
ખંખોળવાનો છે દરિયો…
સાચાં મોતીનો લહેરાશે પાક,
રત્નોની છાઈ જશે વસંત…

છે અન્ય પાસાં હજુ પણ નવાંનવાં…
હલેસું આત્મવિશ્વાસનું છે ઉપાય અંતિમ…

-જ્યોતિકુમાર વૈષ્ણવ

તો કેવું સારું…..!!! -માનાર્થ રક્ષિત દવે

તો કેવું સારું…..!!!

રસ્તામાં અમથા અમથા ચાલતા હોઈએ ને
અચાનક વરસાદમાં ભીંજાવું પડે
ત્યારે થાય કે આ વરસાદ પૂછીને પડે તો કેવું સારું !

કન્યાની વસમી વિદાયની વેળા હોય ને
સહુની આંખમાંથી આંસુ સરી પડે
ત્યારે થાય કે ઘડીક આ આંસુ થીજી જાય તો કેવું સારું !

સંગાથ મનગમતી વ્યક્તિનો હોય ને
થોડાક જ સમયમાં એનાથી દૂર થવું પડે
ત્યારે થાય કે સમય અહીં જ થંભી જાય તો કેવું સારું !

પ્રેમની લાગણીઓ માટે પરસ્પર યુદ્ધ જામ્યું હોય ને
પોતાના હોય તેમની સામે જ લડવું પડે
ત્યારે થાય કે આ પ્રેમ પૂછીને થાય તો કેવું સારું !

રાત્રીના ઉજાગરા પછીની નિંદ્રા હોય ને
આંખોના પલકારામાં જ સવાર પડે
ત્યારે થાય કે આ સુરજ ઉગે જ નહિ તો કેવું સારું !

શબ્દોની આવી સુંદર રમત રમાતી હોય ને
“કેવળ કલ્પના છે આ તો” એવી ખબર પડે
ત્યારે થાય કે આ સઘળું સાચે જ થાય તો કેવું સારું !

-માનાર્થ રક્ષિત દવે તા.૧૧.૧૨.૧૩

મને તમારું શું કામ .? -માનાર્થ રક્ષિત દવે

 

મને તમારું શું કામ ….?

સ્વાર્થી આ માનવજાત, ને માનવજાતમાં રહેલો એ સ્વાર્થ
જો ના હોય દુઃખ જીવનમાં કોઇપણ તો
ભગવાનને પણ કહી દે, મને તમારું શું કામ ?

સ્નેહ ભરેલા એ સંબંધો ને સંબંધોમાં ભરેલો એ સ્નેહ,
નડતી ના હોત જો બે આંખોની શરમ
તો સ્નેહીઓને પણ કહી દે, મને તમારું શું કામ ?

ભાવભીની એ લાગણીઓ ને લાગણીમાં છુપાયેલો એ ભાવ
જો જીવી શકતો હોત અટૂલો લાગણીહીન રહીને,
તો કોઈને પણ કહી દે, મને તમારું શું કામ ?

જીંદગીમાં મિત્રોનો સાથ ને મિત્રોના સાથ સાથેની આ જિંદગી,
જો ઝઝૂમી શકતો હોત સ્વયં દુનિયા સામે બાથ ભીડી,
તો મિત્રોને પણ કહી દે, મને તમારું શું કામ ?
હોય ભલે !

અહમ અને સ્વાર્થપૂર્ણ આ જિંદગી ને જીંદગીમાં રહેલા અહમ અને સ્વાર્થ,
પણ જો માણવી હોય મઝા જિંદગી જીવવાની,
તો કહેશો નહિ ભાઈ કોઈને ક્યારેય કે મને તમારું શું કામ ?

-માનાર્થ રક્ષિત દવે