દામ્પત્ય જીવન – ડૉ. ચન્દ્રવદન મિસ્ત્રી

દામ્પત્ય જીવન

જીવન એક સંગ્રામ છે,
ડગલે ને પગલે શૌર્ય ની જરૂરત પડે,
કિન્તુ, વીરતાનો દીપક પ્રજવલિત રાખવા,
સ્નેહનું શુધ્ધ ઘી પુઉરતા રહેવું પડે, (૧)

દુ:ખ માનવી-હૈયાને જ્યારે કેદી કરે,
પરસ્પરના હ્રદયને એક કરવું રહ્યું,
દામ્પત્ય જીવનની આ તો એક સાધના રહી,
જે થકી જીવન સંસારમાં ખરું સુખ મળ્યું (૨)

વિપત્તિઓ જીવનમાં ઘણી આવી,
વિપત્તિઓ પણ વહેંચી લીધી,
જ્યાં જ્યાં ઘા પડ્યો,
ત્યાં સ્નેહ મલમથી વેદનાઓ રૂજવી લીધી, (૩)

ક્યારેક પરસ્પર ગેરસમજ અનુભવી,
રોષ પણ અનુભવ્યો હશે,
છતાં, જ્યાં ગંગાજળ જેવી પવિત્ર સાધના,
ત્યાં અંતે ઉજળું દામ્પત્ય જીવન હશે, (૪)

લગ્ન તો કોઈ કરાર નથી,
લગ્ન તો એક પવિત્ર સંસ્કાર છે,
સફળ લગ્ન જીવન માટે જોઈએ ઉંચી હ્રદય સંપત્તિ,
દીપક આવો કોઈ પ્રગટાવશે તો ચંદ્ર આનંદ માનશે

ડૉ. ચંદ્રવદન મિસ્ત્રી

ભજનના ભરોસે – ડૉ. ચંદ્રવદન મિસ્ત્રી

ભજનના ભરોસે

ભજનના ભરોસે તમે રહેશો,
અંતરે પ્રભુનામ તમે લેજો-(2)…(ટેક)

આ કાયા તારી કાચી, લે આ સત્ય તું જાણી,
થાશે પલભરમાં માટી, આ છે અમ્રુતવાણી,

એ…જી ભજન વીના જીવન તારૂ થાશે ધુળધાણી-(2)
ભજનના ભરોસે….

અરે, જીવડાં, આત્મા તારો અમર જાણી,
જન્મ મરણ ની ચિંતા છોડી દે ઓ પ્રાણી,
એ…જી ભજન વીના જીવન તારૂ થાશે ધુળધાણી-(2)
ભજનના ભરોસે….

આ માનવજન્મ અણમોલ મળ્યો જાણી,
મુખે રાખજે નામ મોહન-ગીરધારી,
એ…જી ભજન વીના જીવન તારૂ થાશે ધુળધાણી-(2)
ભજનના ભરોસે….

ચંદ્ર કહે, આ સંસારની મોહમાયા છોડી,
તમો હરિભજનમાં મનડુ લેજો રે જોડી.
એ…જી ભજન વીના જીવન તારૂ થાશે ધુળધાણી-(2)
ભજનના ભરોસે….

ડૉ. ચંદ્રવદન મિસ્ત્રી
લેંકેસ્ટર, કેલીફોર્નિયા

ભક્તિભાવથી ભરેલી વિશેષ રચનાઓ માણવા એમની વેબસાઈટ ચન્દ્ર પૂકાર પર  http://chandrapukar.wordpress.com/chandrapukar/  આ લિંક પર ક્લિક કરો.

પ્રભુ તને કેવી રીતે ભજું? – ચંદ્રવદન મિસ્ત્રી (Chandravadan Mistry)

પ્રભુ તને કેવી રીતે ભજું?

પ્રભુ, તને કેવી રીતે ભજુ?
કોઈ કહે આમ કર,
કોઈ કહે તેમ કર,
હવે, તું જ કહે હું શું કરું ?.. ટેક

વહેલી સવારે પ્રભુ, નામ તારું છે મારા હૈયા મહીં,
નથી આવ્યો હું તારા મંદિર દ્વારે,
નથી લીધી મેં જપ-માળા હાથે,
શું અધુરી પ્રાર્થના છે મારી? હવે તો પ્રભુજી કહેજે મને,
… પ્રભુ, તને કેવી રીતે ભજું?

જાણ-અજાણમાં પ્રભુનામ તારું મારા મુખડે વહે,
નથી મંત્ર જપતો કે ગીતાપાઠ કરતો,
નથી રીત-રિવાજ કે ધર્મનું ગણતો,
શું અધુરી પ્રાર્થના છે મારી? હવે તો પ્રભુજી કહેજે મને,
… પ્રભુ, તને કેવી રીતે ભજું?

થયું ન થયું એમાં પ્રભુ ઈચ્છા રૂપે જોયો તને,
સંસારના સુખ દુ:ખો સાથે જોડ્યો તને,
ભાર કેટલો બધો આપ્યો તને,
શું અધુરી પ્રાર્થના છે મારી? હવે તો પ્રભુજી કહેજે મને,
… પ્રભુ, તને કેવી રીતે ભજું?

કોઈવાર મંદિરે જઈ ભાવથી ફળફૂલ ચડાવ્યા ખરા,
કોઈવાર ભજન કર્યાં કે ગીતા અને ધર્મગ્રંથો વાંચ્યા ખરા,
કોઈવાર સંતોને સાંભળ્યા ને રીત-રિવાજો માન્યા ખરા,
છતાં, દિલથી અને મુખેથી વાત હમેશાં જે હું કરું,
પ્રભુ સ્વીકારજે તું એક પ્રાર્થનારૂપે, ચંદ્ર અરજ એટલી, વધુ હું શું કહું?

ડૉ. ચંદ્રવદન મિસ્ત્રી
લેન્કેસ્ટર, કેલીફોર્નીયા