મહાભારત : એક માથાકૂટ છે Mahabharat- Ek Mathakoot- Krushna Dave

જે કરવાનાં હતાં જ નહી એ કામ કર્યાની માથાકૂટ છે,
મોરપિચ્છને હડસેલીને મુકુટ ધર્યાની માથાકૂટ છે. – કૃષ્ણ

રોજ પ્રતિજ્ઞાની શૈયા પર સૂતી વખતે એને થાતું,
ઈચ્છાને આધીન રહી આ નહી મર્યાની માથાકૂટ છે. – ભીષ્મ

સમજણની નજરેયથી ના સમજે તો સમજી લેવાનું
પુત્રમોહમાં આંખોએ અંધાર વર્યાની માથાકૂટ છે. – ધૃતરાષ્ટ્ર

આંખો પર પાટા બાંધો એ દ્રષ્ટિનું અપમાન જ છેને
આમ જુઓ તો હકીકતોથી રોજ ડર્યાની માથાકૂટ છે. – ગાંધારી

નહીંતર એવી કંઈ મા છે જે વ્હાલ નદીમાં તરતું મૂકે ?
કુંવારા સપનાએ સૂરજ સહેજ સ્મર્યાની માથાકૂટ છે. – કુંતી

નથી જાણતા એમ નથી પણ કોઈ પૂછે તો એ બોલે છે,
જીવન બીજું કશું નથી, આ ભેદ ભર્યાની માથાકૂટ છે. – સહદેવ

ખેંચાતા વસ્ત્રોના કંઠે માંડ આટલા શબ્દો નીકળ્યાં,
હોય અંધના અંધ, એટલા વેણ ઝર્યાની માથાકૂટ છે. – દ્રૌપદી

સો સો હાથીનું બળ પણ લાચાર બની ચિત્કારી ઉઠ્યું,
વચનોમાં બાંધી બાંધી આ પળ ઉતર્યાની માથાકૂટ છે. – ભીમ

કવચ અને કુંડળની સાથે જીવ ઉતરડી પણ આપું કે ?
હોવું એ તો અકસ્માત છે, તેજ ખર્યાની માથાકૂટ છે. – કર્ણ

તાકેલો નિશ્ચય ધ્રૂજે તો એને તો કહેવું જ પડેને,
હા અથવા ના ની વચ્ચોવચ આમ ફર્યાની માથાકૂટ છે. – અર્જુન

અંગૂઠો ખોયાનો અમને રંજ હજુયે છે જ નહિં બસ
ખોટી મૂરત સામે સાચા થઈ ઊભર્યાની માથાકૂટ છે. – એકલવ્ય

છેક સાતમા કોઠામાં ઘેરાયેલા સાહસને લાગ્યું,
માના કોઠામાંથી હોંકારા ઉચર્યાની માથાકૂટ છે. – અભિમન્યુ

મૃત્યુ સામે કપટ હારતુ લાગ્યું ત્યારે સમજાયેલું,
કેવળ પાસામાં જ અમારો જીવ ઠર્યાની માથાકૂટ છે. – શકુનિ

નરોકુંજરો વા ની વચ્ચે ભાંગી પડતી એ પળ બોલી
વિદ્યા વેચી વેચી સામે પાર તર્યાની માથાકૂટ છે. – દ્રોણ

થાકી હારી આંસુના તળિયે બેઠા ત્યાં તો સંભળાયું,
ધર્મ જાણવા છતાં અધર્મે રહી ઉછર્યાની માથાકૂટ છે. – દુર્યોધન

અંતહીન અંધારે મારગ ઘુવડ જેમ ભટકવું એ તો,
અર્ધા જીવતા રાખી અર્ધા પ્રાણ હર્યાની માથાકૂટ છે. – અશ્વત્થામા

ક્યાં છે ને કેવું છે એ હું સમજાવું પણ કેવી રીતે ?
સત્ય એટલે મુટ્ટીમાંથી રેત સર્યાની માથાકૂટ છે. – યુધિષ્ઠિ

મહાકવિ તો કહેવાયા પણ સાચું કહું આ વ્યથાકથામાં,
ઓતપ્રોત થઈ ઊંડે ને ઊંડે વિચર્યાની માથાકૂટ છે. – વેદવ્યાસ

– કૃષ્ણ દવે

ઉગાડે એમ કદી ઉગવાનું નહીં Krushna Dave

ઉગાડે એમ કદી ઉગવાનું નહીં
આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં

ધગધગતા તડકાના પેગ ઉપર પેગ અને ઉપરથી આખું વેરાન,
નિરાંતે બેસી જે ભરચક પીવે ને એને પાલવે આ લીલાં ગુમાન,
રોકે કદાચ કોઈ ટોકે કદાચ તોય મહેફિલથી કોઈ દિવસ ઉઠવાનું નહીં
આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં

આપણે તો એનીયે સમજણ શું રાખવી આ મસ્તીમાં ખરવું કે ફાલવું,
આપણા તો લીલાછમ લોહીમાં લખેલું છે ગમ્મે તે મોસમમાં મ્હાલવું,
અરે હસવું જો આવે હસવું બેફામ અને આંસુ જો આવે તો લૂછવાનું નહીં
આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં

ઊંડે ને ઊંડે જઈ બીજું શું કરવાનું ? ધરવાનું આપણું જ ધ્યાન,
પથ્થર ને માટીના ભૂંસી ભૂંસીને ભેદ કરવાનું લીલું તોફાન,
દેખાડે આમ કોઈ દેખાડે તેમ તોય ધાર્યું નિશાન કદી ચૂકવાનું નહીં
આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં

પણ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં…

– કૃષ્ણ દવે

કૃષ્ણ – 1992 – કૃષ્ણ દવે

ગોકુળના કૃષ્ણને તો વાંસળીના સૂર, વળી યમુનાનાં પૂર,

અને ઉપરથી ગોપીઓ ને રાધા..

અહીં મારે તો જીવવાના વાંધા ..

                                           

આંખોની પથરાળી ધરતીમાં વૃન્દાવન, ગોવર્ધન, ગોકુળ ક્યાં વાવીએ?

ભાંભરડા દેતી આ ભૂખી ઈચ્છાઓનાં  ધણનાં ધણ ક્યાં  જઈ ચરાવીએ?

આયખે વલોવાતાં એક એક દ્હાડાને માગી માગીને મેં ખાધા

અહીં મારે તો જીવવાના વાંધા ..

                                         

પૂરેલાં  ચીર  એમાં  માર્યો  શું  મીર ?  એનું  કારણ એ રાજાની  રાણી

નજરે  ના  કેમ  ચડી  આછેરા   જીવતરની  માંડેલી  આમ  ખેંચતાણી

ખેંચાતાં ખેંચાતાં ટાંકા તૂટે ને વળી દોરા ખૂટે

ને તોય કરવાના રોજ રોજ સાંધા?

અહીં મારે તો  જીવવાના વાંધા ..

                                      

ગોકુળનો શ્વાસ લઈ,  મથુરાની હાશ લઈ  દરિયામાં જાત  તેં  બચાવી

મેં તો આ પ્હાનીના  હણહણતા  અશ્વોને   ખીલ્લાની  વારતા  પચાવી

ભાગી ભાગીને હુંય ભાગું કદાચ તોય રસ્તાને પગલાંની બાધા

અહીં મારે તો જીવવાના વાંધા ..

                                     

કૃષ્ણ દવે

                                        

અમર ગીતો ( ગુજરાતી સાહિત્યનો અમર વારસો ) માંથી સાભાર

સંપાદન: ચંદ્રકાન્ત શેઠ

પુસ્તક પ્રકાશક અને વિક્રેતા: આર. આર. શેઠની કંપની

Web: www.rrsheth.com