તિલક કરતાં ત્રેપન થયાં – અખો (Akho)

અખો 

તિલક કરતાં ત્રેપન થયાં, ને જપમાળાનાં નાકાં ગયાં,
તીરથ ફરી ફરી થાકયા ચરણ, તોય ન પહોંચ્યો હરિને શરણ.
કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય અખા ન આવ્યું બ્રહ્મજ્ઞાન.

એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ,
પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન.
એ અખા વડું ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત?

દેહાભિમાન હૂતો પાશેર, વિદ્યા ભણતાં વાધ્યો શેર;
ચર્ચાવાદમાં તોલે થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો;
અખા એમ હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન મૂળગું ખોય.
 
અખો

સમજણ વિના રે સુખ નહીં જંતને રે

અખો  

                 

સમજણ વિના રે સુખ નહીં જંતને રે

              

સમજણ વિના રે સુખ નહીં જંતને રે;

વસ્તુગતિ કેમ કરી ઓળખય ?

આપમાં વસે છે આપનો આતમા રે,

તેણે કાંઈ જીવપણું નવ જાય. . સમજણ..

                     

રવિ રવિ કરતાં રે રજની નહીં મટે રે,

અંધારું તો ઊગ્યા પૂંઠે જાય;

રુદે કવિ ઊગે રે નિજ ગુરુજ્ઞાનનો રે,

થનાર હોય તે સહેજે થાય.. સમજણ..  

            

જળ જળ કરતાં રે તૃષ્ણા નવ ટળે રે,

ભોજન કહેતાં ન ભાંગે ભૂખ;

પ્રેમરસ પીતા રે તૃષ્ણા તુરત ટળે રે,

એમ મહાજ્ઞાનીઓ બોલે છે મુખ.. સમજણ.. 

                       

પારસમણિ વિના રે જે પથરા મળે રે,

તેણે કાંઈ કાંચન લોહ ન થાય;

સમજણ વિના રે જે સાધન કરે રે,

તેણે કાંઈ જીવપણું નવ જાય. . સમજણ..   

                       

દશ મણ અગ્નિ રે લખિયે કાગળે રે,

એને લઈ રૂમાં જો અલપાય;

એની અગ્નિથી રે રૂ નથી દાઝતું રે,

રતી એક સાચે પ્રલય જ થાય. . સમજણ..   

                               

જીવપણું માટે રે અનહદ ચિંતવ્યે રે,

એ તો વાણીરહિત છે રે વિચાર;

જે જે નર સમજ્યા રે તે તો ત્યાં સમ્યા રે,

કહે અખો ઊતર્યા પેલે પાર. . સમજણ..                    

                  

અખો