છૂટી તરસ, ને મૃગજળી આભાસ પણ ગયો,
રણ સમો કોરાપણાં નો ભાસ પણ ગયો!
આયનો તૂટ્યો, ને જાણે શું ગજબ થયો,
‘હું’પણાં નો રોજીંદો અહેસાસ પણ ગયો!
ઓઝલ થયાં ઉજાસ,ને કલરવ શમી ગયો,
ફૂલોને હવે સૂર્યનો વિશ્વાસ પણ ગયો!
જીંદગી બનતી રહી જાણે કેવી નઝમ!
કાફીયા બેઠો નહિ, ને પ્રાસ પણ ગયો!
થાક્યાં જ્યહી આ હાથ શુનચોકડી રમી,
ધડકનો વિરમી, ને પછી શ્વાસ પણ ગયો!
-ગુરુદત્ત ઠક્કર