લીધું.. વિવેક ટાંક

કોઇ ના કરે એવુ સાહસ અમે કરી લીધુ,
બધા જિવે છે આજે ને અમે મરી લીધુ,

એના જ પ્રેમ થી અમે સળગી ગયા,
ને હજારો માઈલો નુ અન્તર ભરી લીધુ,

એની હતી એવી દશા કે મળ્યા નહી,
પણ અમે તો ના મળ્યા તોયે મળી લીધુ,

એને મળેલ રસ્તાઓ રડી ને જોઇ લીધા,
ને પછી આન્ખો મા એની યાદ નુ અમ્રુત ભરી લીધુ,

હવે મરુ તો પણ “વિવેક” દર્દ થોડુ ઓછુ થશે,
હવે તો સ્થાન પણ કબર મા મે લઈ લીધુ…

વિવેક ટાંક
http://vivektank.wordpress.com/

થોડામાં ઘણું – સુધીર પટેલ

થોડામાં ઘણું

 

થોડામાં ઘણું

કહેવા મ્હેંકે ફૂલનાં અણુએ અણુ !

 

હર પળ એની સોબતમાં છે કાંટા,

તો ય ન પડવા દે કરણી પર છાંટા!

એ મહેંકની બારખડી હજીય ભણું!

થોડામાં ઘણું!

 

કોઈ ખીલે રાતે, કોઈ પરોઢે;

જે હોય નસીબે રંગો તે ઓઢે!

રંગો એનાં આંખ ભરી હું ગણગણું!

થોડામાં ઘણું!

કહેવા મ્હેંકે ફૂલનાં અણુએ અણુ !

 

સુધીર પટેલ  

સુધીરભાઈ પટેલનો પરિચય એમની મોકલેલી ઈ-મેઈલ મુજબ:

Published three gazal-sangrah as under:
1) ‘Naam Avyu Hoth Par Anu Ane…’ in 1987.
2) ‘Mungamantar Thai Juvo’ in 1997
3) ‘Ukeline Swayamna Sal’ in June 2008.

Gazal selected by the editors of ‘Gujarati Pratinidhi Gazalo’, ‘Amar Gazalo’, ‘Gazal-Garima’, ‘Gujarati Kavita Chayan -1993, 1994, 1997, ‘Ek Mutthi Aakash’,

‘Bruhad Gujarati Kavya-Samruddhi’ by Suresh Dalal. 
Gazal ‘Mungamantar Thai Juvo’ won the first prize of ‘Kavya-spardha’ held in USA by ‘Gujarat-Times’ in 2002.

Born in Lathi (Kalapinagar), Dist. Amreli in 1954 and came here in Charlotte, NC in 1998. I am CPA and working as an Financial Analyst in one Global Mfg Company.

ચિઠ્ઠીમાં – સુધીર પટેલ

ચિઠ્ઠીમાં

 

લખી મોકલ મને સઘળી ફિકર – ફિરાક ચિઠ્ઠીમાં

તરત બસ ઓગળી જાશે જીવનનો થાક ચિઠ્ઠીમાં

 

તને લાગે બધું લખવા સમું તે ટાંક ચિઠ્ઠીમાં

ભૂલો મારી, ગુના મારા, કહે સૌ વાંક ચિઠ્ઠીમાં

 

બધાથી તું છુપાઈ આંખમાં આંજી તરત લેજે

હશે સૂતું સરસ સપનું વચાળે ક્યાંક ચિઠ્ઠીમાં

 

અનોખી સાવ શરમાવાની જોઈ મેં અદા તારી

બધાં શબ્દો તું માથે લીટી તાણી ઢાંક ચિઠ્ઠીમાં

 

બહુ ભોળી દીસે જ્યારે મળે તું રુબરુ “સુધીર”

પરંતુ વાપરે છે શબ્દ બહુ ચબરાક ચિઠ્ઠીમાં

 

સુધીર પટેલ

 

સુધીરભાઈ પટેલનો પરિચય એમની મોકલેલી ઈ-મેઈલ મુજબ:

Published three gazal-sangrah as under:
1) ‘Naam Avyu Hoth Par Anu Ane…’ in 1987.
2) ‘Mungamantar Thai Juvo’ in 1997
3) ‘Ukeline Swayamna Sal’ in June 2008.

Gazal selected by the editors of ‘Gujarati Pratinidhi Gazalo’, ‘Amar Gazalo’, ‘Gazal-Garima’, ‘Gujarati Kavita Chayan -1993, 1994, 1997, ‘Ek Mutthi Aakash’,

‘Bruhad Gujarati Kavya-Samruddhi’ by Suresh Dalal. 
Gazal ‘Mungamantar Thai Juvo’ won the first prize of ‘Kavya-spardha’ held in USA by ‘Gujarat-Times’ in 2002.

Born in Lathi (Kalapinagar), Dist. Amreli in 1954 and came here in Charlotte, NC in 1998. I am CPA and working as an Financial Analyst in one Global Mfg Company.

 

શાં શાં રૂપ વખાણું – અખો (Akho)

શાં શાં રૂપ વખાણું

શાં શાં રૂપ વખાણું, સંતો રે શાં શાં રૂપ વખાણું?
ચાંદા ને સૂરજ વિના, મારે વાયું છે વહાણું.

નેજા રોપ્યા નિજ ધામમાં, વાજાં અનહદ વાજે;
ત્યાં હરિજન બેઠા અમૃત પીએ, માથે છત્ર વિરાજે.

નૂરત સૂરતની શેરીએ, અનભે ઘર જોયું,
ઝળમળ જ્યોત અપાર છે, ત્યાં મુજ મન મોહ્યું.

વિના રે વાદળ, વિના વીજળી, જળસાગર ભરિયું;
ત્યાં હંસરાજા ક્રીડા કરે, ચાંચે મોતીડું ધરિયું.

માનસરોવર ઝીલતાં. તું તો તારું તપાસે;
તેને તીરે વસે નાગણી, જાળવજે નહિ તો ખાશે.

ઝગમગ જ્યોત અપાર છે, શૂન્યમાં ધૂન લાગી;
અખો આનંદશું ત્યાં મળ્યો, ભવભ્રમણા ભાગી.

અખો

 

પરમને પંડમાં ચાખ – દિલીપ પટેલ (Dilip Patel)

પરમને પંડમાં ચાખ  

આતમ આરસીમહીં નીરખ મનવા તું ખોલીને અંતર આંખ
નહીં કોઈ દીસે તહીં તવંગર કે નહીં કોઈ મહારાજા કે રાંક

ભેદભાવ તો ભ્રમણામાં આવ્યા સાથ લાવ્યા કબર ને કાંધ 
અહીં ના મારું-તારું ન જાત નૂર ભરપુર થશે દ્રષ્ટિની ઝાંખ 
 
રંગ રૂપ બાળ વૃધ્ધ યુવાન જાન જાતાં રળશે રજ ને રાખ
જગતની પેલી પાર જવાશે ધારીશ જો પ્રેમ રહેમની પાંખ   
  
જનમાનસ્ તો સમ સર્જાયા ભેદમાં છે જોગ સંજોગનો વાંક 
જગ સંસાર જનમાં બસ સમાયા તેજ ધરા વારિ વા આભ
  
ઘટ કટોરી રંગી છોને લાલ બહારે તો ઢોળજે અમી ગુલાલ
રણદ્વીપમાંય એતો ગુલાબ ખીલવશે વળી રેત બનશે કાંપ
 
મોહ મમત માયા જો મરશે  ખુદગરજી ખરશે  થઈને ખાખ  
બ્રહ્મમય ‘દિલ’ રોમ રોમ બનશે પ્રીત્યે પરમને પંડમાં ચાખ

દિલીપ પટેલ  

કોલમ્બસની કલ્પેલી એ ભારત ભોમકા- દિલીપ પટેલ (Dilip Patel)

કોલમ્બસની કલ્પેલી એ  ભારત  ભોમકા

ક્રિસ્ટોફર કોલમ્બસ ભડવીર થઈને ભારતભૂમિની તલાશમાં નીકળીને શું ભુલથી જ કે પછી સમૃધ્ધિથી લલચાઈને અમેરિકાને તીર આવ્યો?  ભારતની ભોમકાને શોધવાના એ સાગરખેડુના સોનલ શમણાં જ્યારે સાકાર નથી થયા ત્યારે ભારતથી આવતા ને આવીને અમેરિકામાં વસવાટી થયેલા ભારતીયજનો  જ અહીં સનાતની સંસ્કૃતિ સેવીને, સદાચારી સંસ્કાર સજીને તેમજ અમેરિકાની અનુકરણીય નીતિ-રીતિને અપનાવીને  ભારત ભોમને અમેરિકાલોકમાં ઉતારી શકે તો કેવું ! આ રીતે જ કોલમ્બસને એની યાદગીરીમાં ઉજવાતા કોલમ્બસ ડે (ઓક્ટોબરનો બીજો સોમવાર)ના દિવસે ભવ્ય અંજલિ આપી શકાશે.  આજના અહીં આવતા ને વસતા બધા ભારતીય અમેરિકન કોલમ્બસ દ્વારા કોલમ્બસની એ કલ્પનાને કંડારવા મથતું, સાગરખેડુના શમણાંને સાકાર કરવા મથતું દિલ  આમ ગૂંજે છે…

કોલમ્બસની કલ્પેલી એ  ભારત ભોમકા
ચાલો રે ઉતારીએ આજ યુએસ લોકમાં

આવ્યો કોલમ્બસ યુએસને તીર વહાણવટીની ભણી લકીર
સ્થિર થયો શું સંસ્કૃતિ સમીર  કે ચુંબક સમૃધ્ધિ કેરું સલિલ
ભુલથી જ શું ભુલીને દિશ  યુએસ લાંગર્યો કોલમ્બસ વીર?
કોલમ્બસની કલ્પેલી…

ભુલથી જ ન ભુલી ભારત-નીર  યુએસ લાંગર્યો  એ વીર !
હાલો રે ભેરુ હિન્દ કેરું જે હીર બસ ઉતારીએ યુએસ તીર
ગ્લોબલ ગામ સાગર ગીર વસુધા કુટુમ્બે એક જ હો પીર
કોલમ્બસની કલ્પેલી…

થાન ભુલનારો એ ભડવીર લાંગરી યુએસ ન થયો અમીર
સદાચારે થઈ સંકૃત ખુલ્લેદિલ છેડીએ સત્ સંસ્કાર સમીર
દઈ સંસ્કૃતિ સનાતની સ્થિર ખુદ ખીલવીએ ખુશી ખમીર
કોલમ્બસની કલ્પેલી…

ભોગ વાસના વિવેકે સેવી   યોગ સાધના  આતમને દેવી
કુટુમ્બભાવના છે રક્તે વણી સ્મરીએ એ સદા ભણી-ગણી
ગાંધી શા ગુણલા દેહમાં દળી મરીએ રે દેશદાઝથી બળી
કોલમ્બસની કલ્પેલી…

યુએસના અજોડ ઉત્તમ કાયદા સ્નેહે સેવી લભીએ ફાયદા
હિન્દના પારસી જ્યમ ભળી ના રહીએ પરદેશે અલાયદા
સમય પાલન અભિવાદન  આભાર વદી  પાળીએ વાયદા
કોલમ્બસની કલ્પેલી…

ગ્રહી અમેરિકી આયોજન રીત ગુણીએ મહીં પૂર્વનું ગણિત
સંગ સ્વચ્છ પર્યાવરણ સંગીત ગુંજીએ રે ગીત વેદ વદિત
દયા દુઆ સ્નેહ સેવા સલિલે જીવતરે સિંચીએ સત્ સરિત
કોલમ્બસની કલ્પેલી…

કોલમ્બસે કલ્પેલો પેલો દેશ ચાલો કંડારીએ વસી યુએસ
તજી ભાષા ભજન ભોજન વેશ નીતિ-નેમને ન દૈએ ઠેસ
સાગરખેડુનો સોનલ ઉન્મેષ   સંસ્કૃતિ સેવી પૂરીએ ઉદ્દેશ
કોલમ્બસની કલ્પેલી…

દિલીપ ર. પટેલ
ઓરેંજ, કેલિફોર્નીયા

ગઝલ – ડૉ. હરીશ ઠક્કર (Dr Harish Thakkar)

ગઝલ
(ડૉ હરીશ ઠક્કરે કવિલોક પર આ ગઝલ મોકલી છે)

હાલ મારા એજ ચાડી ખાય છે
દર્દ  છાનું કોઈ ફાડી ખાય  છે 
                
શાયરી જીવતા નથી જે શાયરો
શબ્દને ઠાલા રમાડી ખાય છે

ઝૂલ્ફમાં ને પાલવે અટવાય છે
ઠોકરો કેવી અનાડી ખાય છે

કોઈના હાથે ચડી વીંઝાય  છે
લાકડાને ક્યાં  કૂહાડી ખાય છે
        
કૈંકની થાળી ઊજાડી ખાય છે
અન્ન જે આંખે અડાડી ખાય છે
 

ડો. હરીશ ઠક્કર
સુરતમાં આયુર્વેદકીય પ્રેક્ટીસ કરે છે.

ભૂમિ ભારતી – રમેશ પટેલ ‘આકાશદીપ’ (Ramesh Patel)

ભૂમિ ભારતી

ભૂમિ ભારતી, કરું આરતી, તવ ચરણે ધરીએ વંદન
ખીલી સંસ્કૃતિ, પ્યાર બંધને, કણકણમાં મહેકે આજ ચંદન

વતન અમારું, સૌથી પ્યારું, ગાજે જયઘોષ અવનિ અંબર
જોશ અમારા, જગે ઉછાળશું, સાત સમંદરે કરશું બંદર

પ્ હો ફાટતાં, પંખી ગાયે, ઉષા ખીલતી લઈ સોન સૂરજ
પુષ્પ પમરાટ, મહેકે મનડા, જીવન મધુરાઈ સંગે ઝૂમે પંકજ

મહેનતકશ હાથ કિસાનના, રતન સવૈયા થઈ રમતા
જવાન અમારા, પહેરો દેતા, થઈ રખવૈયા ચરણે નમતા

પુણ્ય ધરા, પુનિત જલધારા, સંચરે રક્તે લઈ વતન માયા
આઝાદી અમારી અણમોલ વિરાસત, નહીં પડવા દઈએ શત્રુની છાયા

આકાશે ઊડી, ચંદ્રને ચૂમી, સ્વપ્ન લઈ વિહરશું આભે
નવયુગના થઈ સિપાઃઈ, વિજ્ઞાન વિદ્યાથી ચઢશું અમે સોપાને

લઈ ત્રિરંગો, શાંતિ સંદેશો, વિશ્વે અમે ઝળહળશું રંગે
સહજ ભાવે, પરખી પ્રભુને, કલ્યાણ પંથે રમશું સંગે

રમેશ પટેલ ‘આકાશદીપ’
ઉપાસના કાવ્યસંગ્રહમાંથી સાભાર.

નામ લખી દઉં – સુરેશ દલાલ (Suresh Dalal)

નામ લખી દઉં

ફૂલપાંદડી જેવી કોમળ
મત્ત પવનની આંગળીએથી
લાવ, નદીના પટ પર તારું નામ લખી દઉં!

અધીર થઈને કશુંક કહેવા
ઊડવા માટે આતુર એવા
પંખીની બે પાંખ સમા તવ હોઠ જરા જ્યાં ફરકે…
ત્યાં તો જો –
આ વ્હેતા ચાલ્યા અક્ષરમાં શો
તરંગની લયલીલાનો કલશોર મદીલો ધબકે…

વક્ષ ઉપરથી
સરી પડેલા છેડાને તું સરખો કરતાં
ઢળી પાંપણે ઊંચે જોતી
ત્યારે તારી માછલીઓની
મસ્તી શી બેફામ…
લાવ, નદીના તટ પર ઠામેઠામ લખી લઉં

તવ મેંદીરંગ્યા હાથ,
લાવને, મારું પણ ત્યાં નામ લખી દઉં!

સુરેશ દલાલ
જન્મ: ઓક્ટોબર 11, 1932

બંદર છો દૂર છે! -સુંદરજી બેટાઈ (Sundarji Betai)

બંદર છો દૂર છે!

અલ્લા બેલી, અલ્લા બેલી,
જાવું જરૂર છે,
બંદર છો દૂર છે!

બેલી તારો, બેલી તારો,
બેલી તારો તું જ છે,
બંદર છો દૂર છે!

ફંગોળે તોફાની તીખાતા વાયરા,
મૂંઝાયે અંતરના હોયે જે કાયરા;
તારા હૈયામાં જો સાચી સબૂર છે,
છોને એ દૂર છે!

આકાશી નૌકને વીજ દેતી કાટકા,
તારી નૌકાનેય દેતી એ ઝાટકા;
મધદરિયે મસ્તીમાં છોને ચકચૂર છે;
બંદર છો દૂર છે!

આંખોના દીવા બુઝાવે આ રાતડી,
ધડકે ને છડકે જે છોટેરી છાતડી;
તારી છાતીમાં જુદેરું કો શૂર છે,
બંદર છો દૂર છે!

અલ્લા બેલી, અલ્લા બેલી,
જાવું જરૂર છે,
બંદર છો દૂર છે!

બેલી તારો, બેલી તારો,
બેલી તારો તું જ છે,
બંદર છો દૂર છે!

સુંદરજી બેટાઈ
જીવનકાળ: ઓગષ્ટ 10, 1905 થી જાન્યુઆરી 16, 1989