હોમ પેજ

 હોમ પેજ

                

સાયબર  સફરે  મુસાફર  કરે  માઉસ  પરે  સવારી

ઇંટરનેટ  કેરે મેળાવડે  ભટકે  ગોતવાને  ગિરધારી

એક્ષપ્લોરરે  યાહૂ  ઝંપલાવી  અનેરી  સર્ચ આદરી

વિષયી  વિજ્ઞાપનો વળગી  સઘળી સર્ફમાં પાધરી.

 

વર્લ્ડ વાઈડ વેબની  મુલાકાતે મંદિર કતારો કાતરી

ટૂલબારે  પારાયણના બેનર્સ, પ્રસાદે  કૂપન કાપલી

કમનીય  કૂકીસના રૂપે જાણે  માયાવી જાળ પાથરી

વેબ  પેજે  અવરોધે  અહંકારી  ફાયરવૉલ  આકરી.

 

“યુ હૅવ ગૉટ મેઈલ” કેરી આકાશવાણી ત્યાં સાંભળી

લોગ ઑન “ગોકુલ” ને પાસવર્ડે “ગોપી”ની ખાતરી

વેબસાઈટે આવકારવા  ઊભી રાધા  લઈને વાંસળી

મિડીયા  પ્લેયરે  ગુંજાયે  “હરે કૃષ્ણા”  મંત્ર માધુરી.

 

કૃપા  ડાઉનલોડ કરવા છે  જરૂરી  માનવતા મૅમરી

વાસનાના વાયરસ મહીં તું  વેડફી દઈશ ના બૅટરી 

હાર્ડ ડ્રાઈવમાં  સેવ કરી લે  પ્રેમ અને સેવા-ચાકરી

હોમ પેજ બનીશ  “દિલ”ને  ઍલર્ટ મોકલે મોરારી!  

                             

દિલીપ ર. પટેલ

હું તો માનું છું કે હું છું શાયર – અદમ ટંકારવી

હું તો  માનું છું  કે હું છું  શાયર

કિન્તુ  ડાર્લિંગ  કહે  છે : લાયર

                                 

સ્હેજ અડતાં જ  શૉક લાગે  છે

લાગણી હોય છે  લાઈવવાયર

                                

અર્થનો  રોડ  છે  ખાબડખૂબડ

ને વળી  ફ્લૅટ  શબ્દનું  ટાયર

                                   

દૂર સહેજે નહિ તો દાઝી જઈશ

ધૅટ  ગર્લ ઈઝ  સ્પિટિંગ  ફાયર

                                   

ફાસ્ટ ફૂડ  જેવી  ગઝલ  વેચું છું

કિન્તુ ક્યાં કોઈ છે અહીંયા બાયર?

                                        

અદમ ટંકારવી

ગુજરાતી ભાષાના એક સિધ્ધહસ્ત, પ્રથિતયશ ગઝલકાર; ભરૂચ જિલ્લાના ટંકારિયા ગામના વતની; વર્તમાનકાળે બ્રિટનના રહીશ; ગુજલિશ ગઝલોના પ્રણેતા.

ગુજલિશ ગઝલોમાંથી સાભાર

પુસ્તક પ્રકાશક અને વિક્રેતા: આર. આર. શેઠની કંપની

Web: www.rrsheth.com                           

                                          

   

સનમ- અદમ ટંકારવી

બાગમાં  ક્યાં  હવે  ફરે  છે સનમ

વૅબસાઈટ  ઉપર  મળે  છે સનમ

                                    

ફ્લૉપિ ડિસ્ક જેવો આ ચહેરો તારો

અન્ય ઉપમા તો ક્યાં જડે છે સનમ

                                           

મૅમરીમાં  ય  હું  સચવાયો  નહીં

તું મને  સૅઈવ  ક્યાં કરે છે સનમ

                                   

ડબ્લ્યુ  ડબ્લ્યુ  ડબ્લ્યુની   પાછળ

ડૉટ થઈને તું  ઝળહળે છે  સનમ

                                   

આ  હથેળીના  બ્લૅન્ક બૉર્ડ  ઉપર

સ્પર્શની કી જ ક્યાં મળે છે સનમ

                                    

શી  ખબર  કઈ  રીતે  ડીકોડ કરું

સિલિકોન ચિપ કશું કહે છે સનમ

                                    

ક્યાં છે  રોમાંચ  તારા  અક્ષરનો

ફક્ત ઈ-મેઈલ મોકલે છે સનમ

                                  

દિલની ધડકન છે સૉફ્ટવૅર હવે

એને ગ્રૅફિકમાં  ચીતરે છે  સનમ

                                    

લાગણી  પ્રૉગ્રામ્ડ  થઈ  ગઈ  છે

ઍન્ટર ઍક્ઝિટ ફક્ત કરે છે સનમ

                                     

આંખ મારી  આ  થઈ ગઈ  માઉસ

કિન્તુ વિન્ડૉ તો ક્યાં ખૂલે છે સનમ

                                       

અદમ ટંકારવી

ગુજરાતી ભાષાના એક સિધ્ધહસ્ત, પ્રથિતયશ ગઝલકાર; ભરૂચ જિલ્લાના ટંકારિયા ગામના વતની; વર્તમાનકાળે બ્રિટનના રહીશ; ગુજલિશ ગઝલોના પ્રણેતા.

ગુજલિશ ગઝલોમાંથી સાભાર

પુસ્તક પ્રકાશક અને વિક્રેતા: આર. આર. શેઠની કંપની

Web: www.rrsheth.com