સમય

સમય
——-
સમયનું કામ છે, એટલે ઓગળે છે.
નામ બરફનું છે, સમય ઓગળે છે.
પકડવો છે સમયને મુઠ્ઠીમાં પણ,
દેખાતો નથી એ, બસ ઓગળે છે.

છે સમય લાગણીભીનો ને ઓગળે છે,
લાગણીશૂન્ય પણ છે, છતાં ઓગળે છે.
નથી સમજાતું, સમયને બાંધવો શેં ,
પકડવો કઠીન, સતત ઓગળે છે.

છે સમય જરૂરી લક્ષ્ય વિંધવા કાજે,
શિખરે પહોંચતાં, તરત ઓગળે છે.
સફળતા મેળવે, જે સમય ઓળખે છે.

-જ્યોતિકુમાર વૈષ્ણવ.

ઓહ! શું હું ખોટો છું??? -જ્યોતિકુમાર વૈષ્ણવ

ઓહ! શું હું ખોટો છું???

હું મારાં સંતાનોને ક્યારે ય આર્મીમાં નહીં મોકલું.
યુધ્ધ્થી ગભરાતો નથી, સંતાન પ્રેમમાં આંધળો પણ નથી,
સંતાનોની શહીદીનો પણ ડર નથી, હું તો ભયભીત છું,
નપાવટ, નાલાયક, નપૂંશક –
નેતાઓની નિર્માલ્ય નીતિથી.
ક્યારે લડવું, કેટલું લડવું, લડવું કે નહીં,
લડાઇ જેવી સ્થિતિ નિર્માણ થઇ છે કે નહીં,
વિજય છ્તા પરાજય – કેટલા પાછળ ખસી જવું,
જીતેલી જમીન તો જવા દો આપણો મલક
(છાડ બેટ યાદ છે ને?)
શત્રુને પાછો સોંપી દેવો-
એ બધું સૈન્યનો સેનાપતિ નહીં,
અનિર્ણાયક સ્થિતિમાં જ શ્વસતા નેતાઓ જ નક્કી કરે છે-
આર્મીના જવાનોને મળે છે માત્ર શહીદીની પુષ્પમાળા-
તોપો અને ઊંધી બંદુકોની સલામી-
પણ આપણે બધા જ વિચારી શું જો આ જ માર્ગે તો
દેશની સુરક્ષા સંભાળશે કોણ?
પણ શું હું ખોટો છું???

-જ્યોતિકુમાર વૈષ્ણવ

આત્મવિશ્વાસ -જ્યોતિકુમાર વૈષ્ણવ

આત્મવિશ્વાસ

ડેલીની ભીતર ઘરને
સજાવીએ સાત રંગોથી, આંગણે નવાંનવાં
સપનાંનું કરીએ વાવેતર,
એ જ નથી માત્ર પૂર્ણતા જીવનકળાની…
છે અન્ય પાસાં હજુ પણ…

ખૂલી છે બારીઓ,
છે તમારી પાસે
પડકારોથી ભર્યુંભર્યું આકાશ,
આત્મવિશ્વાસની પાંખે
કરવાનું છે ઉડ્ડયન…
ખંખોળવાનું છે અંતરિક્ષ.
ચંદ્ર અને તારલા દૂરદૂર દેખાય છે આજે
ઊભા હશે જોડીને હાથ સન્મુખ તમારી,
સ્વયં સૂર્ય સજાવી થાળ સોનાનો
થઇ જશે હાજર આરતી માટે…
છે અન્ય પાસાં હજુ પણ…

શંખ, છીપલાં, કોડીઓથી ગજવાં ભરવાં
એ જ નથી માત્ર પૂર્ણતા જીવનકળાની,
લલકારતાં ઊછળતાં દરિયાનાં મોજાં
તમારી ભૂજાઓનું માપતાં બળ,
સામે ઝઝૂમવા ઊંડાણે દઈ ડૂબકી
ખંખોળવાનો છે દરિયો…
સાચાં મોતીનો લહેરાશે પાક,
રત્નોની છાઈ જશે વસંત…

છે અન્ય પાસાં હજુ પણ નવાંનવાં…
હલેસું આત્મવિશ્વાસનું છે ઉપાય અંતિમ…

-જ્યોતિકુમાર વૈષ્ણવ

ચાલ જીવ, બસ,

બહુ કરી લાંબી સફર તેં,
બહુ જોયું, માણ્યું, અનુભવ્યું.
અન્યને સપનેય દુર્લભ
એ નિકટથી નીરખ્યું તેં–
બસ કર હવે,
સફરનો મોહ છોડી
‘ડેસ્ટીનેશન ઓફ લાઇફ’
માટે થઇ જા તૈયાર
અને બની જાય આ દેહ
તદ્દન નિશ્ચેટ જયારે,
ન કરતો બાળીને રાખ–
થાય ઉપયોગી કોઈને પણ
એનું જરા રાખજે ધ્યાન–
કોઈ હોસ્પિટલને સોંપી દેજે
દાન શબ્દ વાપર્યા વિના–
સ્વજનોને રાખજે સમજાવી
ન બદલે તારો એ નિર્ણય અંતિમ–
જીવતાં કોઈને કામ આવ્યો કે નહીં
ક્યાં ખબર છે !!!
મૃતક બનીને તો થાજે ઉપયોગી–
ચાલ જીવ, બસ,
બહુ કરી લાંબી સફર તેં–

-જ્યોતિકુમાર વૈષ્ણવ

દીકરી

દીકરી
——–

દીકરી હું!
રડતી-રડતી સૂતી છું, રુદન, રુદન ને રુદન!
છે વેદના, અસહ્ય પીડા છે!

માત્ર જન્મી છું એટલે છું ‘સ્વીટ ગર્લ’,
પણ કેમ આ ધિક્કારનું પર્યાવરણ
ધક્કા મારતું લાગે? દીકરી હોવાનો વાંક?

સરકતાં જ માવડીના ગર્ભથી
બની હું અપ્રિય કાં?
પેંડા નહીં, જલેબી કાં?
ઇતિહાસમાં થતી દૂધ પીતી,
આજ ડસ્ટબીનમાં જડી આવતી .

ભલેને ગણાતી લક્ષ્મીનો અવતાર,
ભલે કહેવાય બેની ભાઈની લાડકી-
અંતે તો પારકી થાપણ ને
કહેવત પણ બની દીકરી ને ગાયની…
દીકરી હું!!!

-જ્યોતિકુમાર વૈષ્ણવ.

ઓહ! શું હું ખોટો છું???

હું મારાં સંતાનોને ક્યારે ય આર્મીમાં નહીં મોકલું.
યુધ્ધ્થી ગભરાતો નથી, સંતાન પ્રેમમાં આંધળો પણ નથી,
સંતાનોની શહીદીનો પણ ડર નથી, હું તો ભયભીત છું,
નપાવટ, નાલાયક, નપૂંશક –
નેતાઓની નિર્માલ્ય નીતિથી.
ક્યારે લડવું, કેટલું લડવું, લડવું કે નહીં,
લડાઇ જેવી સ્થિતિ નિર્માણ થઇ છે કે નહીં,
વિજય છ્તા પરાજય – કેટલા પાછળ ખસી જવું,
જીતેલી જમીન તો જવા દો આપણો મલક
(છાડ બેટ યાદ છે ને?)
શત્રુને પાછો સોંપી દેવો-
એ બધું સૈન્યનો સેનાપતિ નહીં,
અનિર્ણાયક સ્થિતિમાં જ શ્વસતા નેતાઓ જ નક્કી કરે છે-
આર્મીના જવાનોને મળે છે માત્ર શહીદીની પુષ્પમાળા-
તોપો અને ઊંધી બંદુકોની સલામી-
પણ આપણે બધા જ વિચારી શું જો આ જ માર્ગે તો
દેશની સુરક્ષા સંભાળશે કોણ?
પણ શું હું ખોટો છું???

-જ્યોતિકુમાર વૈષ્ણવ.

શિવ-ગાન

શિવ-ગાન ========

અગડબમ અગડબમ અગડબમ રે… જોગી જટાળા અગડબમ રે…

વાગે છે ડમરૂ ને ડાક વાગે નાચંતાં ભૂતડાં અગડબમ રે… અગડબમ…

ભાંગના પિયાલા ગટાગટ રે… ભસમ, ધતૂરો અગડબમ  રે… અગડબમ…

નાચે નટેશ્વર તાક ધીનાધીન ભોળા તે નાથ વળી અગડબમ રે… અગડબમ…

સાગરનું પીધું હળાહળ રે… કે’વાણા નિલકંઠ અગડબમ રે… અગડબમ…

માથે તે ચંન્દ્રમા, ગંગા વહે… જોગી જટાળા અગડબમ રે.. અગડબમ…

ભક્તોની વહારે પળમાં પ્રભુ… હરહર મહાદેવ અગડબમ રે… અગડબમ…

-જ્યોતિકુમાર વૈષ્ણવ.

શબ્દકોશ

વાંચી શકો તો વાંચજો
ક્યારે ક કોઇનાં
આંસુની આરપારનાં પૄષ્ઠો,
જડતાના પહાડ વચ્ચે ય
સળવળી ઊઠશે સંવેદનાઓ-
વેદના, ચીખ, ડૂસકાંનો ધ્વની-
એકએક ટીપું આંસુનું
કૈં જળબિંદુ નથી,
છે એતો અંતરવ્યથાનો
શબ્દકોશ…
વાંચી જજો.

-જ્યોતિકુમાર વૈષ્ણવ.

ઓહ, જિંદગી.

ગમે ન ગમે
રોજ સવારે ઊઠવું પડે છે,
દાંત માંજવા પડે છે,
દાઢો છોલવો પડે છે,
વળી નાહવું પણ પડે છે,
એમાં કુદરતી હાજત!!!
ક્યાં આપણા હાથની વાત છે?
કામ પર જાવું પડે છે ,
ખર્ચ કરવો જ પડે છે,
સિગ્નલ પર કરવો પડે છે
ઈંધણનો ધુમાડો
કે બસમાં ખાવા પડે છે ધક્કા .
એમાં વળી કોઈ કહે
કર મન ભજનનો વેપાર
ત્યારે નિષ્ફળ વિદ્યાર્થીની જેમ
સ્યુસાઈડનું થાય છે મન.
(ઉપરની ડાયરીમાં પત્નીસેવાનો ઉલ્લેખ
રહી ગયો સમજવું).

-જ્યોતિકુમાર વૈષ્ણવ

સંબંધોનું જગત

કભી- કભી
કેટલાક સાવ અનજાન
ચહેરાના સંબંધો પણ
પોતીકા જેવા લાગે છે…
બસ, એનું જ નામ તો છે જિંદગી-
મળ્યા કરે નવાનવા ચહેરા
જેની સાથે બંધાઈ જાય
જન્મોજન્મનો દોસ્તાના સંબંધ-
મળીએ, વિખુટા પડીએ
અને ફરીફરી મળીએ…
જાણે નદીનાં જળ
વહેતાં જાય, વહેતાં જાય
એને મળતા જાય
કિનારા નવાનવા….

-જ્યોતિકુમાર વૈષ્ણવ.