દિલ ન લાગે કિનારે, તો હું શું કરું?
દૂર ઝંઝા પુકારે, તો હું શું કરું?
હું કદી ના ગણું તુજને પથ્થર સમો,
તું જ એ રૂપ ધારે, તો હું શું કરું?
હો વમળમાં તો મનને મનાવી લઉં,
નાવ ડૂબે કિનારે, તો હું શું કરું?
આંસુઓ ખૂબ મોંઘા છે માન્યું છતાં
કોઈ પાલવ પ્રસારે, તો હું શું કરું?
તારી ઝૂલ્ફોમાં ટાંકી દઉં તારલાં,
પણ તું આવે સવારે, તો હું શું કરું?
આદિલ મન્સૂરી
જન્મ કરાંચીમાં, ઉછેર અમદાવાદમાં અને એમની શાયરીની બોલબાલા દિગદિગંતમાં; આદિલ મન્સૂરી પોતાની ઓળખ એક મિસરામાં આ રીતે આપે છે: ધર્મ, ધંધો જન્મ ને જાતિ ગઝલ ; અત્યારે અમેરિકામાં વસે છે, પણ એમનું હ્રદય હજી ભઠિયારગલીમાં ભમતું જોવા મળે છે- ચિનુ મોદી
સુખનવર શ્રેણી (આદિલ મન્સૂરી) માંથી સાભાર
પુસ્તક પ્રકાશક અને વિક્રેતા: આર. આર. શેઠની કંપની
Web: www.rrsheth.com