1.
ઝરણું ઝાંઝરિયું
ઝરણાને ઝાંઝર પહેરાવ્યું
ઝણઝણ કરતું જાય,
ઝરણું ઝાંઝરિયું.
આકાશી હૈયે જે બાંધ્યું
અમરત ત્યાં વેરાય
ઝરણું ઝાંઝરિયું.
વાદળની વાતોથી ભરિયું;
આભતણી આંખેથી સરિયું;
પથ્થર,ભેખડ, પહાડ કૂદાવી
કલકલ મીઠું ગાય
ઝરણું ઝાંઝરિયું.
બુંદ બુંદને જોડી દડિયું,
ઘર, વાદળ ને છોડી ફળિયું,
ખળખળતું ધમધમતું ધરણી
અંકે કરવા ધાય
ઝરણું ઝાંઝરિયું
ફીણનાં ફોરે ફરફર ફોરાં
મારગ એના રહે ન કોરા,
પથરાયાં જ્યાં પ્રેમ પટોળાં
ઝિલણિયું હરખાય
ઝરણું ઝાંઝરિયું
નેહ નિતરતું, ઝીણું ઝરતું;
નટખટ નાનું નર્તન કરતું;
સરસરતી સરિતા થઇ સરતું
સમદરિયે સંતાય
ઝરણું ઝાંઝરિયું
2.
ગીત મજાનું
મારે ગીત મજાનું ગાવું,
સૂર, તાલ ને શબ્દ સહજમાં
કેમ કરી સંભળાવું
મારે ગીત મજાનું ગાવું,
આમ્ર કુંજે કોકિલ કુજે,
મસ્તીપ્રચુર મયૂર રવ ગુંજે
એ મધુરપ ક્યાંથી લાવું
મારે ગીત મજાનું ગાવું,
મેઘધનુષના રંગો પૂર્યા
વાદળ જળના બુંદે બુંદે
હું સરગમ શું રેલાવું?
મારે ગીત મજાનું ગાવું,
મંદિરમાં ઘંટારવ રણકે
ગાવલડીના ઘૂઘરું ઘમકે
શું રણઝણ હું રણકાવું?
મારે ગીત મજાનું ગાવું,
3.
માલણ
ફૂલ વેચવા ચાલી
માલણ ફૂલ વેચવા ચાલી
ઉપવન એનાં, મધુવન એનાં
એનાં ફૂલ, છોડ ને ડાળી.. માલણ૦
છબલડી છલકાતી દીઠી
મધમીઠું મલકાતી દીઠી
માલણના કમખામાં કોળી
રંગ રંગની ક્યારી.. માલણ૦
કોઇ લ્યો લાલ ગુલાબી ગોટા,
પીળા પચરક આ ગલગોટા,
મઘમઘતી મદમાતી સોડમ
વાટ વેરતી હાલી.. માલણ૦
ફૂલ ગુલાબી રંગ મઢેલી
મહેક, મધુરપ કેરી હેલી,
અંગ અંગમાં ફૂટતી દીઠી
કોમળ કોમળ ડાળી.. માલણ૦
4.
અંતરની આડ
આયખાના ઓળંગ્યા પહાડ,
હવે ઊઘડતાં દીઠાં કમાડ.
આડે હાથેથી કૈંક વેરી’તી વેદના
કરમોની વીંટળાતી વાડ.
આઘેઆઘેથી ઓળા ઊતરતા
ને અથડાતા પડછાયા ગાઢ.
એક એક ડગલાને ફૂટી’તી પાંખ
અમે ઊડ્યા’તા અંધારી વાટ;
ઓગળતા અંધારે એવાં અટવાયાં
કે ઊગ્યા ના આંખે ઊઘાડ.
જીવતરના હળવાફૂલ પીંછા ખોવાયાં;
અહીં ભારેખમ લાગ્યા રે હાડ,
સુખ્ખોની શય્યા થઇ કાંટાઓ કોસતી,
દુ:ખોની ઊભીની કરાડ.
વીસરી સૌ વારતાને ઢંઢોળી ઢંઢોળી,
વાયરાએ વીંઝોળી નાડ.
આયખાના ઓળંગ્યા પહાડ,
હવે ઊઘાડો અંતરની આડ.
કીર્તિદા બ્રહ્મભટ્ટ
સરનામુ: પ્લોટ નં. ૪૬૨/૨એ, સેક્ટર:૬એ, ગાંધીનગર
જન્મ: ૧૭મી જુન, ૧૯૫૮; અમદાવાદ
અભ્યાસ: બી.એ. એલ એલ. બી
વ્યવસાય: સરકારી નોકરી
રચનાઓ: કાવ્યસંગ્રહ-ઝરણું ઝાંઝરિયું
બાલકાવ્યોનો સંગ્રહ-ટમકે તારા