ઉપવને આગમન – ગની દહીંવાલા

ઉપવને આગમન

                                                 

તમારાં અહીં આજ  પગલાં  થવાનાં,

ચમનમાં બધાંને  ખબર થૈ  ગઈ  છે.

                                      

ઝુકાવી છે ગરદન બધી  ડાળીઓએ,

ફૂલોની ય નીચી નજર  થૈ ગઈ  છે.

                                         

શરમનો કરી ડોળ  સઘળું જુએ  છે

કળી   પાંદડીઓના  પડદે   રહીને,

                                      

ખરું જો કહી દઉં તો વાતાવરણ પર

તમારાં નયનની અસર  થૈ  ગઈ છે.

                                        

બધી  રાત  લોહીનું  પાણી  કરીને

બિછાવી છે  મોતીની  સેજો ઉષાએ,

                                         

પધારો કે  આજે  ચમનની  યુવાની

બધાં સાધનોથી સભર થૈ  ગઈ  છે.

                                       

પરિમલની સાથે ગળે  હાથ  નાખી-

કરે  છે  અનિલ   છેડતી  કૂંપળોની,

                                        

ગજબની ઘડી છે  તે  પ્રત્યેક વસ્તુ,

પુરાણા  મલાજાથી પર થૈ  ગઈ છે.

                                       

–   ગની દહીંવાલા

                                        

                                     

રમીએ- ગની દહીંવાળા

સાવ અમસ્તું નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ,

ચાલ  મજાની  આંબાવાડી! આવળબાવળ રમીએ.

 

બાળસહજ  હોડી  જેવું  કંઈ  કાગળ કાગળ રમીએ,

પાછળ વહેતું આવે જીવન, આગળ આગળ રમીએ.

 

માંદા  મનને  દઈએ  મોટું   માદળિયું  પહેરાવી,

બાધાને પણ બાધ ન આવે, શ્રીફળ શ્રીફળ રમીએ.

 

તરસ  ભલેને  જાય  તણાતી  શ્રાવણની  હેલીમાં,

છળના રણમાં છાનામાના મૃગજળ મૃગજળ રમીએ.

 

હોય  હકીકત  હતભાગી  તો સંઘરીએ  સ્વપ્નાંઓ,

પ્રારબ્ધી  પથ્થરની  સાથે  પોકળ પોકળ  રમીએ. 

 

ફરફર  ઊડતું  રાખી પવને  પાન સરીખું પહેરણ,

મર્મર સરખા પારાવારે ખળખળ ખળખળ રમીએ.

 

હુંય ગની, નીકળ્યો છું લઈને આખોપાખો સૂરજ,

અડધીપડધી રાત મળે તો ઝાકળ ઝાકળ રમીએ.

 

–  ગની દહીંવાળા