વ્હાલો વ્હાલો લાગે મને કાનજી કાળો – ચંદ્રિકા ઠક્કર

વ્હાલો વ્હાલો લાગે મને કાનજી કાળો
(રાગ: હો હો રે પેલો રાજા રણછોડ છે)

વ્હાલો વ્હાલો લાગે મને કાનજી કાળો,
કાનજી કાળો એ તો કામણગારો.. વ્હાલો વ્હાલો (2)

કામણગારો એ તો મોરલિયો વાળો,
મોરલિયો વાળો એ તો લાગે રૂપાળો.. વ્હાલો વ્હાલો (2)

મોરલી વગાડી મારાં મનડાં હરી લેતો,
મનડાં હરી લઈને એ તો છુપાઈ જાતો.. વ્હાલો વ્હાલો (2)

જળ ભરવા જાઉં ત્યારે કાંકરીઓ મારે,
કાંકરીઓ મારી મારા મટકાં રે ફોડે.. વ્હાલો વ્હાલો (2)

મહી વેચવા જાઉં ત્યારે મારગમાં રોકે,
મારગ વચ્ચે રોકી મહીનાં દાણ જ માગે.. વ્હાલો વ્હાલો (2)

છાનો માનો ઘરમાં ઘૂસે ગોવાળોની સાથે,
ગોરસ લૂંટાવે ને મારા બાળ રડાવે.. વ્હાલો વ્હાલો (2)

માને રાવ કરવા જાઉં ત્યારે આગળ પહોંચી જાતો,
ડાહ્યો ડમરો થઈને માની પાસે બેસી જાતો.. વ્હાલો વ્હાલો (2)

એનું મોહક રૂપ જોઈને ગુસ્સો ઉતરી જાતો,
મારો ગુસ્સો ઉતારી મન મોહી લેતો.. વ્હાલો વ્હાલો (2)

‘ચંદ્રિકા’નો નાથ સૌને રાસે રમાડે,
રાસ રમાડીને ધન્ય કરી દેતો .. વ્હાલો વ્હાલો (2)

વ્હાલો વ્હાલો લાગે મને કુંવર કનૈયો,
કુંવર કનૈયો પેલો નંદજીનો છૈયો.. વ્હાલો વ્હાલો (2)

ચંદ્રિકા ઠક્કર
જાન્યુઆરી 12, 2010

આવો આવો આવો મારા કાન કુંવરિયા – ચંદ્રિકા ઠક્કર

આવો આવો આવો મારા કાન કુંવરિયા
(રાગ: મારી ઝૂંપડીએ ક્યારે રામ પધારે)

આવો આવો આવો મારા કાન કુંવરિયા
હે કાન કુંવરિયા મારી આંખોના તારલિયા રે
આંખોના તારલિયા.. આવો આવો આવો મારા કાન કુંવરિયા

કાન કુંવરિયો આવે મોરલી વગાડતો
મોરલીના નાદે સૌને ઘેલાં બનાવતો
હે મોરલી વગાડતો નટવર આવે નાચંતો રે
આવે નાચંતો.. આવો આવો આવો મારા કાન કુંવરિયા

ભક્તોના પ્રેમનો પોકાર સુણીને
નંદજીનો છૈયો આવે વ્હારે દોડીને
હે દોડતો આવીને એનાં કામ કરી લે રે
કામ કરી લે… આવો આવો આવો મારા કાન કુંવરિયા

‘ચંદ્રિકા’નો શ્યામ આવી બિરાજે હ્રદયમાં
કરી નાખ્યું જીવન મારું ધન્ય એક પલમાં
હે ધન્ય કરીને એને લાધી છે શરણમાં રે
લીધી છે શરણમાં.. આવો આવો આવો મારા કાન કુંવરિયા

ચંદ્રિકા ઠક્કર
જાન્યુઆરી 30, 2010