ગુજરાતના ગાંધીનગરમાં ફૂંકાયેલ વાવાઝોડા “ડૅન” નિમિત્તે ઓફીસની બારીએથી કંડારેલ કેટલાંક દ્રશ્યો
ઝળૂંબે…. (બારીમાંથી દેખાતો લીમડો)
લીલો પાઘડીયાળ ઝળૂંબે,
હરખે ડાળોડાળ ઝળૂંબે,
ચકલાંઓનો કાળ ઝળૂંબે,
વેગીલો વિકરાળ ઝળૂંબે….
માનવ હૈયે ફાળ ઝળૂંબે,
પર્ણે પર્ણે ઝાળ ઝળૂંબે,
ઉભો અંતરિયાળ ઝળૂંબે,
આઘો ‘ને ઓતરાળ ઝળૂંબે…..
ઊડે…. (ડમરી અને વંટોળ)
ધરતીમાની ઓઢણી ઊડે,
કોપિત કો’ જોગણી ઊડે,
ચોંટેલાંના ચાપ ઊડે,
પગલાં કેરી છાપ ઊડે,
સર સર સરતા સાપ ઊડે,
રજ રજ થઇ, સંતાપ ઊડે,
આડું ‘ને વળી અવળું ઊડે,
ઉપર-નીચે સઘળું ઊડે…..
-ગગુભા રાજ ગાંધીનગર (ગુજરાત)