તુલસીદલ પર સંન્યાસીનું ગીત

ડોક્ટર રાજેન્દ્રભાઈ ત્રિવેદીના તુલસીદલ બ્લોગ પર (સ્વામી વિવેકાનંદ દ્વારા સને 1895માં ન્યુયોર્ક ખાતે રચાયેલ  સંન્યાસીનું ગીત- ગુજરાતી ભાવાનુવાદ) વાંચીને ઘણો આનંદ અનુભવ્યો. આ લિંક પર ક્લિક કરી આપ પણ અધ્યાત્મનો આનંદ માણો.  http://tulsidal.wordpress.com/2007/08/31/swami-vivekanand-poem-of-1985/ અસ્તુ

એક ડોક્ટરની પ્રાર્થના

એક ડોક્ટરની પ્રાર્થના

એ મોટી વિડંબના છે ભગવાન,
કે મારી આજીવિકાનો આધાર લોકોની માંદગી પર છે;
પણ એ મારું સદભાગ્ય પણ છે
કે લોકોની પીડા દૂર કરવાની
એમની સેવા દ્વારા મારા સ્વાર્થને ક્ષીણ કરવાની
એક ઉત્તમ તક તેં મને આપી છે.
મારા પર આ તેં બહુ મોટી જવાબદારી મૂકી છે.
એ જવાબદારીનું હું ગંભીરતાપૂર્વક પાલન કરી શકું
એવી મને શક્તિ આપજે.
દરદીને હું, મારી આવડતની કસોટીનું સાધન ન ગણું;
રોગ-સંશોધન કે પ્રયોગો માટેનું પ્રાણી ન ગણું;
કેવળ પૈસા કમાવા માટેનું માધ્યમ ન ગણું;
તેને સાજો કરવા સિવાય બીજો કોઈ ઉદ્દેશ ન રાખું.
તેનો ઉપચાર કરતાં,
તે શ્રીમંત છે કે ગરીબ એ લક્ષમાં ન લઉં
એવી મને સદબુધ્ધિ આપજે.
તેની બધી જ ફરિયાદો હું ચિત્ત દઈને સાંભળું;
તનની સાથે તેના મનની તકલીફો પણ ધ્યાનમાં લઉં;
નિદાન અને દવા ઉપરાંત,
આશા અને આશ્વાસનના બે સ્નેહાળ શબ્દોની પણ
તેને ખૂબ જરૂર હોય છે એ ભૂલી ન જાઉં;
તેની સાથે સંકળાયેલ સ્વજનોની સ્વાભાવિક ચિંતા
અને તેની આર્થિક સ્થિતિનો પણ ખ્યાલ રાખું –
એવી અનુકંપા, ધીરજ, ઉદારતા મને આપજે.
આ વ્યવસાય પુણ્યનો છે,
પણ તેમાં લપસવાનું પણ ઘણું છે;
તેમાં હું મારી જાતને જાળવી રાખું.
ગંભીર નિર્ણય લેવાની કપરી ક્ષણ આવે ત્યારે
વ્યાવસાયિક જવાબદારી, મનુષ્ય તરીકેની નિષ્ઠા
અને દરદીના કુટુંબના વિશ્વાસુ મિત્ર તરીકેની
ભૂમિકા વચ્ચે સમતોલપણું જાળવી શકું
એવાં મને વિવેક અને સ્થિરતા આપજે.
અને આ બધોયે વખત
સૌથી મહાન ઉપચારક તો તું જ છે,
સ્વસ્થતાનો સ્ત્રોત તારામાંથી જ વહી આવે છે
હું તો માત્ર નિમિત્ત છું
એ હંમેશાં યાદ રાખી શકું
એવી મને શ્રધ્ધા આપજે.

સાભાર: અધ્યાત્મ આરોગ્ય- ભાગ 2

સ્વામિનારાયણ અક્ષરપીઠ, શાહીબાગ, અમદાવાદ- 380004 

જન્મદિવસે કરવા યોગ્ય પ્રાર્થના

જન્મદિવસે કરવા યોગ્ય પ્રાર્થના

        

આમ તો દરેક નવો દિવસ એ,

ભગવાન ! તમે આપેલી તાજી ભેટ છે.

જાગ્રત માણસ માટે દરેક દિવસ નવી શરૂઆત બની શકે

પણ ભગવાન, આજે મારો જન્મદિવસ છે

અને એટલે આજનો દિવસ

વિશેષ પ્રાર્થનાનો, વિશેષ જાગૃતિ, વિશેષ સંકલ્પનો દિવસ છે.

આજના દિવસે, ભગવાન !

હું ધન, માન, કીર્તિ અને આરોગ્ય નથી માગતો

પણ આ બધું મને મળે તો એનો ઉપયોગ

હું સહુના કલ્યાણ અર્થે કરી શકું

એવો સર્વ પ્રત્યેનો મૈત્રીભાવ માગું છું.

આજના દિવસે, ભગવાન !

હું એમ નથી માગતો કે મારો રસ્તો સરળ બને,

મારાં કાર્યો નિર્વિઘ્ને પાર પડે એમ પણ બને,

તો એ સફળતા મને કૃતજ્ઞ બનાવે.

અને એમ ન બને,

તો એ નિષ્ફળતા મને નમ્ર બનાવે-

એ હું માગું છું.

લોકો કહે છે યૌવનનો કાળ ઉત્તમ કાળ છે

તરુણાઈ ને તરવરાટ જીવનને એક ઐશ્વર્ય આપે છે

પણ આ ઐશ્વર્ય, આ શક્તિ, આ મસ્તી ને અભિમાનમાં

મારો માર્ગ તમારાથી દૂર ન નીકળી જાય

એ હું માગું છું.  

જીવનને સારી ને સાચી રીતે જીવવા માટેની સમજણ માગું છું.

‘અત્યારે તો બસ કમાવાનો, વધુ ને વધુ સંપત્તિ મેળવવાનો,

જીવનની સ્પર્ધા ને હરણફાળમાં

બીજાથી આગળ ને આગળ નીકળી જવાનો અવસર છે;

અને પ્રાર્થના તો પછી ઘરડા થઈશું ત્યારે કરીશું

અત્યારે એ માટે કાંઈ સમય કે સગવડ નથી’ –

એવું હું માનવા ન લાગું,

એ હું આજ માગું છું.

કારણ કે,

પ્રાર્થના કરવી, તમારી નિકટ આવવું 

એ કાંઈ પૈસાનો સવાલ નથી, 

એ તો હ્રદયનો સવાલ છે.

જુવાન હોઈએ ત્યારે અમે એમ વર્તીએ છીએ

જાણે અમે ક્યારેય વૃધ્ધ થવાના નથી

પણ સૂર્યને ઢળતો અટકાવી શકાતો નથી

ફૂલને કરમાતું રોકી શકાતું નથી

એટલે અમારી આ ખુમારી, આ થનગનાટ,

આભવીંઝતી પાંખો

અમારી આ કરમાઈ જનારી વસ્તુઓ

સદાકાળ ટકી રહો એવી મારી માગણી નથી

પણ એ બધું અસ્ત પામે ત્યારે

એથી અદકી સુંદર બાબતો –

પરિપક્વતા, સૌમ્યતા, માયાળુતા, બીજાને સમજવાની શક્તિ

મારામાં ઉદય પામે તેમ ઈચ્છું છું.

આ દુનિયામાં તમે મને જન્મ આપ્યો છે

તે માટે હું તમારો આભાર માનું છું.

હું એવું હ્રદય માગું છું,

જે આ દુનિયાને તમારા માટે ચાહી શકે.

આ સૃષ્ટિ તમે આનંદ વડે આનંદ માટે સર્જી છે

એને હું મારા સ્વાર્થ અને બેકાળજીથી ક્ષતિ ન પહોંચાડું,

મૂંગાં પ્રાણીઓ અને મધુર વનસ્પતિ-સૃષ્ટિને ચાહું,

હવા, પાણી અને ભૂમિને દૂષિત ન કરું,

દરેક દિવસે હું એક પગથિયું ઊંચો ચડું,

દરેક પગલે હું થોડોક વધુ તમારી નિકટ આવું,

રોજરોજ કોઈક સત્કર્મથી મારા હ્રદયમાં રહેલા

તમને વ્યક્ત કરું,

દુનિયાને મારા થકી થોડી વધુ સુંદર બનાવું,

દરેક વર્ષે આજનો દિવસ આવે ત્યારે

આગલા વર્ષ કરતાં મારું જીવન વધુ કૃતાર્થ બન્યું છે

એમ કહી શકું

-એ હું માગું છું.

એક એક જન્મદિવસ આવે છે,

એક-એક વર્ષ જીવનમાં ઉમેરાય છે

એ મને યાદ આપે છે કે સમય કેટલી ઝડપથી વહી રહ્યો છે !

દરેક ક્ષણ મૂલ્યવાન છે,

અંત ક્યારે આવશે તેની ખબર નથી.

આવતી કાલે કદાચ હું ન પણ હોઉં

તેથી આજનો દિવસ હું સંપૂર્ણ રીતે જીવવાનો પ્રયત્ન કરું,

દરેક દિવસે મારો નવો જન્મ જ થાય છે તેમ માનું,

અને પ્રત્યેક દિવસે વિદાય લેવા

મારા જીવનની ચાદર ઊજળી રાખીને તમને ધરી દેવા તત્પર રહું.

આજે, મારા જન્મદિવસે, ભગવાન !

એ હું તમારી પાસે માગું છું.

    

સાભાર:

અધ્યાત્મ આરોગ્ય- ભાગ 2

સ્વામિનારાયણ અક્ષરપીઠ

શાહીબાગ, અમદાવાદ- 380004 

ગુજારે જે શિરે તારે

બાળાશંકર કંથારિયા

     

ગુજારે જે શિરે તારે

           

ગુજારે  જે  શિરે તારે  જગતનો  નાથ તે સ્હેજે,
ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે.
 

દુનિયાની  જુઠી વાણી  વિશે જો દુ:ખ વાસે છે,
જરાયે  અંતરે  આનંદ  ના  ઓછો  થવા  દેજે.
 

કચેરી  માંહી કાજીનો  નથી  હિસાબ કોડીનો,
જગત કાજી  બનીને  તું વહોરી ના પીડા લેજે.
 

જગતના  કાચના  યંત્રે  ખરી વસ્તુ નહીં ભાસે,
ન  સારા  કે  નઠારાની  જરાએ  સંગતે  રહેજે.
 

સ્હેજે  શાંતિ  સંતોષે   સદાયે   નિર્મળે   ચિત્તે,
દિલે  જે  દુ:ખ  કે  આનંદ  કોઇને નહીં કહેજે.
 

વસે  છે  ક્રોધ વૈરી  ચિત્તમાં  તેને  તજી  દેજે,
ઘડી  જાએ  ભલાઇની  મહાલક્ષ્મી ગણી લેજે.
 

રહે  ઉન્મત્ત  સ્વાનંદે  ખરું એ સુખ માની લે, 
પીએ તો શ્રી પ્રભુના પ્રેમનો પ્યાલો ભરી પીજે.
 

કટુ વાણી સુણે જો કોઇની, વાણી મીઠી કહેજે,
પરાઇ  મૂર્ખતા  કાજે  મુખે  ના  ઝેર  તું  લેજે.
 

અરે  પ્રારબ્ધ  તો ઘેલું  રહે છે  દૂર માગે તો,
ન  માગે દોડતું આવે  ન  વિશ્વાસે  કદી રહેજે.
 

અહો શું પ્રેમમાં રાચે, નહીં ત્યાં સત્ય પામે તું?
અરે  તું   બેવફાઇથી  ચડે  નિંદા   તણે  નેજે.
 

લહે  છે  સત્ય  જે  સંસાર તેનાથી પરો  રહેજે,
અરે એ કીમિયાની જો મઝા છે તે પછી કહેજે.
 

વફાઇ તો  નથી  આખી  દુનિયામાં જરા દીઠી,
વફાદારી  બતા’વા  ત્યાં  નહીં કોઇ પળે જાજે.
 

રહી  નિર્મોહી શાંતિથી  રહે એ  સુખ  મોટું છે,
જગત બાજીગરીનાં તું બધાં છલબલ જવા દેજે.
 

પ્રભુના  નામનાં  પુષ્પો પરોવી કાવ્યમાળા તું,
પ્રભુની  પ્યારી  ગ્રીવામાં પહેરાવી  પ્રીતે દેજે.
 

કવિ  રાજા થયો શી છે  પછી પીડા તને કાંઇ?
નિજાનંદે  હંમેશાં બાલ  મસ્તીમાં  મઝા લેજે.
 

 બાળાશંકર કંથારિયા

ગીતાંજલિ

રવીન્દ્રનાથ ઠાકુરના ગીતાંજલિ (ભાવાનુવાદક: ધૂમકેતુ) 

         

હે જીવનના જીવન ! હું મારું શરીર પવિત્ર રાખવા યત્ન કરીશ, કારણ કે હું જાણું છું કે એના રોમેરોમમાં તારો સ્પર્શ છે.

મારા મનમાંથી ને વિચારમાંથી હરેક અસત્યને હું દૂર રાખીશ. કારણ કે, હું જાણું છું કે મારા મનના બુધ્ધિદીપને, પ્રકાશ તું આપી રહેલ છે.

મારા અંત:કરણમાંથી હું દરેક પ્રકારના અસતને બહાર કાઢવા યત્ન કરતો રહીશ. કારણ કે, અંત:કરણના ગુપ્તતમ મંદિરમાં તું બઠો છે, એ હું જાણું છું.

અને મારા કર્મોમાં પણ, હું તને જ પ્રગટ કરતો રહીશ. કારણ, હું જાણું છું કે મારામાં એક પાંદડું પણ ફેરવવાની તાકાત નથી.

જે કાંઈ શક્તિ છે, તે તારી છે.    

                   

રવીન્દ્રનાથ ઠાકુરના ગીતાંજલિ (ભાવાનુવાદક: ધૂમકેતુ) 

            

હવે તો મારા ગીતે પોતાનાં આભૂષણો છોડી દીધાં છે. એને આભૂષણનો મોહ નથી, ભભકાનું અભિમાન નથી.

આભૂષણો તો વચ્ચે દખલ ઊભી કરે છે. આભૂષણો છે, તો મારું હ્રદય સાથે એક થઈ શકતું નથી.

તારી પ્રેમભરી શાંત ધીમી સુધાવાણી, આભૂષણોના ઝંકારમાં ડૂબી જાય છે !

હું કવિ રહ્યો. મારી પાસે આભૂષણોનો ભંડાર છે, પણ મારું એ કવિઅભિમાન તારો એક પણ દ્રષ્ટિપાત થતાં સરી જાય છે ! હે કવિના પણ કવિ ! કે કવિરાજ ! હું તો વિનમ્રપણે તારા ચરણ પાસે માત્ર લોટી પડું છું !

મને બીજી કોઈ ઈચ્છા નથી. વનમાં ચાલ્યા જતા કોઈ સાદા ઝરણની માફક, મારો જીવનસ્ત્રોત શાંત વહ્યા કરે, તારા ગાનને વહન કરનારી સીધીસાદી બરુની વાંસળી એ થઈ રહે, હે સ્વામી ! એટલું જ મારે બસ છે !

             

રવીન્દ્રનાથ ઠાકુરના ગીતાંજલિ (ભાવાનુવાદક: ધૂમકેતુ) માંથી  સાભાર       

ગૂર્જર પ્રકાશન

રતનપોળ નાકા સામે – ગાંધી માર્ગ, અમદાવાદ- 380001   

વિવેકયોગ

 આસ્તિકતા કદી પણ તર્કસાધ્ય નથી હોતી, શ્રધ્ધાસાધ્ય હોય છે.  બૌધ્ધિકતા જેમ તત્વ છે, તેમ શ્રધ્ધા પણ તત્વ છે. જેમાં બન્ને તત્વો ખૂબ વિક્સ્યાં હોય તેનું જીવન ધન્ય બની જાય. બૌધ્ધિકતા વિનાની શ્રધ્ધા, અંધશ્રધ્ધા થઈ જવા સંભવ છે, અને શ્રધ્ધા વિનાની કોરી બૌધ્ધિકતા, એ નાસ્તિકતા થઈ જતી હોય છે. આ બન્ને કલ્યાણકારી તત્વોનો ઉચિત સમંવય કરવો એ વિવેકયોગ છે.
જીવનને કદી પણ શતપ્રતિશત તર્કસંગત કરી શકાતું નથી, ચુસ્ત નાસ્તિકો કે તાર્કિકોના જીવનમાં પણ કેટલીક બાબતો તર્કથી પર હોય જ છે. ખાસ કરીને લાગણીઓનું ક્ષેત્ર તર્કની કર્કશતાને સહન નથી કરી શકતું.
– સ્વામી સચ્ચિદાનંદ   

સમજણ વિના રે સુખ નહીં જંતને રે

અખો  

                 

સમજણ વિના રે સુખ નહીં જંતને રે

              

સમજણ વિના રે સુખ નહીં જંતને રે;

વસ્તુગતિ કેમ કરી ઓળખય ?

આપમાં વસે છે આપનો આતમા રે,

તેણે કાંઈ જીવપણું નવ જાય. . સમજણ..

                     

રવિ રવિ કરતાં રે રજની નહીં મટે રે,

અંધારું તો ઊગ્યા પૂંઠે જાય;

રુદે કવિ ઊગે રે નિજ ગુરુજ્ઞાનનો રે,

થનાર હોય તે સહેજે થાય.. સમજણ..  

            

જળ જળ કરતાં રે તૃષ્ણા નવ ટળે રે,

ભોજન કહેતાં ન ભાંગે ભૂખ;

પ્રેમરસ પીતા રે તૃષ્ણા તુરત ટળે રે,

એમ મહાજ્ઞાનીઓ બોલે છે મુખ.. સમજણ.. 

                       

પારસમણિ વિના રે જે પથરા મળે રે,

તેણે કાંઈ કાંચન લોહ ન થાય;

સમજણ વિના રે જે સાધન કરે રે,

તેણે કાંઈ જીવપણું નવ જાય. . સમજણ..   

                       

દશ મણ અગ્નિ રે લખિયે કાગળે રે,

એને લઈ રૂમાં જો અલપાય;

એની અગ્નિથી રે રૂ નથી દાઝતું રે,

રતી એક સાચે પ્રલય જ થાય. . સમજણ..   

                               

જીવપણું માટે રે અનહદ ચિંતવ્યે રે,

એ તો વાણીરહિત છે રે વિચાર;

જે જે નર સમજ્યા રે તે તો ત્યાં સમ્યા રે,

કહે અખો ઊતર્યા પેલે પાર. . સમજણ..                    

                  

અખો

હે પરમાત્મા- સંત ફ્રાંસીસની પ્રાર્થના

હે પરમાત્મા,

મને તારી શાંતિનું વાહન બનાવ.

જ્યાં ધિક્કાર છે ત્યાં હું પ્રેમ વાવું.

જ્યાં ઘાવ થયો છે ત્યાં ક્ષમા

જ્યાં શંકા છે ત્યાં શ્રધ્ધા

જ્યાં હતાશા છે ત્યાં આશા

જ્યાં અંધકાર છે ત્યાં પ્રકાશ

જ્યાં શોક છે ત્યાં આનંદ.

હે દિવ્ય સ્વામી, એવું કરો કે,

હું આશ્વાસન મેળવવા નહિ, આપવા ચાહું

મને બધાં સમજે એ કરતાં હું બધાંને સમજવા ચાહું.

મને કોઈ પ્રેમ આપે એ કરતાં હું કોઈને પ્રેમ આપવા ચાહું.

કારણ કે,

આપવામાં જ આપણને મળે છે;

ક્ષમા કરવામાં જ આપણે ક્ષમા પામીએ છીએ.

મૃત્ય પામવામાં જ આપણે શાશ્વત જીવનમાં જન્મીએ છીએ.

                 

સંત ફ્રાંસીસ

                         

સાભાર:

અધ્યાત્મ આરોગ્ય- ભાગ 2

સ્વામિનારાયણ અક્ષરપીઠ

શાહીબાગ, અમદાવાદ- 380004 

તે મને શીખવ

હે પ્રભુ,

સંજોગો વિકટ હોય ત્યારે,

સુંદર રીતે કેમ જીવવું?

તે મને શીખવ.

બધી બાબતો અવળી પડતી હોય ત્યારે,  

હાસ્ય અને આનંદ કેમ ન ગુમાવવાં?

તે મને શીખવ.

પરિસ્થિતિ ગુસ્સો પ્રેરે તેવી હોય ત્યારે,

શાંતિ કેમ રાખવી?

તે મને શીખવ.

કામ અતિશય મુશ્કેલ લાગતું હોય ત્યારે,

ખંતથી તેમાં લાગ્યા કેમ રહેવું?

તે મને શીખવ.

કઠોર ટીકા ને નિંદાનો વરસાદ વરસે ત્યારે,

તેમાંથી મારા ખપનું ગ્રહણ કેમ કરી લેવું?

તે મને શીખવ.

પ્રલોભનો, પ્રશંસા, ખુશામતની વચ્ચે

તટસ્થ કેમ રહેવું?

ત મને શીખવ.

ચારે બાજુથી મુશ્કેલીઓ ઘેરી વળે,

શ્રધ્ધા ડગુમગુ થઈ જાય,

નિરાશાની ગર્તામાં મન ડૂબી જાય ત્યારે,

ધૈર્ય અને શાંતિથી તારી કૃપાની પ્રતીક્ષા કેમ કરવી?

તે મને શીખવ.

                 

સાભાર:

અધ્યાત્મ આરોગ્ય- ભાગ 2

સ્વામિનારાયણ અક્ષરપીઠ

શાહીબાગ, અમદાવાદ- 380004 

    

હે પરમ પ્રભુ

અમારા વિચારોને એટલા ઉદાર કરો કે

બીજાં માણસનું દ્રષ્ટિબિંદુ અમે સમજી શકીએ.

અમારી લાગણીઓને એટલી મુક્ત કરો કે

બીજાંઓ પ્રત્યે અમે તેને વહાવી શકીએ.

અમારા મનને એટલું સંવેદનશીલ કરો કે

બીજાંઓ ક્યાં ઘવાય છે તે અમે જોઈ શકીએ.

અમારા હ્રદયને એટલું ખુલ્લું કરો કે

બીજાંઓનો પ્રેમ અમે ઝીલી શકીએ.

અમારા ચિત્તને એટલું વિશાળ કરો કે

પોતાના ને પારકાના ભેદથી ઓપર ઊઠી શકીએ.

હે પરમાત્મા,

અમારી દ્રષ્ટિને એટલી ઉજ્જવળ કરો કે

જગતમાં રહેલાં તમારાં સૌંદર્યો ને સત્યો અમે નીરખી શકીએ.

અમારી ચેતનાને એટલી સૂક્ષ્મ કરો કે

તમારા તરફથી અનેકવિધ રૂપમાં આવતા સંકેતો

પારખી શકીએ અને તમારું માર્ગદર્શન પામી શકીએ.

                             

સાભાર:

અધ્યાત્મ આરોગ્ય- ભાગ 2

સ્વામિનારાયણ અક્ષરપીઠ

શાહીબાગ, અમદાવાદ- 380004