જિંદગીની અસલિયત છે- કીર્તિકાન્ત પુરોહિત

પથ-વિપથના વળવળાંકો, જિંદગીની અસલિયત છે.
ક્યાંક નમવું, ક્યાંક ફાંકો, જિંદગીની અસલિયત છે.

હેસિયત હો તે મુજબ ચાદર સમયની મેળવી લો
ક્યાંક ટેભો, ક્યાંક ટાંકો, જિંદગીની અસલિયત છે

જન્મથી છે યોગ કે માનવ બને ઈશ્વર કદી તો
પણ ગુરૂ થઇ જાય વાંકો, જિંદગીની અસલિયત છે

ભૂમિ છે લીસી લપસણી, હર કદમ રસ્તા લપસણા
કો’કની પણ એબ ઢાંકો, જિંદગીની અસલિયત છે

આ જનમફેરો હકીકતમાં હશે ઘાણીનું ચક્કર
બેલ તોયે રોજ હાંકો, જિંદગીની અસલિયત છે

અંત નામે આખરી પ્રદેશ આવે રાહમાં પણ
‘કીર્તિ’, સીમા ખુદની આંકો, જિંદગીની અસલિયત છે

કીર્તિકાન્ત પુરોહિત

પીઠ પરના ઘાવ માપું , આદત નથી
ગામની અફવાને જાપુ , આદત નથી
ખાનદાની એટલી છે અકબંધ, કે
દોસ્ત તારું નામ આપું ,આદત નથી

કીર્તિકાન્ત પુરોહિત