સૈયર, શું કરિયેં ?
કોયલ ટહુકે સવારના
ને સાંજે કનડે યાદ
સૈયર, શું કરિયેં ?
આંખોમાં છે ફાગણિયો
ને પાંપણમાં વરસાદ
સૈયર, શું કરિયેં ?
ઊંઘમાં જાગે ઉજાગરો
ને સમણાંની સોગાદ
સૈયર, શું કરિયેં ?
મૂગામંતર હોઠ તો મારા
ને હૈયું પાડે સાદ
સૈયર, શું કરિયેં ?
પિયર લાગે પારકું
કે સાસરિયાંનો સ્વાદ
સૈયર, શું કરિયેં ?
પગમાં હીરનો દોર વીંટાયો
ને ઝરણાંનો કલનાદ
સૈયર, શું કરિયેં ?
તનમાં તરણેતરનો મેળો
ને મનમાં છે મરજાદ
સૈયર, શું કરિયેં ?
અનિલા જોશી
જન્મ: મે 2, 1935
બૃહત્ ગુજરાતી કાવ્યસમૃધ્ધિમાંથી સાભાર