કેટલીક ગઝલ – ડૉ. જગદીપ નાણાવટી

આજ બધાયે ઘર આંગણીયે બાળી લંકા
દેશ હજુ છે રામ ભરોસે, છે કોઈ શંકા..??

બેટ ઉલાળી, ચપટી પળમાં મળે કરોડો
આમ નજર કર, કરોડ તોડી રળતાં રંકા

દેશ ઉમટતો અરધી રાતે, ચોરે ચૌટે
વોટ સબબ તો કોઈ નીકળતા નહોતા બંકા

મેચ જીત્યો તો જંગ જિત્યો હો એમ ઉજવતાં
ફોજ જીતે તો કોણ વગાડે છે અહીં ડંકા..??

કેટ કેટલા હાથ હશે ખરડાયા સટ્ટે
આમ જુઓ તો નવટંકી નહીં છે નવટંકા

———————————————-

નફ્ફટ જલસા, યાને હોળી
વાત અમે કાઢી એ ખોળી

ક્વિંટલ, કિલ્લો, ગ્રામ કે તોલા
કોઈ શકે મસ્તી ના તોળી

રંગ ભરી પિચકારી મારો
કીસકા દામન કીસકી ચોળી

એકલ દોકલ કોઈ ના દિસતું
ચારે બાજુ ટોળાં ટોળી

કુંભકરણ ઠઠ્ઠા મસ્તીનો
જાગી ઉઠતો આંખો ચોળી

ખેતર શેઢે, કેસુડાની
રંગ છલકતી ગાગર ઢોળી

ભાંગ મહી પીતા સહુ લોકો
નફરત એક બીજાની ઘોળી

ચાંદો ઉગે થાળી જેવો
હલવા પૂરી, પૂરણ પોળી

ભડભડશે ચોરે ને ચૌટે
સઘળા દુષણ, આગ ઝબોળી

ગમ્મે તેવો હોય છતાંયે
હોળી એટલે બાપુ, હોળી

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌——————————————-

સાવ ના સમજો બરફ અમને, તમે
હુંફથી પીગળી જશું તારી, અમે

શ્રી સવા મેં પાપણે ચિતર્યું, અને
ઢોલ શમણામાં સદાયે ધમ ધમે

કાપવાનું એક બીજાને રહે
ચોકડી ને શૂન રમત, સઘળાં રમે

શ્વાસ સિંચીને ઉછેર્યો જે જનમ
મોતનું વટવૃક્ષ થઈ ઉભો ક્રમે

સુર્યને તો છે સુવિધા રોજની
માનવી તો, આથમે ઇ આથમે

————————————-

ઋણાનુબંધ નામે એક ખાંભી ખોડજો
સ પેરે સ્વાર્થનું શ્રીફળ ધરીને ફોડજો

ચુંટાયું જે રીતે, દેખી કળીઓ થરથરે
હવેથી ફુલ હળવેથી ચમનમાં તોડજો…

બધિરની આ સભામાં એટલું કરજો તમે
લખીને મૌનમાં ભાષણ પછી સંબોધજો

હજીયે ફોતરૂં બચપણની યાદોનું હશે બધાં
ગજવાં કરી અવળા જરા ફંફોસજો

કરી મેં શ્વાસ ખુલ્લાની જરા હદ પાર, તો
બળીને ભસ્મ થ્યો આ આયખાનો તોર

—————————————-

કહ્યું’તું કે શંકાનો ઠળીયો ન વાવો
જુઓ, આજ ઉગ્યા છે અનબન બનાવો

દ્રવી જાય બેશક આ બન્ને કિનારા
અગર મારા પત્રોની હોડી બનાવો

સમયની વછેરીના અસવારને કોઈ
મહેકતી હવા પર સવારી કરાવો

કરૂં જ્યારે સઝદા, ન છલકાય પ્યાલી
મને કોઈ એકાદ નુસ્ખો બતાવો

હવે આતમા સૌ હણાઈ ચુક્યા છે
મરણ નોંધ એની બધાને બતાવો

ખભે લઈ જવાને સદાયે ઓ તત્પર !
અમસ્તાયે અમને કદી કામ આવો

– ડૉ. જગદીપ નાણાવટી

હોળી…એક વૃધ્ધ દંપતિની…

હોળી…એક વૃધ્ધ દંપતિની…

ચાલ ફિલમ “હમદોનો” માફક, રંગ ફરીથી ભરીએ
જે કંઈ થોડા વેશ હજુ બાકી છે પુરા કરીએ

રંગ ઉષાનો શ્વાસ ભરી, ઝાકળ ઝીણી ઓઢીને
સહેજ અડપલે એક બીજાને વહાલ થકી ભિંજવીએ

ગાલ તણો ગુલ્લાલ ભરીને યાદોની પિચકારી
ધ્રુજતા હાથે મારૂં ત્યારે બન્ને બોખું હસીએ

ફાગણ બાગણ ઠીક ભલા, દિકરાનાં માગણ છઈએ
ડાળ લઈ કેસુડા કેરી ડગમગ પંથ નીસરીએ

સઘળી ઘટના કડવી આજે, ડહાપણ ચોકે ખડકી
લાગણીઓની દિવાસળીએ હૂંફની હોળી રચીએ

ડૉ. જગદીપ નાણાવટી

ગઝલ – ડૉ. જગદીપ નાણાવટી

સ્તબ્ધતાના શહેરમાં પગરવ બનીને નીકળ્યો
રામ સામે અશ્વમેઘે લવ બનીને નીકળ્યો

વ્રત ધરીને શાંત ઉભા મોરના ટહુકા તણા
મૌનના પડઘે ફરીથી રવ બનીને નીકળ્યો

આયને સંબંધના પ્રતિબિંબ સઘળા જોઇને
પાર્થનું સંધાન થઈ, અવઢવ બનીને નીકળ્યો

અવનવા મીઠા અને કડવા પ્રસંગો પી ચુક્યા
બોખલા મુખથી શબદ, આસવ બનીને નીકળ્યો

બે નઝર ટકરાઈ ને તણખો ઝર્યો જે ઈશ્કનો
એક તારી હા પછી એ દવ બનીને નીકળ્યો

જીંદગી પર્યંત બધાંયે વેશ મેં ભજવી લીધાં
એક જે બાકી હતો, એ શવ બનીને નીકળ્યો

-ડૉ. જગદીપ નાણાવટી

ગઝલ – ડૉ. જગદીપ નાણાવટી

સજા તેં જીવનની દીધી ત્યારની
હું ચક્કી પિસું શ્વાસની, ત્યારની

પડી દોસ્તોના શહેરમાં જુઓ
તડાપીટ ખંજર ખરીદનારની

સમયના પડીકે ઉતાવળ દીધી
પડી ના સમજ અમને વ્યવહારની

અસર મૌન કરતું હદે કેટલી
કહી કાનમાં વાત ચકચારની

દવા ને દુઆના સતત જંગમાં
કફોડી દશા, હાય બિમારની

– ડૉ. જગદીપ નાણાવટી

દુનિયાના આકાશે ઉડતાં આપણ સૌ પતંગ રે – ડૉ જગદીપ નાણાવટી

દુનિયાના આકાશે ઉડતાં આપણ સૌ પતંગ રે
નાના મોટા રંગબીરંગી જેવો જેનો રંગ રે

કોઈની દોરી ટૂંકી, કોઈની લાંબી જેવા ભાગ રે
કો’ આંબે આકાશે, કોઈની ઠુમકીઓ બેઢંગ રે

એક બીજાની હુંસા તુંસી, કાઇપો કાઇપો થાય રે
ખેંચ ખેંચમાં વીટવું ભુલતા, ગુંચળામાં સહુ તંગ રે

એક ઉડે ગંભીર સ્થિર થઈ, એક ફુદકતો જાય રે
સ્થિત પ્રગ્નને વંદી સઘળા, રહેતા કાયમ દંગ રે

ક્યાંક ફાંટવું, સહેજ તુટવું, જીવનની ઘટમાળ રે
લાગણીઓની લુબ્દી મારો, ઘાવ ભરેલા અંગ રે

સાંજ પડે ને વહેલુ મોડું, છે જ કપાવું પંડ રે
કોઈ ઝાંખરે, ઉડવા પાછું, કોઈ અલખને સંગ રે

ડૉ. જગદીપ નાણાવટી

ડૉ જગદીપ નાણાવટીની બે ગઝલ

સમાધાન થોડું કરો કંટકોથી
પછી મહેકશે જીદગી ખુશ્બુઓથી

તને એનો અંદાઝ પણ હોય ક્યાંથી
ઝખમ વણ ઉકેલ્યા મળ્યા દોસ્તોથી

ખુદ્દા વાત થાશે તમારી, એ ડરથી
રહું સહેજ છેટો હવે મસ્જિદોથી

તમે જો પ્રતિબિંબ થઈને જ આવો
ચરણ હું પખાળું નર્યા મૃગજળોથી

પ્રથમ વાર પહોંચ્યો કબરની લગોલગ
રહ્યો આજીવન દુર હું મંઝિલોથી

ડૉ જગદીપ નાણાવટી
__________________________________________________

આયને ચહેરો ઉતારી આવ તું
ને પછી મન આપણા સરખાવ તું

રે..! કિનારે પથ્થરો તો સૌ બને
એક પરપોટો બની બતલાવ તું

સાત દરિયા પાર કરનારા, થશે
બે જ ઘુંટે જામમાં ગરકાવ તું

દે ખુદા મરહમ સરીખો હમસફર
તે પછી દેજે સફરમાં ઘાવ તું

માંડ શમતાં લાગણીના પૂર જ્યાં
ત્યાંજ પાલવ રેશમી સરકાવ તું

જીંદગી આખી છુપાયો તું, હવે
હું છુપાયો કબ્રમાં, દે દાવ તું

ડૉ જગદીપ નાણાવટી

બે ગઝલ – ડૉ. જગદીપ નાણાવટી

જીવનની સાપ સીડીના અમે મહોરા હતાં
કદી ટોચે કદી તળીયે ભટકનારા હતાં

નથી અમથો તમારો બાગ નફરતનો ખિલ્યો
તમારી લાગણી ખાતર-અમે ક્યારા હતાં

અમારી આંખ ફરકે, દિલ જરા થડકે વધુ
તમારા આગમનના બે જ વરતારા હતાં

કલમમાં શાહી ક્યાં, લોહી અમારૂં બોલતું
તમે માન્યુ અમે અવસર ઉજવનારા હતાં

ઝઝુમ્યો મોત સામે, જીદગી આખર સુધી
બધા કહેતા, ખુદાને કેટલા પ્યારા હતાં

—————————————

સહજતા પામવી કપરી ઘણી છે
મુલાયમ કાચ પર હીરા કણી છે

સમયના કાંગરા ભુલી ગયા કે
ઈમારત સાવ તળીયેથી ચણી છે

તમારી હર અદા, મૃગજળ સરીખી
અમે ઓ બેવફા, અંગત ગણી છે

ભલે ગાતા ન હો, જાહેરમાં પણ
ગઝલ મારી બધાએ ગણગણી છે

સતાવ્યા જીંદગીના સહુ, સુતા છે
મઝારે એક સરખી લાગણી છે

– ડૉ. જગદીપ નાણાવટી

બે ગઝલ – ડૉ. જગદીપ નાણાવટી

હજી ચીઠ્ઠી ખોલી મેં તારા ગામની
નરી ખુશ્બુ આવી રે તારા નામની

ભરી મહેફિલને સહેજે ગરમાવવા
કરો હરકત બે, બરકત “બેફામ”ની

નથી તસ્બીથી પામ્યા અલ્લાહને
પછી ઈર્ષ્યા કરે કાં, એ જામની..?

તને શમણે મળીને આંખ ખોલતાં
જુઓ ઝાકળ બાઝી ગઈ બદનામની

મને દફનાવ્યો, કારણ બસ એજ છે
નડી અમને પણ શંકા શ્રી રામની

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌——————————————-

પડઘા સાથે ખામોશીના સગપણ જેવું
જીવતર મારૂં અંધારામાં દર્પણ જેવું

ખુશ્બુ તારી, ના હો સહેજે, શ્વાસોમાં જો
મધમાં લાગે ખુટતું હો કંઈ ગળપણ જેવું

જે કંઈ છે તે આ છે અલ્લાહ, મયખાનામાં
પ્યાલીને તું સમજી લેજે તર્પણ જેવું

મારૂં હોવું મહેફિલ વચ્ચે તારી, જાણે
પગમાં ચોંટી મેલી શી એક રજકણ જેવું

ક્ષણના તાણા વાણા વણતાં ઘટના સાથે
પહેરી લીધું આખર પહેરણ ઘડપણ જેવું

ખુલ જા સીમ સીમ બોલ્યા ન્હોતા, તોયે ખુલતાં
મૃત્યુના આ દ્વારે લાગે અડચણ જેવું

– ડૉ. જગદીપ નાણાવટી

ગઝલ – ડૉ જગદીપ નાણાવટી

રણ નગર, મૃગજળ ગલી
આટલી ઓળખ ભલી

એક શમણે ટળવળું
રાત આખી પાછલી

કેટલા દરિયા વહ્યા
આંખ બે જ્યારે છલી

પ્રાણ વાયુ છે છતાં
સૌ ફફડતી માછલી

છે શિલાલેખો બધાં
ગાલ પરની કરચલી

લાશ ક્યાં બોલે કદી
જે હરી, કે યા અલી

-ડૉ જગદીપ નાણાવટી

એક ગઝલ – ડૉ. જગદીપ નાણાવટી

એક સન્નાટો બધે વ્યાપી ગયો
શબ્દ સઘળું મૌનને આપી ગયો

યાદને રણ, ખ્યાલ સુધ્ધા આપનો
કેટલી ૠતુઓને ઉપસાવી ગયો

બંદગીનો સાવ ખોટો રૂપિયો
બાખુદા વ્યવહારમાં ચાલી ગયો

જીંદગી શું ચીજ છે તારા વિના
એક ખાલી જામ સમજાવી ગયો

રે અભરખો સૂર્ય થાવાનો સતત
આગીયામાં આગને ચાંપી ગયો

શ્વાસને જે પારણાં ઝુલાવતાં
રેશમી એ ડોર તું કાપી ગયો

ડૉ. જગદીપ નાણાવટી