ઊર્મિસાગરની સ્વરચિત અને અન્ય કવિઓ રચિત કવિતાઓ રૂપી મોતીડાં માણવા ઊર્મિના સાહિત્ય સાગરમાં http://urmisaagar.com/urmi/ડૂબકી મારવી જ રહી.
1.
ઠોકર સુહાની દે
તારી હયાતીની મને કોઈ નિશાની દે,
ઈશ્વર મને જ શોધે તું, એ જીન્દગાની દે.
ખીલીને અહીં હું પણ ખરું, એમાં નવું છે શું?
ઉજડીને પણ ખીલી શકું, નોખી કહાની દે.
સીધા હશે જો રસ્તા તો શક છે ભૂલી જઈશ,
વિસરું કદી ન હું તને, ઠોકર સુહાની દે.
મથુરા બન્યું છે જોઈ લે, આ મારું ધૃષ્ટ મન,
ગોકુળ બનાવી તું મને રાધા દિવાની દે.
કાયમ રહે જો ચુસ્ત, શું એ કાફિયા ગમે?
થોડાં કરી દે મોકળાં, એને રવાની દે.
2.
લાગણીનું વાંઝિયું ઝાડ
બાષ્પ થઈ જો આભમાં ભળતાં નથી,
જળ સરિતાને મધુર મળતાં નથી.
લાગણીનું વાંઝિયું હું ઝાડ છું,
કોઈ સંબંધો મને ફળતા નથી.
ઊભી છું હું પાંપણોનાં દ્વાર પર,
કોઈ શમણાંઓ મને મળતાં નથી.
ચાલુ છું હું લઈને જલતી પ્રેમ-અગન,
કિંતુ તારા હિમપથ ઓગળતા નથી.
ચાહું જો હું, તો કરું ઝાંખો રવિ,
ક્યાંયે કિંતુ આગિયા મળતા નથી.
મોકલું છું રોજ હું પૂનમ તને,
તારા સાગર કેમ ખળભળતા નથી?