તારો અભાવ ત્યારે મને સાલશે સજન
કોઈ હાથ બે પરોવી મેળે મ્હાલશે સજન
તારો અભાવ આંખ ની ઝરમર બની જશે
આંબે અષાઢી ટહુકા જયારે ફાલશે સજન
તારો અભાવ એ ક્ષણે મુજ શ્વાસ રૂંધશે
નીશીગંધની સુગંધે પવન ચાલશે સજન
તારો અભાવ રોજ ના દેશે ઉજાગરા
અંધારું ઓરડામાં ખાટ ઢાળશે સજન
તારો અભાવ ઓઢણીની ભાત લઇ જશે
ને સુરજ થઇ મહેંદીના રંગ બાળશે સજન
અજીત પરમાર “આતુર”