કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો – અવિનાશ વ્યાસ (Avinash Vyas)

માડી! તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો,
જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો;
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.

મંદિર સરજાયું ને ઘંટારવ ગાજ્યો,
બ્રહ્મનો ચંદરવો માએ આંખ્યુંમાં આંજ્યો,
દીવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો;
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.

માવડીની કોટમાં તારાનાં મોતી,
જનનીની આંખ્યુંમાં પૂનમની જ્યોતિ;
છડી રે પુકારી માની મોરલો ટહુક્યો,
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.

નોરતાંના રથના ઘૂઘરા બોલ્યા,
અજવાળી રાતે માથે અમૃત ઢોળ્યાં;
ગગનનો ગરબો માનાં ચરણોમાં ઝૂક્યો,
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.

અવિનાશ વ્યાસ

જીવનકાળ: જુલાઈ 21, 1911 થી ઓગષ્ટ 20, 1984.

ગુજરાતી ચલચિત્રોમાં આપેલા ગીત-સંગીતથી લોકપ્રિય થયેલા. જેમણે ‘પાંદડું લીલું ને રંગ રાતો’ કાવ્ય-સંચય આપેલો.

રાખનાં રમકડાં – અવિનાશ વ્યાસ (Avinash Vyas)

અવિનાશ વ્યાસ 

રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે
મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે.. રાખનાં રમકડાં..
 

બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત ગમતું માંગે
આ મારું આ તારું કહીને એકબીજાને ભાંડે રે.. રાખનાં રમકડાં.. 


એઇ કાચી માટીને કાયામાંથી માયા કેરા રંગ લગાયા
એજી ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં ત્યાં તો વિંઝણલા વિંઝાયા રે..રાખનાં રમકડાં..
 

તંત અનંતનો તંત ન તૂટ્યો ને રમત અધૂરી રહી,
તનડા ને મનડાની વાતો આવી એવી ગઇ.. રાખનાં રમકડાં..
અવિનાશ વ્યાસ 

પાંદડું લીલું ને રંગ રાતો- અવિનાશ વ્યાસ (Avinash Vyas)

અવિનાશ વ્યાસ

Image Preview           

પાંદડું લીલું ને રંગ રાતો    

      

પાંદડું લીલું ને રંગ રાતો, મારી મેંદીનો રંગ મદમાતો.

      

ભૂલી રે પડી  હું તો  રંગના બજારમાં

લાગ્યો મને  રંગ  કેરો છાંટો.. પાંદડું..

            

રેશમની કાયા તારી  જાણે લજામણી,

લટકંતી લટ તો જાણે ભૂલ રે ભૂલામણી,

રૂપને ઘેરીને  બેઠો ઘૂંઘટનો  છેડલો.

વાયરાની લ્હેરમાં લ્હેરાતો.. પાંદડું..

               

રંગરસિયા,  જરા  આટલેથી  અટકો,

દિલને લોભાવે તારા લોચનનો લટકો;

વારી વારી થાકી તોયે છેલ રે છબીલા

તું તો અણજાણે આંખમાં છુપાતો.. પાંદડું..

               

છૂપી છૂપી કોણે મારું દિલડું દઝાડ્યું?

છૂપી છૂપી કોણે મને ઘેલું રે લગાડ્યું?

ક્યાં રે છુપાવું મારા દાઝેલા દિલને?

હાય! કાળજાની કોરે વાગ્યો કાંટો.. પાંદડું..

          

અવિનાશ વ્યાસ

જીવનકાળ: જુલાઈ 21, 1911 થી ઓગષ્ટ 20, 1984.

ગુજરાતી ચલચિત્રોમાં આપેલા ગીત-સંગીતથી લોકપ્રિય થયેલા. જેમણે ‘પાંદડું લીલું ને રંગ રાતો’ કાવ્ય-સંચય આપેલો.