નિર્મળ બની નહી કાયા- ચુંથાભાઈ જીજીદાસ પટેલ

કરી જાતરા જીવ ભરમાયા તોયે નિર્મળ બની નહી કાયા
ગણા મંડપ મેળાવડા રચાયા તોયે એવા ને એવા જણાયા

પંચ વિષયના પ્યાર
નથી છુટતા લગાર
ગંગા યમુનાના નિરમાં નાહ્યા તોયે નિર્મળ બની નહી કાયા

સુણ્યાં પોથી પુરાણ
તોય રહ્યા અજાણ
સાત દિવસ સપ્તાહમાં ગુમાવ્યા તોય એવ ને એવા જણાયા

લાગ્યો પુરુષોત્તમે રંગ
જાણ્યો મેશ્વો નદી ગંગ
ગંગા નદીમાં દિવડા જગાવ્યા તોય એવા ને એવા જણાયા

તિલક માળાનો ને’મ (નિયમ)
તોય મનમાં ગણો વ્હેમ
કંઠે તુલસીના મણકા લગાવ્યા તોય નિર્મળ બની નહી કાયા

મળ્યા સદ્‍ગુરૂ દેવ
કરી ચરણની સેવ
ચુંથારામ પુરણ મનોરથ પાયા પછી હરખે ગુરૂના ગુણ ગાયા

– ચુંથાભાઈ જીજીદાસ પટેલ

ગુરુ પૂર્ણીમા પ્રસંગે – ચુંથાભાઇ જીજીદાસ પટેલ

ગુરુ પૂર્ણીમા તા ૨૫ જૂલાઇ ૨૦૧૦ રવિવાર

અષાઢ સુદ પુનમનો પવિત્ર દિવસ ગુરુ પૂર્ણિમા જે આદિ- અનાદિથી મનાવવામાં આવે છે, સનાતક વૈદિક હિન્દુ ધર્મમાં ગુરુ પરંપરા ભગવાન નારાયણે જયારે સૃષ્ટીનો આરંભ કર્યો ત્યારથી શરુ થયેલી છે. નારાયણ જ આદિ ગુરુ છે, અને નારાયણ જ વેદ- વ્યાસ થઈને પ્રગટ થયા (જેમણે યજૂર્વેદ, સામવેદ ઋગ્વેદ અને અથર્વેદ એમ ચાર વેદોનું સંકલન કર્યુ હતુ માટે તે વેદ-વ્યાસ તરીકે પ્રસિધ્ધ થયા) માટે આને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે. ગુરુ પૂર્ણીમા એટલે ગુરુ (વડીલો) પ્રત્યેનો ૠણ ભાવ વ્યક્ત કરી, અહોભાવથી વંદન કરી ગુરુ મહિમા ગાવાનો શુભ અવસર. (સંસ્કૃત: गुरु) શબ્દએ બે શબ્દો, ‘ગુ’(અંન્ધકાર) અને ‘રુ’(પ્રકાશ)ની યુતી છે. આમ ગુરુ એટલે અજ્ઞાનરૂપી અંધકારથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જનારી શકિત. વ્યવહારીક દ્રષ્ટિએ શિ઼ક્ષક અથવા માર્ગદર્શકને પણ ગુરુ તરીકે સંબોધવામાં આવે છે.

સચ્ચિદાનંદ પરમહંસ (જય પ્રભુ) કહે છે કે “તારી અંદર રહેલો આત્મા જગતના તમામ ગુરુઓ કરતા અનંત ગણો મહાન છે” (સદગુરુ)

શ્રી ચુંથાભાઇ જીજીદાસ પટેલ ગુરુ (સદગુરુ) નો મહિમા ગાતા કહે છે કે………………

(રાગઃ આ સંસાર મુસાફિર ખાનું……….)

ગુરુની ગાદી હ્રદય કમળમાં નિત નિત દર્શન થાય
સુરતા આનંદે લહેરાય સુરતા આનંદે લહેરાય

પ્રભાત સમયમાં વ્હેલા ઊઠી, ગુરુ ચરણમાં ચિતને રોપી
સાધક જનની શુધ્ધ મનેથી ગુરુની નમની થાય સુરતા આનંદે લહેરાય (૨)

હરિગુરુ સંત સ્વરૂપે ફરતા, પરખી જોતાં પાતક હરતા
ધર્મ નીતિ વિવેક સમર્પી શુધ્ધ બનાવે કાય સુરતા આનંદે લહેરાય (૨)

ભગવદ ભાવ ભરોસો ભારી, સંત શ્બ્દમાં દ્ર્ઢતા ધારી
અદેખાઇની અગ્નિ ટાઢી શિતળ જેવી થાય સુરતા આનંદે લહેરાય (૨)

અમી ભરેલાં નયનો જોઇ, સૌ કોઇને મન અચરજ હોઇ
હસતા મુખડે અમૃત સરખી વાણીથી સુખ થાય સુરતા આનંદે લહેરાય (૨)

જગત નિયંતા જગથી ન્યારો ગુરુગમથી પોતામાં ભાળો
અંતરથી તન મનથી ચુંથારામ જાણી લો જગરાય સુરતા આનંદે લહેરાય (૨)

——————————————————

મારે ધડપર ગુરુના શિશ હવે કાચી કલ્પના કેમ થાયે
મારે સમરથ ગુરુ જગદિશ હવે કાચી કલ્પના કેમ થાયે

સુરતા છોકરી ઢીંગલે રમતી બાળપણાની રીત
સમય જાતાં સમજણમાં આવી વિવેકે રંગ્યા ચિત હવે કાચી કલ્પના કેમ થાયે

શરીર હું નહી સગુણ રૂપે ગુરુજી તણો દિદાર
ધર્મનીતિનું પાલન કરવા સ્વિકાર્યો સંસાર હવે કાચી કલ્પના કેમ થાયે

વસ્તું માથી પરમ વસ્તું જાણી લીધી નિર્ધાર
અમીરસ ઘૂંટડો ગળે ઉતરીયો તુરંત થયો પ્રકાશ હવે કાચી કલ્પના કેમ થાયે

સદગુરુ શબ્દે સુરતા ચાલી નિજપદમાં નિર્ધાર
દાસ ચુંથારામ સદગુરુ સંગ ભરતાં ભવનો બેડો પાર હવે કાચી કલ્પના કેમ થાયે

——————————————————

વારી વારી ગુરુજી બલિહારી રે
મારા ર્હદય બગીચાના માળી ગુરુજી બલિહારી રે

કુણા અંકુરે જ્ઞાન પાણી પોશિયા રે
કાંટા કાકળા વળાવ્યા વાડી ઓપી ગુરુજી બલિહારી રે

કીધી સડકો સાહેબ દરબારની રે
ચાર ચૌટાની બાવન બજારી ગુરુજી બલિહારિ રે

કીધી બોંતેર બેઠકની બંગલી રે
ત્યાં ગાદી ગુરુની રંગ પ્યારી ગુરુજી બલિહારી રે

ફૂલ ખીલ્યાં ચાદર નવરંગની રે
ગુરુ છેલ છબીલો વનમાળી ગુરુજી બલિહારી રે

જાણે વિજળી ગગનમાં ઝબકી રે
દાસ ચુંથારામે નયને પરખી ગુરુજી બલિહારી રે

——————————————————

ગુરુજી ખેવટીયા પાર કરો નૈયા ભવસાગરની માંય પાર ઉતારો ને
પકડો બલૈયા, સાગર તરૈયા, સંસાર સાગર માંય પાર ઉતારો ને

સંસાર સાગર મહાતોફાની ગહેરાં ગંભીર પાણી
મોજાં ઉછાળે રવ રગદોળે તરંગો જાયે તાણી
દોરી સોપી ગુરુના કર માંય પાર ઉતારો ને

કડવા, તીખા ખારા, ખાટા શબ્દો મગર તોફાની
ઇર્ષા તૃષ્ણા લાલચ આશા લાંબી ચાંચો ફાડી
ઘેરો ઘાલી કરે ઘમસાણ પાર ઉતારો ને

નૌકા મધ્યે ગુરુ દયાથી સ્થિરતા સ્થંભ રોપાવી
નિવૃત્તિ શઢમાં જ્ઞાન પવનની ચોટો જબળી લાગી
ચુંથા નાવ ચલી સડસડાટ પાર ઉતારો ને

——————————————————
ગુરુજીની જુક્તિમાં આવિચળ વાણી
અવિચળ વાનીનો પડઘો લગ્યો રસ ઘેલી સુરતા સાસરીયે ચાલી

સખીઓનો સંગ છોડી જાવું નિર્વાણે
અનવય અનામી લાગ્યો મીઠો રસ ઘેલી સુરતા સાસરીયે ચાલી

વિવેક વિરોજી આવ્યા સુરતા વળાવવા
ઝાંપે જગદીશનો માફો દીઠો રસ ઘેલી સુરતા સાસરીયે ચાલી

માફામાં સુરતા બેની વિરે પધરાવ્યા
ચૌવા ચંદનનો ચાંદો ચોડ્યો રસ ઘેલી સુરતા સાસરીયે ચાલી

અનહદ પૂરીના વાજાં નોબતો વાગી
ચુંથારામ મોક્ષ દરવાજો ખુલ્યો રસ ઘેલી સુરતા સાસરીયે ચાલી

——————————————————
ગુરુજી રણબંકા રાજ મેઘ અષાઢી
મોર નાચેને ચલ્લી પાંખ પ્રસારે રાજ બપૈયા બોલે

જ્ઞાનની ધારા વૃષ્ટી વરસવા લાગી
પત્થર ર્હ્દયની ભુમી પોચી બનાવી રાજ બપૈયા બોલે

ચોખા બનેલા ક્ષેત્રે બીજ વવાયાં
અંકુર ફુટીને ડળે પાંદે છવાયાં રાજ બપૈયા બોલે

ગુરુની કૃપા દ્રષ્ટીથી પુષ્પો રે ખીલશે
પુષ્પો ખીલીને પાકાં ફળ અનૂભવશે રાજ બપૈયા બોલે

પૂર્વના પૂન્યે મળીયા ગુરુ ભલાભાઇ
ચુંથારામ ર્હ્દયમાં દિવડો ઝગમગ ઝગાવ્યો રાજ બપૈયા બોલે

—————————————————-

ગુરુ રસિયા પુરણ કામ ગુણના ધામ ગુરુજી હમારા દીનોના તરણહારા
ગુરુ જ્ઞાનની ગોળી આપે છે,
મહારોગ સમૂળો કાપે છે

રગરગમાં જ્યોતિ તેજ તણા ધબકારા દીનોના તારણહારા
મુક્યુ નામનું નસ્તર સુખકારી,
મારી અંતર વેદના સૌ ટાળી

પરઉપકારી ગુરુ સમરથ વૈદ હમારા દીનોના તારણહારા
ગુરુ નયનોમાં નયન મિલાવ્યા કરું
ગુરુ ચરણોમાં શિશ જુકાવ્યા કરું

દાસ ચુંથારામના હૈયે અમૃત રસની ધારા દીનોના તારણહારા

-ચુંથાભાઇ જીજીદાસ પટેલ

તજીએ માન ને ગુમાન- ચુંથાભાઈ જીજીદાસ પટેલ

(રાગઃ મારા જીવન કેરી નાવ તારે હાથ સોંપી છે……)

સજીએ સદગુરુની શાન તજીએ માન ને ગુમાન,
અહમતા મમતા ત્યાગ કરીને મનની મટકી ફોડીએ,
ભજીએ ભવતારણ ભગવાન તજીએ માન ને ગુમાન.

કરમ ભરમના મોહ જંજાળો ગુરુના શબ્દે તોડીએ
કરીએ નીજ સ્વરૂપનું ભાન તજીએ માન ને ગુમાન.

એક રૂપ જગ વ્યાપક ભરપૂર અનુંભવ આંખે દેખીએ,
અહંકાર ઓઠે રહ્યો ભગવાન તજીએ માન ને ગુમાન.

ખોજ કરીલે દિલની અંદર તનનો તાપ મીટાવી દે,
ચુંથારામ ગ્રહી લઇએ ગુરુ જ્ઞાન તજીએ માન ને ગુમાન

સજીએ સદગુરુની શાન તજીએ માન ને ગુમાન

ચુંથાભાઈ જીજીદાસ પટેલ

રામનવમી – ચુંથાભાઇ જીજીદાસ પટેલ

રામનવમી

ભારતીય સંસ્કૃતિ અનુંસાર રામનવમીને દિવસે ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો. ‘રામનામ’ અદભુત સંજીવની છે, અમોઘ શસ્ત્ર છે, મહાન શક્તિ છે. માત્ર એકજ વખત ‘રામ’ બોલાઇ જવાય તો પણ અધમનો ઉદ્ધાર થઈ જાય છે. ‘રામ’ ને બદલે ‘મરા…મરા…’ બોલનારો વાલિયો લૂંટારો મહાન કવિ અને રામાયણનો રચયિતા મહર્ષિ વાલ્મીકિ બની ગયો ! સપ્તર્ષિઓએ આ રત્નાકર (વાલિયો લૂંટારા) ને ‘રામનામ’ નો મહિમા સમજાવ્યો અને ઉપદેશ આપ્યો કે તું રામનામનો જપ કર. તેના હ્રદયમાં રામનામની લગની લાગી ગઈ. તેના રોમ રોમમાંથી ‘મરા…મરા…’ નો જપ થઈ રહ્યો હતો. તેના શરીર પર માટાના રાફડા બંધાયા. સંસ્કૃતમાં રાફડાને ‘વાલ્મીક’ કહે છે, તેથી તેમનું નામ વાલ્મીકિ પડ્યું.

ભક્ત શ્રી ચુંથાભાઇ જીજીદાસ પટેલને સદ્‌ગુરૂશ્રી ભલારામ મહારાજ દ્વારા ચૈત્ર સુદ નોમના રોજ રામનવમીને દિવસે પોતાના આત્મસ્વરૂપનો સાક્ષાત્કાર કરાવતો ઉપદેશ આપ્યો હતો. શ્રી ચુંથાભાઇ જીજીદાસ પટેલે પોતાના આ અનુંભવોને ભજનના સ્વરૂપમાં રજૂ કરેલ છે જે અત્રે પ્રસ્તુત કરતા ગર્વની લાગણી સાથે ધન્યતા અનુંભવુ છુ.

(રાગઃ ગણપતી આવ્યા શુદ્ધ બુદ્ધ લાવ્યા……………)

નવમીને દિન નવો અનુભવ આત્મારામ દર્શાયા ગુરૂ આત્મારામ દર્શાયા કોઇ અદ્‌ભુત યોગી આવ્યા

યોગી રામરસ પાયા ઘટઘટમાં શ્યામ દિખાયા કોઇ અદ્‌ભુત યોગી આવ્યા

દાનવવૃત્તિ દૂર કરાવી મનુશા દેવ કહલાયા ગુરૂ મનુશા દેવ કહલાયા કોઇ અદ્‌ભુત યોગી આવ્યા

લોહ હ્રદયમાં પારસ રૂપે કંચન શુદ્ધ બનાયા ગુરૂ કંચન શુદ્ધ બનાયા કોઇ અદ્‌ભુત યોગી આવ્યા

ગુરૂગમ ચાવી ખોલ્યાં અગમઘર દિલમાં દર્શન પાયા ગુરૂ દિલમાં દર્શન પાયા કોઇ અદ્‌ભુત યોગી આવ્યા

કીડી કુંજર ઘાટ બન્યા સૌ આતમ એક મનાયા ગુરૂ આતમ એક મનાયા કોઇ અદ્‌ભુત યોગી આવ્યા

પશુ પક્ષી સૌ જીવ જંતુમાં વ્યાપક દેવ દર્શાયા ગુરૂ વ્યાપક દેવ દર્શાયા કોઇ અદ્‌ભુત યોગી આવ્યા

ચુંથાભાઇ ભ્રમણા ત્યાગી અલખ પુરૂષ ઓળખાયા ગુરૂ પુરૂષ ઓળખાયા કોઇ અદ્‌ભુત યોગી આવ્યા

શ્રી ચુંથાભાઇ જીજીદાસ પટેલ, જિંડવા

ભક્તિ – ચુંથાભાઇ જીજીદાસ પટેલ

ભક્તિ

ભક્તિ મરજીવા થઇને મોજો માણીએ

મારા દિલમાં વસીયા છે આતમરામ ભક્તિ મરજીવા થઇને મોજો માણીએ

ભક્તિ પહેલી શ્રવણ શરણું લીજીએ

બીજી કીર્તન કરુણ ભાવે કીજીએ રે ભક્તિ મરજીવા………..(ટેક)

ત્રીજી સ્મરણ શ્વાસાએ અનુંસરીએ

ચોથી ભક્તિતે પાઠપૂજા થાય ભક્તિ મરજીવા………

પાંચમી અર્ચન ભક્તિ દિલમાં ધારીએ

હરીનું ચંદન ચરણામૃત લેવાય રે ભક્તિ મરજીવા……

છઠ્ઠી વંદન સકળ જીવને નમીએ

સતમી દાસત્વે કોઇનું દિલ ના દમીએ રે ભક્તિ મરજીવા…..

આઠમી મિત્ર ભાવે રે નજરે નામીએ

નવમી આત્મ સમર્પી હું ભાવ તજીએ રે ભક્તિ મરજીવા….

દસમી પ્રેમ લક્ષણા ઉરમાં ધારીએ

ચુંથારામ નયનોમાં વરસે નુરાં રે ભક્તિ મરજીવા….

——————————————-
એક છે

આતો એક છે એક છે એક જ છે

ભૂત પ્રાણીમાં આત્મા એક રે ગુરુજીની સમજણ લો

રહ્યો સાક્ષી રુપે ભેદ ભાસે નહીં

નામ રુપ જોતાં જણાય અનેક રે ગુરુજીની સમજણ લો

એક સૂર્ય આકાશે ઝળકે છે

જળ પ્રતિબિંબ જોતાં અનેક રે ગુરુજીની સમજણ લો

જેવું વસ્ત્રમાં તંતુ અનુસ્થિત છે

વસ્ત્ર નામ રુપે અનેક જણાય રે ગુરુજીની સમજણ લો

જેવા મૃતીકાના ઘડા ઘાટ અનેક છે

ચુંથારામ ઘરેણાંમાં કનક સમાય રે ગુરુજીની સમજણ લો

——————————————-

શ્રી ચુંથાભાઇ જીજીદાસ પટેલ, જિંડવા