ને Dissection Hallમાં Cadaver બોલી ઊઠ્યું !

દિલીપ ર. પટેલ 

ને Dissection Hallમાં Cadaver  બોલી ઊઠ્યું !

છેદિત  મુજ મૃતદેહ છે  વિશિષ્ટ પ્રકારનો આયનો
પરિચય કરાવે જે  માનવબિંબનો ને અંત:કાયનો
આયનો શાનો? ધૂળે મળ્યા બાદ તે ન રહે કામનો
ને હું બન્યો છું કામનો, જ્યારથી છું ન કો દામનો!

અહાહા! કેટલો બડભાગી બની ગયો છું મૃત્યુદેવના આગમન પશ્ચાત. સારી જિંદગાની દરમિયાન અરમાનોના ખ્વાબમાં રાચેલો; તથાપિ અપમાનોની આંધીમાં જ અટવાયેલો ને એથી નંખાઈ ગયેલો તન-મનથી! અરે, લક્ષ્મીદેવી સામે જાણે સામો ચંદરવા ન હોય એમ ધનશ્રી દૂર જ રહેલી. ખેર, યમદેવના આશીર્વાદે અત્રેના આગમને નિરાશાનાં એ શૂન્યો આગળ આશાના એકડાંને ઘૂંટી શક્યો છું. ઓ ભાવિ તબીબો, હર્ષોર્મિઓનું એ વહેણ એટલું તો તેજીલું હતું કે ક્વચિત દિલના ધબકાર ચાલુ હોત તો આપ Stethoscopeની મદદથીય ના માપી શક્યા હોત!       

અક્ષત dissection hall માં આપના aprons શ્વેતતાને સહારે જ્યારે શાંતિનો પેગામ પહોંચડતા હોય છે ત્યારે આપની શિસ્તબધ્ધતા અને ભાવિમાં હજારોની જીવનસિતારને સદૈવ સરગમ છેડતી રાખવા કાબિલ બનનારા આપના હાથ ને forceps, scalpel, knife વગેરે instruments ના સ્પર્શને કારણે અગમ્ય રોમાંચ અનુભવતો હોઉં છું; પરંતુ આજે આપ કશીયે પૂર્વતૈયારી વિના જ મારા organs ને dissect કરી રહ્યા છો ત્યારે લાગી રહ્યું છે કે આનાથી તો કાગડા ને ગીધડાના ઉપયોગમાં આવવું બહેતર છે. ખેર, હવે પૂર્વતૈયારી કરીને આવજો જેથી તમને રસ પડે ને મનેય આનંદ આવે. મારું આ સૂચન તમને demonstrator  સાહેબના સૂચનવત લાગશે. સાચું ને! આ તો સોબતે અસર ને તુકમે તાસીર. કેમ, ખરું ને? ચાલો ત્યારે, અત્યારે સમય છે મારી કથા સુણવાનો.      

ચોપાસ પ્રસરેલા અંધકાર વચ્ચે નંદવાઈ ગયેલા હેવાતનવાળી મૈયાનો પુત્રપ્રાપ્તિની ખેવનામાં પ્રજ્વળી રહેલો દીપ બદનસીબ જાનશીનના આગમને જ બુઝાયો. રે નસીબ! આગમનથી જ એકલતાનાં અંધારા- જેમાં હું આખુય આયખુ અટવાવાનો હતો. શૈશવકાળ અનાથાશ્રમમાં વિતાવ્યો. મૈયાએ foetal life દરમિયાન સીંચેલ સંસ્કારવારિથી જીવનવૃક્ષ પાંગરી રહ્યું હતું ને હું એકલતાના અંધકારમાં divine life ની જ્યોત શોધવા ભટકી રહ્યો હતો. શરીર જાણે જીવનનું ભિન્ન અંગ બની ગયું ને કાળજીભરી સંભાળથી અલિપ્ત રહ્યું. તનની બેદરકારી ને અપૂરતા પોષણને કારણે શરીર ક્ષીણ થતું ગયું ને યૌવનના ઊંબરે જ પડી ભાંગ્યું. ક્રમશ: નાનાં-મોટાં રોગોએ ઘેરો ઘાલ્યો ને જાણી શક્યો મને pulmonary tuberculosis થયો હતો અહીં આવ્યા બાદ! બેસુમાર ગરીબાઈને કારણે દવા-દારુ ન કરાવ્યા ને અંતે અરમાનોના આસમાનને આંબવા મીટ માંડી રહેલા જીવનરથના ચક્રો ઊંજણના અભાવે કર્દમમાર્ગે ફસાયાં; ચૈતન્ય ચમકાર અંધકારમાં અટવાતો ગયો. જીવન સ્વપ્નવત લાગ્યું ને રંજ  અનુભવ્યો નાકામયાબ નીવડવાનો. રે પ્રથમ વાર ચરમ ને પરમ હર્ષ અનુભવ્યો વસ્તીવૃધ્ધિની જાગતિક સમસ્યા હલ કરવામાં મદદરૂપ થયાનો આજીવન અપરિણીત રહીને ને જિંદગીને અલવિદા કહીને!      

યાદા’વે છે એ દિન જ્યારે ફોર્મેલિન અવતારના શ્રીગણેશ થયેલા. ચિરશાતામાં પોઢેલા આ અજાણ્યા દેહની ચિતા સળગાવવાની ચિંતા કોને હોય? મંદિરમાં આવેલ કોઈક સજ્જનની સહાયથી મંદિરના ચોકમાં પડેલા મુજ મૃતદેહને Smt NHL Municipal Medical Collegeની શબવાહિની મારફત અત્રે લાવવામાં આવ્યો ને ફોર્મેલિનના ઈંજેક્શનોનો મારો ચલાવવામાં આવ્યો. આ તે કેવું નસીબ? દવા-દારુના ઈંજેક્શનના અભાવે મરણને શરણ થયો અને ઈંજેક્શન અપાયા જીવનદીપ બુઝાયા બાદ! એ સમે તન શી પીડા અનુભવે! પણ મન તીવ્ર જુગુપ્સાથી ઊકળી ઊઠેલું આ આલમ પરે એની સ્વાર્થપટુતા માટે.         

ખેર, જુગુપ્સા ક્ષણભંગુર જણાઈ. મૃત્યુની હાજરીથી જ જીવનની એ અન્યાર્થે મરી ફીટવાની ભાવના જાણે મૂર્ત થવાની હતી. ના એ તો મૃગજળવત જણાઈ તમારા તબીબી શાખામાં પદાર્પણના પ્રથમ દિને! જ્યારે મને dissection hall માં નિ:ચીરાવસ્થામાં (undressed) જોઈને તમે જાણે પ્રદર્શન ન જોતાં હોવ એમ એવી ટીકા-ટિપ્પણી કરેલી કે જો હું સચેત હોત તો પ્રભુ સમક્ષ ધા ફેંકત કે હે પ્રભુ તેં આવા માનવો શીદને ઘડ્યાં… ને હું strike (હડતાલ) પર ઉતરત! જ્યારે demonstrator સાહેબે ટીકા-ટિપ્પણી બંધ કરાવી  જાળવવા સૂચવ્યું ત્યારે જ મારો ક્રોધાગ્નિ શમેલો.                

હવે તો આપ Gray’s Anatomy ને Cunnigham’s Manual for Practical Anatomy ના ગહન અધ્યયનને લીધે સમજ્યા છો કે માનવદેહ તો ‘ગાગરમાં સાગર’ ને બિંદુમાં સિંધુ’ શો છે ને એટલે જ આપ થોડા serious બની ગયા છો. જાણે પરસ્પરનો પરાગ પમરાટી રહ્યો છે. મારા ને  તમારા અન્યોન્ય સાથેના મૈત્રી-વૃક્ષો શીઘ્રતાથી પાગરી રહ્યા છે. આનાથી ઉત્તમ મોકો યારે મળે unit બનાવવાનો! હા, હવે ગહન અધ્યયને જાણે આપનો બધો જ સમય ન છીનવી લીધો હોય એમ, તમે એટલોય સમય ફાજલ નથી રાખ્યો જેથી કરીને મારા dissected organsને પાટા-પીંડી કરી શકો! હા, સમયનું મૂલ્ય સમજવા બદલ આભાર. અન્યોન્યનો અનુરાગ ઓટમાં ન અટવાય એ માટે કટિબધ્ધ જરૂર રહેજો.                 

અરે હા, due termની બીકે જ રખે, આપ આમ serious બનવા માંડ્યા છો. મારી પણ  આવશે. કેમ ખરું ને? ને હું pulmonary tuberculosisનો રોગી હોઈ એ વખતે આપને એની pathology વિશે આછી-પાતળી માહિતી પૂરી પાડી શકીશ. First MBBSમાં જ Second MBBSની સામગ્રી advanceમાં પીરસી શકીશ. શું પચાવવા તૈયાર થશો ને? વળી examમાં મારા organs ના જ specimens હોય એવી પ્રભુને પ્રાર્થના પણ કરતા હશો જ, આપના સ્વાર્થ ખાતર.. કેમ, ખરું ને!             

પરગજુ બનવા  આજીવન મથ્યો, અંત જ  સફળ  બનાવી ગયો! 
Examમાં મુજ organs તમ એ પ્રાર્થના સુણે પ્રભુ એ અભ્યર્થના.             

Human Bodyનું પ્રત્યેક Organ  જેમ જીવન રક્ષણાર્થે  સહાયક છે તેમ ભાવિમાં Doctor બન્યા બાદ પ્રત્યેક Patientને સહયરૂપ બનજો જ. મારા જેવા મુરઝાયેલા ગુલનો આ ઉપદેશ પરિમલ આપના જેવા ખુશ્બોથી તરબતર ખીલી રહેલા ગુલો પચાવે એ જ અભ્યર્થના.               

અપાર ગુલ ખીલે હૈં ગુલઝારમેં, કામ આયેંગે કમ
જબ કી મુરઝાને કે  બાદ ભી,  કામ આયેં હૈં હમ!                 

પટેલ દિલીપ ર.