બચપણ – ડૉ. જગદીપ નાણાવટી

બચપણ

હજીયે હું શોધું છુ બચપણ ચમનીયા
સબંધો વિનાનું એ સગપણ ચમનીયા

એ કડવી લિંબોળી, તુરી આંબલીઓ
બધું લાગતું તોયે ગળપણ ચમનીયા

સદા ધૂળ ધોયા ને સેડાળા ચહેરા
કદીયે ના જોયું તું દર્પણ ચમનીયા

ધૂરા દઇ ને કહે, હાંક સંસારી ગાડું
અમે કેદિ’ માંગ્યુતું વડપણ ચમનીયા

ફરી એક બચપણ જો આપે પ્રભુ, તો
પલકમાં વિતાવું આ ઘડપણ ચમનીયા..

ડૉ. જગદીપ નાણાવટી

ઘડપણ – ડૉ. જગદીપ નાણાવટી

ઘડપણ

અંગત ગણું તો, જામ છે
કેવો પ્રભુ અંજામ છે

ટહુકા વિણુ છું યાદનાં
બાકી રહ્યું ક્યાં કામ છે

શબ્દો હવે હાંફી ચુક્યાં
લિખિતંગ પર આરામ છે

શ્વાસો લઈને છોડવા
બસ આટલો વ્યાયામ છે

આંખે સફેદી, કેશ પણ
શમણાં બધાયે શ્યામ છે

સેતુ સમયનાં બાંધતાં
અંતે તો સૌ ’હે રામ’ છે

ડૉ. જગદીપ નાણાવટી

ચિઠ્ઠીમાં – સુધીર પટેલ

ચિઠ્ઠીમાં

 

લખી મોકલ મને સઘળી ફિકર – ફિરાક ચિઠ્ઠીમાં

તરત બસ ઓગળી જાશે જીવનનો થાક ચિઠ્ઠીમાં

 

તને લાગે બધું લખવા સમું તે ટાંક ચિઠ્ઠીમાં

ભૂલો મારી, ગુના મારા, કહે સૌ વાંક ચિઠ્ઠીમાં

 

બધાથી તું છુપાઈ આંખમાં આંજી તરત લેજે

હશે સૂતું સરસ સપનું વચાળે ક્યાંક ચિઠ્ઠીમાં

 

અનોખી સાવ શરમાવાની જોઈ મેં અદા તારી

બધાં શબ્દો તું માથે લીટી તાણી ઢાંક ચિઠ્ઠીમાં

 

બહુ ભોળી દીસે જ્યારે મળે તું રુબરુ “સુધીર”

પરંતુ વાપરે છે શબ્દ બહુ ચબરાક ચિઠ્ઠીમાં

 

સુધીર પટેલ

 

સુધીરભાઈ પટેલનો પરિચય એમની મોકલેલી ઈ-મેઈલ મુજબ:

Published three gazal-sangrah as under:
1) ‘Naam Avyu Hoth Par Anu Ane…’ in 1987.
2) ‘Mungamantar Thai Juvo’ in 1997
3) ‘Ukeline Swayamna Sal’ in June 2008.

Gazal selected by the editors of ‘Gujarati Pratinidhi Gazalo’, ‘Amar Gazalo’, ‘Gazal-Garima’, ‘Gujarati Kavita Chayan -1993, 1994, 1997, ‘Ek Mutthi Aakash’,

‘Bruhad Gujarati Kavya-Samruddhi’ by Suresh Dalal. 
Gazal ‘Mungamantar Thai Juvo’ won the first prize of ‘Kavya-spardha’ held in USA by ‘Gujarat-Times’ in 2002.

Born in Lathi (Kalapinagar), Dist. Amreli in 1954 and came here in Charlotte, NC in 1998. I am CPA and working as an Financial Analyst in one Global Mfg Company.

 

ગઝલ – ડૉ જગદીપ નાણાવટી

તાજેતરમાં અમદાવાદ અને બેંગ્લોર ખાતે થયેલ બોમ્બ-વિસ્ફોટ પ્રસંગે ડૉ જગદીપ નાણાવટીના હ્રદયમાંથી નીકળેલ ઉદ્ ગાર
ગઝલ સ્વરૂપે અત્રે પ્રસ્તુત છે.

સુરંગો હજુ કેમ ફુટ્યા કરે છે
સબંધો મહી કંઈક ખુટ્યા કરે છે

ધજાઓ ધવલ બેય છેડે ફરકતી
છતાંયે હજી તીર છુટ્યા કરે છે

ભલે પ્રેમ છલકંતો બન્ને કિનારે
ભરોસાના સેતુઓ તુટ્યા કરે છે

લૂંટી આબરુ માણસે માણસોની
હવે માણસાઇને લુંટ્યા કરે છે

બધાં ગટગટાવો, બની આજ મીરાં
ભલે ઝેર રાણાઓ ઘુંટ્યા કરે છે

એક ગઝલ – છાયા ત્રિવેદી ( Chhaya Trivedi )

બંધ એના દ્વાર તૂટે ટેરવે
બસ ટકોરો એક ખૂટે ટેરવે.

રાખ નહિ ગુલાબની આવી મમત
ઘાવ જાતે કેમ ચૂંટે, ટેરવે?

હું લખું કાગળ ઉપર દરિયો અને-
દોસ્ત પરપોટા જ ફૂટે ટેરવે.

પ્રેમની બારાખડીને શીખવા,
સ્પર્શ પારાવાર ઘૂંટે ટેરવે.

હાથ આખો ખાક, છોને આ થયો
રોશનાઈ તોય છૂટે ટેરવે…

છાયા ત્રિવેદી
ગઝલસંગ્રહ – શ્રી ગઝલ
વ્યવસાય- પત્રકારત્વ (દિવ્ય ભાસ્કર માટે)

એક ગઝલ – જ્યોતિર્ધર કે. ઓઝા ( Jyotirdhar K. Oza)

જઈ ચમનમાં એક’દી ચૂંટી ગઝલ
વેદનાની લઈ ખરલ ઘૂંટી ગઝલ.

ને નશો એવો થયો કે શું કહું ?
કે સુરાલયમા બધે ખૂટી ગઝલ.

રૂપની લોભામણી ગલીઓ મહીં
જે લુટાયા એમણે લુંટી ગઝલ.

કાચની બોતલ સરીખી સાચવો
જામ ગળશે જો કદી તૂટી ગઝલ

આંખ દાબી આંસુઓને રોકતાં
લો હ્ર્દયમાંથી હવે ફૂટી ગઝલ

જીવવાનુ કોઈ કારણ ક્યાં રહ્યું
શ્વાસ છૂટ્યા કેમકે છૂટી ગઝલ.

જ્યોતિર્ધર કે. ઓઝા

ગઝલ – મનોજ ખંડેરિયા (Manoj Khanderiya)

એથી જ રંગરંગથી સઘળું ભર્યું હતું
આંખો મહીં પતંગિયાએ ઘર કર્યું હતું

નભમાં તરંગો આમ અમસ્તા ઊઠે નહીં
કોનું ખરીને પીછું હવામાં તર્યું હતું

ફળિયામાં ઠેર ઠેર પીળાં પાંદડાં પડ્યાં
એના જ ફરફરાટે ગગન ફરફર્યું હતું

આવીને પાછું બેઠું’તું પંખી યુગો પછી
ક્યાં અમથું શુષ્ક વૃક્ષ ભલા પાંગર્યું હતું

પોલાણ ખોલી બુદબુદાનું જોયું જ્યાં જરી
એમાંય એક આખું સરોવર ભર્યું હતું

આ શબ્દ મારા મૌનને એવા ડસી ગયા
ભમરાએ જાણે કાષ્ઠનું પડ કોતર્યું હતું

મનોજ ખંડેરિયા

કોણ માનશે? – ‘શૂન્ય’ પાલનપુરી (‘Shunya’ Palanpuri)

દુ:ખમાં જીવનની લા’ણ હતી, કોણ માનશે?
ધીરજ  રતનની  ખાણ હતી, કોણ માનશે?

શૈયા  મળે છે  શૂલની  ફૂલોના પ્યારમાં!
ભોળા  હ્રદયને જાણ હતી,  કોણ માનશે?

લૂંટી  ગઈ  જે  ચાર  ઘડીના  પ્રવાસમાં,
યુગ યુગની ઓળખાણ હતી, કોણ મનશે?

ઉપચારકો ગયા અને આરામ થઈ ગયો!
પીડા  જ  રામબાણ  હતી,  કોણ  માનશે?

આપી  ગઈ જે  ધાર જમાનાની જીભને,
નિજ  કર્મની  સરાણ હતી,  કોણ માનશે?

જ્યાં જ્યાં  ફરુકતી હતી  સૌન્દર્યની ધજા,
ત્યાં ત્યાં પ્રણયની આણ હતી, કોણ માનશે?

પાગલના મૌનથી જે કયામત ખડી થઈ,
ડાહ્યાની  બુમરાણ   હતી,   કોણ   માનશે?

‘શૂન્ય’ પાલનપુરી

ગઝલ – ગૌરવ (Gaurav)

બે ચાર શબ્દો જો સરે છે આંગળીનાં ટેરવે,
ને કંપનો કંપ્યા કરે છે આંગળીનાં ટેરવે.

લોકો કહે છે કે, ‘ઘણું સુંદર લખું છું હું હવે,’
એને કહું શું ? તું રહે છે આંગળીનાં ટેરવે…

મુજથી જ ભૂલાતી નથી એ આપણી ભીની ક્ષણો,
ભીની મુલાકાતો ફરે છે આંગળીનાં ટેરવે.

એ તો દગો તેં ભૂલમાં કર્યો હશે એ ખ્યાલ છે,
આખો અહીં માણસ મરે છે આંગળીનાં ટેરવે.

કાગળ હવે આ જિંદગીનો સાવ કોરો રાખવો છે,
તું રોક : શબ્દો અવતરે છે આંગળીનાં ટેરવે.

ગૌરવ

કેટલીક ગઝલ- અંકિત ત્રિવેદી (Ankit Trivedi)

કેટલીક ગઝલ

1-

મેં હજી મત્લા કર્યો છે, ક્યાં ગઝલ આખી કહી છે?
તોય ડૂમો કરગર્યો છે, ક્યાં ગઝલ આખી કહી છે?

વાત જે ના થઈ શકી એનો નશો, મિસરો બનીને,
ધીરે ધીરે વિસ્તર્યો છે, ક્યાં ગઝલ આખી કહી છે?

સાંજની ભીની હવા પરના રદીફનો હાથ ઝાલી,
કાફીયાને કોતર્યો છે, ક્યાં ગઝલ આખી કહી છે?

તેં કરેલા સૌ ખુલાસાઓની આગળ માત્ર મેં તો,
શેર આ સામે ધર્યો છે, ક્યાં ગઝલ આખી કહી છે?

2-

જ્યારે મળું ગઝલમાં ખૂબ જ નજીક લાગે,
પંડિતનો સાથ લઉં છું, તો માથાઝીક લાગે.

માણસના વેશમાં અહીં ઈશ્વર ઘણા મળે છે,
ઈશ્વરને જઈ કહો કે માણસ કદીક લાગે.

અર્પણ કરું છું સઘળું, કાયમ પડે છે ઓછું,
થોડુંક પણ એ આપે તો પણ અઘિક લાગે.

ઉપરથી તો બધાની જેમ જ ગમાડવાનું,
છો ખાનગીમાં તમને ઠીક ઠીક લાગે.

ચારે તરફ નગરમાં બનતું નથી કશું પણ,
છે રાબેતા મુજબનું તેથી જ બીક લાગે.

3-

ઉઘાડા બારણે થડકો થઈને કઈ રીતે આવી?
તને કહું છું, જૂનો લ્હેકો થઈને કઈ રીતે આવી?

તું તો અજવાળું માફકસરનું પીરસતી રહી કાયમ,
દીવાની વાટ, તું ભડકો થઈને કઈ રીતે આવી?

ભુલાયેલી ઘણીયે સાંજને પૂછું છું રસ્તા પર,
નર્યા વરસાદમાં તડકો થઈને કઈ રીતે આવી?

તને દરરોજ જોઉં છું સતત મારા ઉપર હસતા,
ઉદાસી આજ ઉમળકો થઈને કઈ રીતે આવી?

પીડા તો છે પીડા જેવી ને એના ભાગ્યમાં ડૂમો,
ગઝલમાં આવી તો ટહુકો થઈને કઈ રીતે આવી?

અંકિત ત્રિવેદી
પ્રકાશિત ગઝલસંગ્રહ: ગઝલપૂર્વક
પ્રકાશક: ઈમેજ પબ્લિકેશન્સ, મુંબાઈ/અમદાવાદ
પ્રાપ્તિસ્થાન: info@imagepublications.com