માથું ભમી ભમીને કહો કેટલું ભમે?
ડિસ્કો ગમી ગમીને કહો કેટલું ગમે?
આ તો ચુનાવનો જ ચમત્કાર માત્ર છે,
નેતા નમી નમીને કહો કેટલું નમે?
શ્રોતાઓ ‘બોર’ થઈને વગાડે છે તાળીઓ,
ભાષણ ગમી ગમીને કહો કેટલું ગમે?
ભણતરથી ભાર કેટલો પુસ્તકનો થૈ ગયો,
બાળક ખમી ખમીને કહો કેટલું ખમે?
કહેતા હતા કે વૃધ્ધ ને બાળક સમાન છે,
ઘરડાં રમી રમીને કહો કેટલું રમે?
કોન્ટ્રાક્ટથી ચણેલ મકાનો પડી ગયાં,
ચણતર નમી નમીને કહો કેટલું નમે?
આંખો ચડી ગઈ અને નાડી મળે નહીં,
‘આશિત’ જમી જમીને કહો કેટલું જમે?
આશિત હૈદરાબાદી
પરણવાની સજા દીધી માંથી સાભાર