એક હતી સર્વકાલીન વારતા – જગદીશ જોષી (Jagdish Joshi)

એક હતી સર્વકાલીન વારતા

ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં
પણ આખા આ આયખાનું શું?
ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ એને ફરીફરી કેમ કરી વાંચશું?

માનો કે હોઠ સ્ હેજ મોરી ઊઠ્યા ને છાતીમાં મેઘધનુષ ફોરી ઊઠ્યાં
પણ બળબળતી રેખાનું શું?

આકાશે આમ ક્યાંક ઝૂકી લીધું ને ફૂલોને ‘કેમ છો’ પૂછી લીધું
પણ મૂગી આ વેદનાનું શું?

માનો કે આપણે ખાધું-પીધું અને માનો કે રાજ! થોડું કીધુંયે રાજ,
પણ ઝૂરતા આ ઓરતાનું શું?

ધારો કે રાણી! તમે જીતી ગયાં અને ધારો કે વાયરા વીતી ગયા
પણ આ માંડેલી વારતાનું શું?

જગદીશ જોષી
જીવનકાળ: ઓક્ટોબર 9, 1932- સપ્ટેંબર 21, 1978
ધારો કે એક સાંજ આપણે મળ્યાં  એમની સમગ્ર કવિતાનો સંગ્રહ

અમે

જગદીશ જોષી

            

અમે

           

ખોબો   ભરીને   અમે   એટલું   હસ્યાં

કે  કૂવો   ભરીને   અમે   રોઈ  પડ્યાં.

ખટમીઠાં    સપનાંઓ     ભૂરાં   ભૂરાં

કુંવારાં    સોળ    વરસ   તૂરાં   તૂરાં

અમે ધૂમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં

કે   હોડી-ખડક  થઈ   અમને  નડ્યાં.

ક્યાં  છે  વીંટી  અને  ક્યાં  છે  રૂમાલ

ઝૂરવા  કે  જીવવાના  ક્યાં  છે સવાલ !

કૂવો    ભરીને    અમે   એટલું   રડ્યાં

કે  ખોબો   ભરીને   અમે  મોહી  પડ્યાં.  

              

જગદીશ જોષી