હૈયા હો !
કોઇ ઉપાડો શ્વાસોની બિસ્માર નનામી, હૈયા હો !
ક્ષણના સૂરજની સાખે હોમાય સલામી, હૈયા હો !
આગળ પાછળ ઉડતી જાતી ધૂળની ભૂરી ડમરી ને;
આંખોમાં બેફામ બનેલી ઝાંખ હરામી, હૈયા હો !
નાક મથાળે બેઠેલી માખીના સગ૫ણ શોધી લો,
વાનર પાસે સાવ ખુલ્લી તલવાર ઇનામી, હૈયા હો !
ધગધગતાં સળિયા નાખીને ફોડી નાખો કુબ્જાને;
કર્યા કરે છે સપનાની દિન રાત ગુલામી, હૈયા હો !
‘જિત’ ખિસ્સામાં સ્વારથનાં ખખડે છે સિક્કા; બોલી દઉં,
કોઇ મરેલા માણસની જો થાય નિલામી, હૈયા હો
-‘જિત’ ચુડાસમા