તૂટેલાં શમણાંના ના જડે સાંધા
સાંપ્રત સમયમાં હાઉસીંગ બબલ, સબપ્રાઈમ ટ્રબલ ને ધંધા રોજગાર ટેરીબલ હોવાના સમાચાર જગતભરમાં હાહાકાર મચાવી રહ્યાં છે ને જન જીવનને પાયમાલ કરીને સોનલ શમણાંને છીનવી રહ્યાં છે – તોડી રહ્યાં છે, ત્યારે બેઈલ આઉટ, ટેક્ષ રીબેટ ને ક્રેડીટ જેવાં તોતીંગ પ્રયાસો છતાં એ તૂટેલાં શમણાંના સાંધા જડતા નથી ને માંદા પાડવા મથતા મંદીના પ્રવાહો વાંધારૂપે નડતા રહે છે…
ધંધા રોજગારની મંદીમાંહે અમે છોને પડી ગયા માંદા
તૂટેલાં શમણાંના ના જડે સાંધા એના અમને તો વાંધા
જોબ ક્રેડીટ બેંક રહેઠાણ, ભુંસાતા રે જાતા ઠેકાણા ઠામ
બેઈલ આઉટ થીંગડાનું નામ એતો બળ્યા ઉપરે ડામ
ઝગમગમાં જાગે અંધાર, દિવાસ્વપ્ને શોધીએ રે ચાંદા
મંદીમાંહે ધંધા સપડાયા અંધા થ્યાં મૂડીરોકાણ અડધાં
તૂટેલાં શમણાંના..
સબપ્રાઈમે લૂંટ્યા દોર દમામ, ઈલાજ કરે ત્યાં શું કામ?
ચાદર મુજબ પગ લંબાવવા-કાં ભૂલ્યા એ સુખનું ધામ!
ગમે ના વાર તહેવાર વારંવાર, પગાર પળોમાં રે ટાઢા
પર્વ જો ઉજવીએ તો કેમ રે જીવીએ કરે એ સૌને ગાંડા
તૂટેલાં શમણાનાં..
સૂડી સાટે સોપારીને ખંજર,સીઈઓ સધ્ધર પામે પિંજર
ચેતન નીંદર થ્યાં છૂમંતર, રે બોજસભર મન ને અંતર
મંદી અંદર સપડાયા બંદા ને તનનાં જંતર મંદા માંદા
બેકારી ભથ્થાં ટેક્ષ રીબેટ ને ક્રેડીટ એમાં કેમ વળે કાંદા!
તૂટેલાં શમણાનાં..
નૈયા હૈયા કેરી ડામાડોળ, ગિરવે ક્યાંક મૂક્યા છે લંગર
વિમાન કાર વીમા બેંકરપ્ટ, બેકાર નોકરિયાત તવંગર
મંદીવાદના સાદે મિડિયા ટીવી પેપરના સુકાયા ઘાંટા
જગભરે ફરે મંદી ધરાર ને ક્રેડીટ ક્યાંક રે મારતી આંટા
તૂટેલાં શમણાંના..
ધંધા રોજગારની મંદીમાંહે અમે છોને પડી ગયાં માંદા
તૂટેલાં શમણાંના ના જડે સાંધા એના અમને તો વાંધા
દિલીપ ર. પટેલ
ઓરેંજ, કેલીફોર્નિયા