પ્રેમ… – ભગીરથ પટેલ

આ મારી પ્રથમ સ્વરચિત અછંદાસ રચના છે. લખવાનું સાહસ આજ સુધી કયારેય કર્યું નથી. વિદેશમાં છું અને વ્યવસાયે ઇજનેર છું, એટલે વ્યાકરણની સ્વાભાવિક ક્ષતિયો માફ કરી/સુધારીને પણ જો વાંચશો તો મને વધું લખવાની હિંમત મળશે તે આશા સાથે પ્રસ્તુત છે “પ્રેમ”….

પ્રેમ…
માત્ર સમર્પિત યુગલની લાગણીઓમાં જ સિમિત નથી પ્રેમ…
પરિભાષા નથી, પણ જગત આખાની ભાષા છે પ્રેમ…
ઘન, પ્રવાહિ કે વાયુ નથી, રંગ, ગંધ, ક્દ, આકાર, કે પરિમાણ નથી,
વિજ્ઞાન નથી, તોયે ન્યુટનના ત્રણે નિયમો પાળે છે પ્રેમ….
અર્થશાસ્ત્ર નથી, તોયે ઘણા શાસ્ત્રોનો અર્થ છે પ્રેમ….
જાણો તો, જગત આખાનું નાણું છે પ્રેમ…
કરાય નહીં વેપાર પ્રેમનો, એવો છે જગતનો વહેવાર,
થાય પ્રેમ તણો વહેવાર, તે દિ જ બને સાચો તહેવાર,
સમયની સાથે વહી જાય…, અને રહી જાય તે પ્રેમ…
ધ્વનિ સાથે પ્રેમ તે સંગિત, શબ્દ સાથે પ્રેમ તે ગીત,
અન્ન સાથે પ્રેમ તે સ્વાદ, પ્રકૃતિ સાથે પ્રેમ તે સૃષ્ટિ,
દ્રશ્ય સાથે પ્રેમ તે સુંદર, દ્રશ્યમાં નહીં દ્રષ્ટિમાં છે પ્રેમ…
જ્યાં જુઓ ત્યાં પ્રેમ, તોયે વ્હેંત છેટો છે પ્રેમ…
નસીબ હોય તો જ મળે એમ નહીં, પણ નસીબ હોય તો જ સમજાય પ્રેમ…
વિદ્વાનોને ભલે ના સમજાય, અભણ તો શું? જીવ માત્રને પણ સમજાય પ્રેમ…
બાલ, તરુણ, વૃધ્ધ તો શું? ઝાડ, પાન, પશુ, પક્ષીનો પણ ઇજારો નથી પ્રેમ…
જડ અને ચેતનમાં પણ પ્રેમ…
ઉષાના કિરણોને ઝાકળ સાથે પ્રેમ…
વરસાદના સૂરજનો મેઘધનુષમાં ભાસે પ્રેમ…
તરુ ને ધરા સાથે, તારામંડળ ને ધ્રુવ સાથે પ્રેમ…
પર્વતને નદી સાથે, નદીને દરિયા સાથે ને માટીને ઢેફા સાથે પ્રેમ…
કણ કણમાં છે પ્રેમ, પ્રભુ તારો, કણ કણમાં છે પ્રેમ…
જગત આખામાં પથરાય એટલો વ્યાપક તોયે, નાના બાળકની મુઠ્ઠીમાં સમાય પ્રેમ…
નિબંધમાં બંધ થાય નહીં, તોયે મુક્તકના પદોમાં સમાય પ્રેમ…
કોઈ સાચા સંતની ઝોળીમાં પણ સમાય પ્રેમ…
સ્વજનની આંખોમાં પણ ઊભરાય પ્રેમ…
થવું જ હોય પ્રેમમાં, તો પાગલ કે ઘાયલ નહીં પણ લાયક થવાય
ડૂબે તે તરે, ને તરે તે ડૂબે, આ તો પ્રેમ છે ભાઇ પ્રેમ…
સમ્રાટ અને તવંગર તો શું? નિર્ધનનો પણ ખજાનો હોય પ્રેમ…
ભક્તિની શક્તિ છે, શાસ્ત્ર નહીં પણ શસ્ત્ર છે પ્રેમ…
આમતો મને અને તમને પણ છે ક્યાંક પ્રેમ…
પણ મારો ને તમારો પ્રેમ એક બિંદુ, ને મારા પ્રભુનો પ્રેમ છે સિંધુ,
કણ કણમાં છે પ્રેમ, પ્રભુ તારો, કણ કણમાં છે પ્રેમ…
દરિયો છે, આમ શબ્દોથી ઉલેચાય નહીં પ્રેમ…
ભગીરથની કલ્પના નહીં, પ્રેમ પર છે પ્રેમ…
કણ કણમાં છે પ્રેમ, પ્રભુ તારો, કણ કણમાં છે પ્રેમ…

– ભગીરથ પટેલ

મારે ગામ- ગગુભા રાજ

મારે ગામ

અહીં…
વહે છે હવા અહીં અદ્દલ ગોકુળ-મથુરા જેવી..!!
વળી, મળે છે રોજ રોજ.. ખેતરના શેઢે મોરપીચ્છ,
ગાયોના ધણ અને આંગણે ચણ,
ગોરસ,છાસ અને દોણી-માખણ,
રચાય છે હજી રાસ…
સંસ્કાર અને શિસ્તના; પ્રાથમિક શાળાના ચોગાને…
નિશાળિયા ગોવાળિયા બની, મસ્ત ઝૂમે છે…
ત્યારે હજી મને લાગે છે…
કે અહીં… કાનાને અવતરવાની હજી જગા છે!!!

ગગુભા રાજ
ગાંધીનગર, ગુજરાત

ઘર – Himanshu Patel

ઘર

આ તાળા પાછળથી
હમણા જ પહોળૂ કર્યું છે,
પરિવર્તનશીલ ઘર.
એનો બળેલો થથેડો,
એનો ગ્યુએરનિકા અરિસો,
ગેલેરીમાં લટકી નોંધાયેલી અનુઆધુનિકતા,
હમણા જ થયા હતાં સ્નેપશાટ ફેરફાર,
બદલાયું અકથિત.

તાળા પાછળથી ઉઘડી હતી
મૌલિક વિડીયો ગેમ,
જ્યાં હવે લોહીને કોઈ ધસારો ન હતો.

[ નોંધ,આવી રીતે અથાયો છૂં પાઉલ સેલાનથી.]
૧૨-૦૭-૨૦૦૯

-Himanshu Patel

Himanshu Patel’s 2 blogs are
1) http://himanshupatel555.wordpress.com (original poems)
2) http://himashu52.wordpress.com ( translations from all over the world)

ઉધામા – ચંદ્રેશ ઠાકોર (Chandresh Thakor)

ઉધામા

રેતીને
જો
આસાનીથી ઓગાળી શકાય
તો સહરાનું રણ
એટલાંટિક સમુદ્રની હરીફાઈ કરી શકે
અને કદાચ જીતી પણ જાય!

પાણીની જો ઢગલી કરી શકાય
તો એટલાંટિક સમુદ્ર
હિમાલયની હરીફાઈ કરી શકે
અને કદાચ જીતી પણ જાય!

પણ, સબૂર!
અશક્ય પાછળની
એ આંધળી દોટના ઉધામા પછી શું?
એક ડહોળો દરિયો, અને
એક પાણીપોચો પર્વત?!

ચંદ્રેશ ઠાકોર
ડેટ્રોઈટ

વિરાટને હિંડોળે- ગુણવંત શાહ (Gunvant Shah)

વિરાટને હિંડોળે- પુસ્તકમાંથી લીધેલા અવતરણો

      

– ‘તમારા હ્રદયમાં એક વૃક્ષ સાચવી રાખો અને કદાચ કોઈ ગાતું પંખી આવી ચડે.’ – ચીની કહેવત

– મરનારી પ્રત્યેક ભાષા પોતાની સાથે જે તે સમાજની અસ્મિતા ( આઈડેંટિટી)  લેતી જાય છે.

– આકાશ અને ધરતી વચ્ચે ભીની ગુફતેગોને લોકો વરસાદ કહે છે.

– પ્રયાસ વગરની પ્રાર્થના વાંઝણી છે અને પ્રાર્થના વગરનો પ્રયાસ શુષ્ક છે. કર્મના સંગાથ વગરની ભક્તિ પ્રમાદની બંદિની છે. પ્રયાસની ચરમસીમાએ પ્રારબ્ધની શરૂઆત થાય છે.  

– સ્વસ્થ સમાજ પુરુષપ્રધાન કે સ્ત્રીપ્રધાન ન હોઈ શકે, એ મૈત્રીપ્રધાન હોવો જોઈએ. મૈત્રીથી શોભતા લગ્નજીવનમાં પ્રાપ્ત થતી એકમેકતા સ્નેહની સુગંધ ધરાવતી હોય છે.

– હજી સુધી દીવાની કોઈ જ્યોત અંધારાને કારણે હોલવાઈ ગઈ હોય એવું બન્યું નથી.

– લોકો આપણને અત્યંત ઉમળકા સાથે આવકારે ત્યારે આપણા જવાબદારીનું વજન પણ વધી જાય છે.

– ‘આ જગતમાં અજાણ્યા કોઈ નથી. એ બધા તો એવા મિત્રો છે, જેઓ અગાઉ મળ્યા નથી.’ – રવીન્દ્રનાથ ટાગોર

– હિંસાનો સંબંધ કેવળ હત્યા કે લોહી સાથે જ નહીં, શોષણ અને અન્યાય સાથે પણ છે. આ વાત ધર્મની ઓથે ભૂલી જવામાં આવે છે. ગરીબી તેથી ટકી છે.

– ‘પુષ્પોનું મધુ ચૂસીને આભારનું ગુંજન કરતા ભ્રમરો ઊડી જાય છે. ભપકાદાર પતંગિયું નિશંક માને છે કે ફૂલોએ તેનો ઉપકાર માનવો જોઈએ.’- રવીન્દ્રનાથ ટાગોર.

– નાની નાની અનુભૂતિઓનું વિરાટ વિશ્વ આપણી આસપાસ સતત પ્રગટતું-પ્રચરતું રહે છે. આદમી એમાં તરતો, તણતો કે ડૂબતો રહે છે. સર્જકો એમાં ડૂબકી મારતા રહે છે. ક્યારેક એમના હાથમાં મોતીડાં આવે ત્યારે જગતને કશુંક નોખું-અનોખું સર્જન પ્રાપ્ત થાય છે. પ્રત્યેક સર્જન માણસની ગહનતમ અનુભૂતિનું મનોહર શિલ્પ છે. 

– જ્યાં જરા જેટલું પણ જોખમ નથી ત્યાં જરા જેટલું પણ જીવન નથી હોતું.

– વસંતવૃત્તિ એટલે જીવનને ધરાઈને માણવાની હઠ.

– જે વિચારપૂર્વક જીવે છે તે માણસ છે. જે માત્ર જીવ્યે જ રાખે છે તે ઉત્ક્રાંતિનું અપમાન કરે છે.

– ટીવી વિદ્યુતશક્તિ નહીં, વિચારશક્તિ ખાનારું સાધન છે. ટીવી આપણી અક્કલનો આહાર કરતું રહે છે.

– છીછરાપણું જીવનમાં છવાઈ જાય ત્યારે સ્મિત પણ હોઠોનો વ્યાયામ બની જાય છે.

– ઉપવાસનો મહિમા થયો તેટલો જો હેલ્થ-ફૂડનો થયો હોત તો દેશ ઘણો નિરોગી હોત.

– ડાયાબિટીસ જેવો મતલબી રોગ બીજો કોઈ નથી. એ કદી મજૂરી કરનારના ઘરનો મહેમાન નથી થતો. એ સ્વભાવે બંગલાપ્રેમી અને સુખલાલચુ રોગ છે.

– અન્ન-વિવેક વગર જીવનસાધના જામતી નથી.. કદાચ હજારે દસ માણસો અન્ન-વિવેક જાળવીને ખાતા હશે. આ એક એવી બાબત છે, જેમાં માણસ જાનવર કરતાં પણ પછાત જણાય છે.

– દુનિયામાં રોજ ઘણા માણસો ભૂખે મરે છે. કદાચ એનાથીય વધારે મોટી સંખ્યામાં માણસો વધારે ખાઈને અકાળે મરે છે. પચાસની ઉંમર પછી માણસ જો ખાવાનું અડધું કરી નાખે, તો ઘણા રોગોથી બચી શકે.

– જમવાના પાટલે બેસીને કરેલા ગુનાઓની સજા ખાટલામાં પડીને ભોગવવી પડે છે.

– લોકો જેટલા ગેરસમજથી ડરે છે તેટલા ગેરકૃત્યથી ડરતા નથી.

– દુનિયાદારીના ચોકઠામાં સરસ રીતે ગોઠવાઈ જાય એવા માણસને વ્યવહારુ કહેવામાં આવે છે.

– આખાબોલો માણસ એટલે એવો માણસ, જે બોલતી વખતે આખો ને આખો રહી શકે. વ્યક્તિત્વના ટુકડા ન પડે તે રીતે જે લાગે તે સાચું કહી દેવું, એ જેવુંતેવું પરાક્રમ નથી. મનમાં હોય તેનાથી જુદું બોલવામાં માણસની અખિલાઈ ( integrity) ખતમ થાય છે.  

– યુધ્ધ આપણો ઈતિહાસ છે અને શાંતિ આપણું શમણું છે.

– ભદ્રતાને નામે આપણે એક એવો દંભપ્રધાન સમાજ રચી બેઠાં છીએ જેમાં કારેલું પણ પોતાનું કડવું સત્ય જાળવી ન શકે.

– ‘મેં લોકો આગળ ગર્વ કર્યો હતો કે હું તને જાણું છું. એ લોકો મારી કૃતિઓમાં તારો હાથ જોતા હતા.’- રવીન્દ્રનાથ ટાગોર (ગીતાંજલિ).   

– લોહીની સગાઈ માણસને સંબંધની બારાખડી શીખવે છે.

– બધી જ લાગણીઓ માણસજાત જેટલી જૂની છે. વિગતો બદલાય છે, લાગણીઓ તો જે હજારો વર્ષો પર હતી, તેની તે જ છે. બ્લડપ્રેશર(બી.પી.)ની શોધ નવી છે, બ્લડપ્રેશર નવું નથી.

– રોગ થાય એનો અર્થ જ એ કે શ્વેતકણોની પાંડવસેના રોગનાં જંતુઓની કૌરવસેના સામે હારી ગઈ. આપણા શરીરમાં ફરતું લોહી એક રણમેદાન જેવું છે.

– માણસ જ્યારે અંતરના ઊંડાણમાંથી કશુંક બોલે છે ત્યારે એના આત્માની વાણી દ્વારા સાક્ષાત પરમેશ્વર પ્રગટ થતો હોય છે.

– દુનિયામાં આપણે એવો સમાજ રચવા માગીએ છીએ, જેમાં સ્મિતનું સન્માન હોય અને આંસુનો આદર હોય. આ વા સમાજના બે આધારસ્તંભો, તે પ્રેમ અને કરુણા.

– જે સમાજમાં પ્રેમનો પ્રભાવ હોય, કરુણાનો કાયદો હોય અને અહિંસાની આણ હોય તે સમાજ સભ્ય ગણાય.

– ‘કલા અને વિજ્ઞાન દ્વારા ઉચ્ચ કક્ષાએ કેળવાયેલાં આપણે સૌ એટલી હદે સુધરેલાં બની ચૂક્યાં છીએ, કે સામાજિક સભ્યતા અને ઔચિત્યના બધા ખ્યાલોના બોજ તળે આપણે દબાઈ મરેલાં છીએ.’ – ઈમેન્યુએલ કાન્ટ.    

     

ગુણવંત શાહ

પુસ્તક: વિરાટને હિંડોળે

પ્રકાશક અને વિક્રેતા: આર. આર. શેઠની કંપની, મુંબઈ 400 002 / અમદાવાદ 380 001.

રિઅરવ્યૂ મિરર – ચન્દ્રકાંત શાહ (Rearview Mirror- Chandrakant Shah)

ચન્દ્રકાંત શાહ

Go to fullsize image          

રિઅરવ્યૂ મિરર

( અમેરિકન જીવન જીવતા કે જાણતા વાચકને કવિના ‘રિઅરવ્યૂ મિરર’માં પોતાની જાત દેખાશે અને વિસ્મય પામશે કે આને ‘રિઅરવ્યૂ મિરર’ કહેવો કે ‘રિઅલવ્યૂ મિરર’ !  – હરનિશ જાની અને ઉત્તમ ગજ્જર ‘ઈ-મહેફિલ’ સામયિકના સૌજન્યથી, અમેરિકન ગુજરાતી કવિતાની પ્રતિનિધિ કૃતિ આપની સમક્ષ અત્રે રજૂ કરતાં કવિલોક.કોમ અતિ આનંદ અનુભવે છે. )       

         

રિઅરવ્યૂ મિરર, આ આંખ અને ડામરના રસ્તાનો ટ્રાયેન્ગલ

રિઅરવ્યૂ મિરરમાં જોવાનું આટલું ગણિત

અને એ જ એનો એન્ગલ..

      

રિઅરવ્યૂ મિરરમાં દેખાતી દુનિયાથી દૂર દૂર ખસવાનું

ઘડી ઘડી સ્હેજ સ્હેજ  જોવાનું

જોવાનું એટલું કે-

આપણું હતું જે બધું, એ હવે આપણું ન હોવાનું..

        

આપણે હતાં

ને હતું ટુ-કાર ગરાજ હોમ

પા એકર લૉન

પેઈડ ડ્રાઈવ-વે  

ડ્રાઈવ-વે પર રોજ રોજ જીવેલા એક એક દિવસને

ટૉસ કરી,

ટ્રૅશ કરી ફેંકવાને ખૂણામાં રાખેલો ગાર્બેજ-કૅન!

હતું..

થોડી દેશની ટપાલ, થોડી ‘થેંક યુ’ની નોટ્સ.

થોડી જન્ક મેઈલ, ઘણાં બધાં બિલ્સ

અને પબ્લિશર્સ ક્લીયરીંગ હાઉસમાંથી

મિલ્યનેઅર બનવાનાં રિમાઈન્ડર્સ આવતાં

એ સ્હેજ કાટ ખાધેલાં પતરાંનું મેઈલ-બોક્સ! 

બોક્સ ઉપર શેલત કે શાસ્ત્રી કે શુક્લા, શ્રીમાળીની શાખ.

સ્ટીકર્સથી ચોંટાડેલ

ઘર નંબર ચોર્યાસી લાખ…

          

એક સાઈકલ હતી ને હતો બાસ્કેટ-હૂપ!

પાનખર હતી પાંદડાંય હોવાનાં

તથા વીતેલી જીંદગી પડી હો એમ વીંટલું વળી પડેલ

તૂટેલો હોઝ-પાઈપ જોવાનો

મેઈન ડોર પર કોઈ સીક્યુરીટીનું લેબલ પણ હોવાનું

શુભલાભ કંકુના થાપા કે ભલે પધાર્યાને ઠેકાણે

‘રીથ’ જેવું લટકણીયું જોવાનું.

જોવાનું એટલું કે

આપણે હતું જે બધું એ હવેથી આપણું ન હોવાનું..

      

આપણે હતાં

ને હતા ટેલીફોન-કોલ્સ

લોન્ગ ડિસ્ટન્સના ટૂંકા અને લોકલના લાંબા

અડધી રાતે તે બધા ઈન્ડિયાના

અને કોઈક – ફ્રી ટીવી ઓફર કરનાર ટાઈમ-શેરીંગના.. 

    

ટીવી પર રોજ હતું ‘વ્હીલ ઑફ ફોર્ચ્યુન’

પછી ફરતી’તી લાઈફ રોજ

ડ્રાયરમાં, વૉશરમાં અને ડીશ-વૉશરમાં

ફ્રીજ થકી જેમ હતું ફ્રોજન ખાવાનું

એમ રિઅરવ્યૂ મિરરમાં દેખાતું બધ્ધું

એક દિવસ આંખોમાં જડબેસલાક ફ્રીઝ થાવાનું..

            

રિઅરવ્યૂ મિરરમાં દેખાતી દુનિયાથી દૂર દૂર ખસવાનું

ઘડી ઘડી સ્હેજ સ્હેજ જોવાનું

જોવાનું એટલે કે-

આપણું હતું જે બધું, એ હવેથી આપણું ન હોવાનું..

     

મેઈન મેઈન જોવાનાં

ઈન્શ્યોરન્સ કંપનીનાં હોર્ડીંગ્ઝ

મોરગેજ આપનાર બેંકનું મકાન

ઈમ્પોર્ટેડ ગાડીના ડીલરની ઝગમઘતી સાઈન

એને વર્ષોથી ઈક્વીટી સ્ટૉક જેના લઈને રાખ્યા છે

એ બ્લ્યુ ચીપનું સ્કાયસ્ક્રેપ બિલ્ડીંગ 

      

ટોટલ એક્વીટી નેટ વર્થ અને વંકાતા રસ્તાનો ટ્રાયેન્ગલ 

આપણું હતું એ બધું ખોવાનું આટલું ગણિત

અને એ જ એનો એન્ગલ.. 

      

રિઅરવ્યૂ મિરરમાં દેખાતી દુનિયાથી દૂર દૂર ખસવાનું

ઘડી ઘડી સ્હેજ સ્હેજ જોવાનું

જોવાનું એટલે કે-

આપણું હતું જે બધું, એ હવેથી આપણું ન હોવાનું..

       

આપણે હતાં

ને હતું ટુ-કાર ગરાજ હોમ

ડિઝાઈનર કિચન

કિચનમાં ઈન્ડિયાથી લાવેલી

સોળ આની શુધ્ધ એક જાણીતી માનીતી,

કોરી ને કટ્ટ, સાવ પેટીપૅક, બ્રાન્ડ ન્યુ પત્ની!

       

આપણોય પોતાનો મારિયો હતો

ને હતા મારિયો બ્રધર્સ

કોઈક કોઈક મારિયોને સિસ્ટર હતી

તો હતી ક્યાંક ક્યાંક મારિયો સિસ્ટર્સ

એક એક મારિયોના પોતાનાં આઈ-પૉડ

સિસ્ટર્સને દેશી વેડિંગ સ્ટાઈલ પરણવાના કોડ.

     

ઈન્ડિયાની નોસ્ટાલ્જિક વાતોથી ઘડી ઘડી ઉખડી જતાં છતાંય

આપણે તો યુનાઈટેડ સ્ટેઈટ્સને જ ચોંટેલા એમ.

જેમ ફ્રીજ ઉપર ચોંટેલાં મેગ્નેટ્સ!

     

મેગ્નેટ્સમાં..

‘હેરી પોટર’થી માંડીને હતાં

તાજમહાલ

એલ્વિસ

બડવાઈઝર

‘મુન્નાભાઈ’

‘હમ આપકે હૈં કૌન?’

નમો અરિહંતાણં

માયસ્પેસ ડૉટ કૉમ

શિકાગો બુલ્સ

તથા

માઈકલ જૉર્ડન

અને તીહુઆના ખાતે પડાવેલો

પરસેવે રેબઝેબ, મેક્સિકન ટોપામાં આપણો જ ફોટો

       

ફ્રીઝ ઉપર ચોંટેલાં મેગ્નેટ્સ હતાં

ને હતી

મેગ્નેટ્સમાં ચોંટેલી ફેમિલી લાઈફ..

       

ગ્રોસરીનું લીસ્ટ

થોડી પિઝાની કૂપન

નેટફ્લીક્સનું ડીવીડી મેઈલર

દેશી રીયલ્ટરનો ફોટો ચોંટાડેલ 

કોલ્ડવેલ બેંકરનું નાનું કેલેન્ડર

       

એક ડેન્ટિસ્ટનું એપોઈન્ટમેન્ટ-કાર્ડ

એક મ્યુઝિકલ પાર્ટીનું

અને એક ક્રેયોનથી દોરેલું, ‘હેપી મધર્સ ડે’ લખેલું

ઓફિસના એક્સ્ટેન્શન

મમ્મીનો કાર-ફોન

એક કોઈક અંકલનો ફોન

એક આન્ટીનો ફોન

તથા

એલાસ્કન કૃઝ માટે ટોલ-ફ્રી, ‘વન-એઈટ-હન્ડ્રેડ-કાર્નિવલ-‘

મારિયોનું સોકર-સ્કેજ્યુઆલ

એની સિસ્ટરની ‘લક્રોસ’ની ગેઈમ

મૅક્ડોનાલ્ડ ‘હેપી-મીલ’ નાઈન્ટીનાઈન સેન્ટ 

એક લોકલ છાપાનું કટિંગ

તથા

ટીચરની સહીવાળું સર્ટિફીકેટ ઑફ મેરીટ ઈન મેથેમેટિક્સ

       

આ બધું હતું

ને હતો

‘કે-માર્ટ’ની ડિસ્કાઉન્ટ ઑફરમાં પડાવેલો

એકવીસ કૉપીમાંથી દસ બધે ઈડિન્યામાં મોકલી દીધેલી

ને બાકીની દસ

ક્યાંક ઘર પછી ઘર પછી ઘર મુવ કરવામાં મિસ્પ્લેસ થયેલી

તે છેલ્લો બચેલ એક

યન્ગ હતાં ત્યારનો જ ફેમિલી ફોટો!

       

આપણે હતાં

ને હતું

પિક્ચર પરફેક્ટ એક ફેમિલી.

      

બુધ્ધ નામ ગૌતમ, એક ઘર અને પથરાતા રસ્તાનો ટ્રાયેન્ગલ

ભિનીષ્ક્રમણને આદરવાનું આટલું ગણિત

અને એ જ એનો એન્ગલ 

રિઅરવ્યૂ મિરરમાં દેખાતી દુનિયાથી દૂર દૂર ખસવાનું

ઘડી ઘડી સ્હેજ સ્હેજ જોવાનું

જોવાનું એટલે કે-

આપણું હતું જે બધું, એ હવેથી આપણું ન હોવાનું..

           

આપણે હતાં ને હતું ટુ-કાર ગરાજ હોમ

ઢગલાબંધ રૂમ્સ

         

એક શ્વાસ લેવાનો રૂમ

એક ઉચ્છવાસ કાઢવાનો રૂમ

એક્સવાયઝેડ રૂમ

‘વ્હાઈટ બ્લ્યુ ને રેડ’ રૂમ, બેડરૂમ

બેડરૂમમાં બાથરૂમ એટેચ્ડ

એક સોફા હતો-

ને હતાં સોફામાં આપણે એટેચ્ડ

પછી આપણને કંઈ કેટકેટલું એટેચ્ડ!

     

યુએસએ આવ્યાં તે વેળાનું

ઈમ્પોર્ટેડ એકાંત

હાઈ-ટૅક અગવડતા

ઑડ જોબ માટે પણ માઈલો ચાલવું

ને ખૂણામાં બેસીને આંસુનું સારવું

પછી

પહેલો પે-ચેક

અને પહેલું સિક્સ-પૅક

આલ્વેશન આર્મીનું બ્લેઝર

ને પહેલવહેલી ગાડીનું પ્લેઝર..

    

એ પછી તો-

ટાયરની જેમ કરી

કાર ચેઈન્જ 

હાઉસ ચેઈન્જ

ઑઈલ ચેઈન્જ

જૉબ ચેઈન્જ

ફોન ચેઈન્જ 

ફ્રેન્ડ્ઝ ચેઈન્જ

એટીટ્યુડ

આઉટલૂક

ઓપીનિયન

એક્સેન્ટ 

બઘ્ઘે બધ્ધું જ..

   

એક ઈન્ડિયાનું વેકેશન, વીડિયોની મેમ્બરશીપ,

વાઈફ અને ‘વફા’ના પાતરાનાં ડબ્બા સિવાય

લગભગ બધ્ધે બધ્ધું જ ચેઈન્જ કરી કરી

આપણને ખૂબ ખૂબ ડ્રાઈવ કરી

આપણા ઉપર આપણે ચડાવ્યા’તા

હન્ડ્રેડ્ઝ ઑફ થાઉઝન્ડ્ઝ ઑફ માઈલ્સ..

       

શું છે આ વીકએન્ડ ટુ વીકએન્ડનું જીવવાનું?

શું છે આ રોજ રોજ મરવાનું?

શું છે આ ‘લાઈફ’ જેવો અંગ્રેજી શબ્દ?.. 

    

રિઅરવ્યૂ મિરરમાં દેખાતા

કોઈ ગ્લાસ બિલ્ડીંગમાં

આપણને દેખાતો

આપણાથી દૂર જતો

આપણો જ રિઅરવ્યૂ મિરર?

   

રિઅરવ્યૂ મિરરમાં દેખાતી દુનિયાથી દૂર દૂર ખસવાનું

ઘડી ઘડી સ્હેજ સ્હેજ જોવાનું

જોવાનું એટલે કે-

આપણું હતું જે બધું, એ હવેથી આપણું ન હોવાનું.. 

        

શ્વાસોમાં, સ્પર્શમાં, સુગંધોમાં, સ્વાદોમાં,

આંખો, અવાજોમાં, દ્રશ્યોમાં, રંગોમાં,

ઘાસમાં, પ્રકાશમાં, પતંગિયાની પાંખોમાં,

ધોધમાર તડકાઓ, ઝીણા વરસાદમાં,

પરોઢિયાનાં ધુમ્મસમાં, વ્હેલી સવારના કલ્લોલમાં

વાણીમાં અને લહેરપાણીમાં

ઓચિંતુ – સિનીયર સીટીઝન ડિસ્કાઉન્ટ?

     

થર્ડ લાઈટ પર લેફ્ટ મારો,

ફોર-વે, ફોર્ક, રાઉન્ડ-અબાઉટ, ડેડ એન્ડ!

પાસ ગેસ સ્ટેશન ઓન રાઈટ

છેલ્લો માઈલસ્ટોન

       

એક વ્હાઈટ ચર્ચ પાસે છે સ્ટોપ સાઈન!

ગયાં વર્ષો – ડિરેક્શન આપવામાં

વર્ષો – ડિરેક્શન લેવામાં

     

લેવાના –

અંત જેના જોઈ ના શકાય તેવા હાઈ-વે 

અંધારું ઓઢીને ઉભેલા ફ્રી-વે

જોવાનાં-

જીન્દગીમાં લેવાની રહી ગયેલ એક્ઝીટનાં પાટીયાંનાં પતરાં

પણ-

લેવાની અંતે તો –

દૂરથી જ દેખાતા

આપવાને આવકારો મીઠો

અસ્પતાલ જનારાના સ્વાગતમાં ઉભેલા

અંગ્રેજી ‘એચ’વાળા બ્લ્યુ રંગના બોર્ડ ઉપર

દોરેલા ઍરોની દિશામાં વંકાતા રસ્તાની એક્ઝીટ

     

કોનું છે વાયરિંગ ?

કોણે બનાવી છે આ સ્વીચ ?

સાવ ‘ઓન’ માણસ કેમ એકાએક થઈ જાતા ‘ઓફ’ ?

        

ખંભા પર માણસ, સ્મશાન અને ઓગળતા રસ્તાનો ટ્રાયેન્ગલ

એ પછી આપણે ‘ન’ હોવાનું આટલું ગણિત

અને એ જ એનો એન્ગલ

રિઅરવ્યૂ મિરર, ખુલ્લું આકાશ અને ડામરના રસ્તાનો ટ્રાયેન્ગલ… 

        

“મારે જો અમેરિકામાં રચાયેલી સમગ્ર ગુજરાતી કવિતામાંથી માત્ર એક જ કૃતિની પસંદગી કરવાની હોય, માત્ર શુધ્ધ કાવ્યતત્ત્વની દ્રષ્ટિએ નહિ, પણ કાવ્યના વસ્તુની દ્રષ્ટિએ, જેમાં અમેરિકન સંસ્કૃતિનું, અમેરિકાના દૈનંદિન જીવનનું પ્રતિબિંબ હોય, જેમાં અમેરિકાની જીવનશૈલીની સાથે અહીં સ્થિર થયેલા વસાહતી ગુજરાતીઓની રહેણીકરણીનું વિચિત્ર વિલક્ષણ વર્ણસંકર મિશ્રણ હોય, અતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ જીવન હોય, ઘરઝુરાપો હોય અને અલબત્ત અમેરિકન અંગ્રેજી રૂઢપ્રયોગો અને શબ્દોની ભરમાર હોય તો હું ચન્દ્રકાંત શાહ નું ‘રિઅરવ્યૂ મિરર’ પસંદ કરું. ગુજરાતી કવિતાના વૈશ્વિક મિલનમાં અમેરિકન ગુજરાતી કવિતાની પ્રતિનિધિ કૃતિ તરીકે હું ‘રિઅરવ્યૂ મિરર’ પસંદ કરું”. – શ્રી મધુસુદન કાપડિયા ( પન્ના નાયકથી કૃષ્ણાદિત્ય, અમેરિકાવાસી ગુજરાતી કવિ-સર્જકો: એક સમીક્ષા ગુજરાત ટાઈમ્સ સપ્ટેમ્બર 22, 2006)   

         

ચન્દ્રકાંત શાહGo to fullsize image

( વિશેષ માહિતી માટે કવિશ્રીની જ  www.narmad.com વેબસાઈટની મુલાકાત અવશ્ય લેશો)  

કવિ સંપર્ક: To contact Poet: C420@ comcast.net

ગુજરાતી નાટ્યક્ષેત્રમાં ઓતપ્રોત એવા ‘ચંદુ શાહ’  આધુનિક ગુજરાતી કવિતાના મોટા ગજાના કવિ છે. એમનાં બે કાવ્ય-સંગ્રહો ખૂબ પ્રશસ્તિ પામ્યાં છે.  ‘અને થોડાં સપનાં’ ( ગુજરાતી સાહિત્ય પરિષદ પારિતોષિક વિજેતા) અને ‘બ્લુ જીન્સ’ (જે ઈંગ્લિશમાં પણ રૂપાંતરિત થયેલ છે)            

  

    

   

   

                 

  

પ્રાર્થના – રવીન્દ્રનાથ ટાગોર

                 

હે પ્રભો !

વિપત્તિમાં મારી રક્ષા કરો, એ મારી પ્રાર્થના નથી,

પણ વિપત્તિમાં હું ભય ન પામું,

એ મારી પ્રાર્થના છે.

દુ:ખ ને સંતાપથી ચિત્ત વ્યથિત થઇ જાય ત્યારે

મને સાંત્વના ન આપો તો ભલે,

પણ દુ:ખ પર હું વિજય મેળવી શકું એવું કરજો.

મને સહાય ન આવી મળે તો કાંઇ નહિ,

પણ મારું બળ તૂટી ન પડે.

સંસારમાં મને નુકસાન થાય,

કેવળ છેતરાવાનું જ મને મળે,

તો મારા અંતરમાં હું તેને મારી હાનિ ન માનું તેવું કરજો.

મને તમે ઉગારો – એવી મારી પ્રાર્થના નથી,

પણ હું તરી શકું એટલું બાહુબળ મને આપજો.

મારો બોજો હળવો કરી મને ભલે હૈયાધારણ ન આપો,

પણ એને હું ઊંચકી જઈ શકું એવું કરજો.

સુખના દિવસોમાં નમ્રભાવે તમારું મુખ હું ઓળખી શકું,

દુ:ખની રાતે, સમગ્ર ધરા જ્યારે પગ તળેથી ખસી જાય

ત્યારે તમે તો છો જ –

એ વાતમાં કદી સંદેહ ન થાય, એવું કરજો.

                       

રવીન્દ્રનાથ ટાગોર   

                              

અધ્યાત્મ આરોગ્ય

ભાગ- 2 માંથી સાભાર

પ્રકાશક : સ્વામિનારાયણ અક્ષરપીઠ

શાહીબાગ, અમદાવાદ – 380004