પ્રેરિત છે ‘સલામ’ ને પ્રેરિત ‘રામ રામ’ છે,
ઘણુંક નામરૂપ ને ઘણું હજી અનામ છે !
અમુક લલિત તો અહીં દલિતના છે ‘વાઉચર’,
અમુક દલિત પણ અહીં લલિતના ગુલામ છે !
નિરાંતવા હરિત ‘ખેતરો’ ચરી જતા ‘પશુ’,
ને ચાડિયા તો ચીંથરે, એનો અલગ દમામ છે!
નગર ત્યજી વને ગયા, વને ય એ જ છે વરાળ,
યુગો જૂનો વિષાદ છે, વળાંક ક્યાં વિરામ છે !
શું મોહતાજ છે હજી કથિત એ ‘પ્રવાહ’નો ?
વિરાટ, તારો પથ અલગ ને આગવો મુકામ છે!
જો જીવતો હશે તો ચીસથી જવાબ આપશે,
આ શબ્દ કાળમીંઢને ડિલે દીધેલ ડામ છે !
એ ભેખનો ને ભીખનો ન ભેદ પારખી શકે,
છે નિમ્નતર હજુરિયા ને નાન્યતર ‘નિઝામ’ છે!
– કીસન સોસા
પ્રકાશિત સંગ્રહ: ક્ષુધિત સૂર્ય