પાણી – “કાકુ”

પાણી – “કાકુ”

ગુલાબ પંખુડીએ મોતી જેવુ ચળકે ઓસ-બુંદ એ પાણી

ધરતી ભીતર સળવળે સરવાણી કુવે તકતકે એ પાણી

પાતલડી નટકન્યા જેમ છમછમ નાચે ઝરણુ એ પાણી

સ્વર્ગથી સિંધુ લગી જન્દાદિલ દેવકન્યા નદી એ પાણી

પ્રેમપાશે પૃથ્વી પોણી ઢાકી, ઘુઘવતો દરિયો એ પાણી

અરુણ્ર-રશ્મી દોરે બંધાઇ પતંગ થઇ ઉડે વાદળ એ પાણી

સળવળે જીવન ધરણી ખોળે સ્નેહ વરસે વરસાદ એ પાણી

ઉરની આંધી નેણ અટારીએ આવી છલકે આંસુ એ પાણી

નસનસ ધબકે ધબધબ ધબકે જીવન વને રક્ત એ પાણી

પાણી પાણી બેરંગીએ રંગી દુનિયા રંગબેરંગી એ પાણી!!

– “કાકુ”

આવ આપણે રમીએ ધુળેટી – “કાકુ”

આવ આપણે રમીએ ધુળેટી

આવ આપણે રમીએ ધુળેટી, ગમ્મતને ગુલાલે એકમેકને રગદોળીએ,
આંખે ઉગેલ ગુલાબી રંગોમા, અતીતની ગમતી ફોરમ ભેળવીએ

ઘડી બે-ધડી ભારેખમ શબ્દાર્થોના કોથળા કાતરીયામાં લાદીએ
કોઇ કારણ વગર હસીએ ને, અમથુ અમથુ દેકારા માટે બોલીએ

આકાશે ઉગેલી સંઘ્યાની, ભરી ભરી પીચકારી છીનવી લઇએ
કેસુડાની વાંકી કળીથી વાંકુ વાઢી, કેસરી કેસરી થૈ મન ભરીએ

દૂરી થોડી દૂર કરીને પ્રીત્યુની પીચકારી, ભરી એકમેકને પલાળીએ
અણગમતાની કરી હોળી કાલે, ગમતાની આવ આપણે ધુળેટી રમીએ.

“કાકુ”