ચાર કાવ્યો – ડૉ. નિરંજન રાજ્યગુરુ

ચાર કાવ્યો- ડૉ. નિરંજન રાજ્યગુરુ

આ શ્વાસ-ઉચ્છવાસ, કહો કેટલી ઘડી ?
નેણાં મહીં ઉજાસ, કહો કેટલી ઘડી ?
કંઇ કંઇ તુમાખી તોર, ભરીને ઘણું ભમ્યા ફુગ્ગામાં વાગી ફાંસ, કહો કેટલી ઘડી ?
અધિકાર લઇ ઊભા’તા, કરવાને દિગ્વિજય
દમનો દિવાને ખાસ, કહો કેટલી ઘડી ?
પુષ્કળ પ્રતીતિ હોય કે આ દાવ જીતશું ત્યાં ફેકવાને તાસ, કહો કેટલી ઘડી ?
ગુલજારમાં, ફૂલોમાં, અત્તર બજારમાં મૂર્દા કીડીની વાસ, કહો કેટલી ઘડી ?
સિજદા, સલામી ખૂબ ઝીલંતો રહ્યો ભલા ! બાંધ્યો નનામી વાંસ, કહો કેટલી ઘડી ?
ચક્કર ભમે છે બાજ, ઇ ચકલીને ક્યાં ખબર ?
ચીં ચીં ના પાડે ચાસ, કહો કેટલી ઘડી ?
વાંભું ભરી કટારી લઇ કાળજું ચીરે વાહ ! દુશ્મની આભાસ, કહો કેટલી ઘડી ?


મેલી ચલમ ઉપર ચિનગારી. ચેતમ ચતુરંગી અસવારી, ભિતર ભડકા ભારીભારી,
– મેલી ચલમ ઉપર ચિનગારી…
ઘૂંટ નશીલો, ઝાકળનાં કણ ઝીલી, ફૂંક મદિલી,
લીલી લીલી ઝાંય ફણીધર બેઠો થ્યો પળવારી… – મેલી ચલમ ઉપર ચિનગારી…
રુડી મોરલી બાજી, ગારુડી કૂડી નજરને બાંધી,
ઊઠી આંધી, રણની કાંધી, ખૂલે બંધ ભરમની બારી… – મેલી ચલમ ઉપર ચિનગારી…
જડી બુટીની જડી, હાથમાં પડી, અચાનક અડી, ને ઘમ્મર ઘમ્મ વલોણું, ફાવી નૈં કૈં કારી, બેઠો હારી… – મેલી ચલમ ઉપર ચિનગારી…
જોગંદરની ધૂણી, ખૂલી ગૈ પૂણી, સૂણી જ્યાં વાત,
અજબ ગિરનારી, ભરોંસા તેરા ભારી, વારી…
– મેલી ચલમ ઉપર ચિનગારી…


સૂરજ ઊગી ગિયો આથમણે કોર નીકળી, કિરણો ફૂટયાં તડાક્ દઇને તિમિર તૂટયાં શું બિંબ ઝળોહળ બમણે… – સૂરજ ઊગી ગિયો આથમણે…
શરત મૂકીને સાંઇ ! તમે બાંધેલો વજ્જર દોરે ;
પતળેલા આ પિંડ પાંસરો, કીધો ઘોર-અઘોરે ;
મીણ મિનારે આસન દઇ, સળગાવ્યો ધરખમ ધમણે… – સૂરજ ઊગી ગિયો આથમણે…
અંધારાં ઓઢાડયાં, પોઢાણ પવન પતંગી સેજ ;
સોડે સળવળ સાપણ કરતી ફૂંફાડા ભૈ તેજ ;
એક જ લબકારો બસ, ભાંગ્યાં ભવભવ કેરા ભ્રમણે…
– સૂરજ ઊગી ગિયો આથમણે…
કલંદરીનો કાવો પી, દમ માર્યો દીવાદાંડી ;
કોણી લગ શું ?પ્રજળી ઊભી મેર-સુમેરૂ કાંડી ;
તરવેણીને તીરે જામી, રાસલીલા રસ રમણે… – સૂરજ ઊગી ગિયો આથમણે…


શું આ કોલાહલ અંદરનો ?
કે કંઇ સાદ પડ્યો સુંદરનો ! – શમણું ? આ અનુભવ ઘરનો ?… ઉપર જોતાં શાંત બધું, નિઃસ્તબ્ધ, સ્વસ્થ ન તરંગ અંગ, ના છંદ સ્પંદ, ને શિતલ કિરણ ચંદરનો – હળવો હાથ અડયો હરિવરનો ?
મુરલી નાદ બજ્યો ! મહાવરનો ?
– શમણું ? આ અનુભવ ઘરનો ?…
ભીતર ભડકા, લપકારા, વીજ ચમકારા, ઘન મંડલ વરસે ધારા, હરદમ પ્રજળે-ઉજળે-ઉછળે કણ કણ નિજ ખંડરનો- મહેક્યો દરિયો કિયાં અત્તરનો ! વરમંડ પિંડ ઘાત વજ્જરનો ! – શમણું ? આ અનુભવ ઘરનો ?… ખળભળ મેરુ, ઝળહળ જ્યોતિ, ચમક્યું મોતી ઉદાસીન આથમણે મારગ, વીજ લીસોટે ઝમકારો ઘુંઘરનો – જડ ચેતન ભેદ મિટયો થર થરનો લીલાગર કેફ ચડયો ! પદરવનો ?
– શમણું ? આ અનુભવ ઘરનો ?… સિંહત્રાડ, લાળી, કિકિયાટા, ચિચિયારી, બે હંભા, ચીં ચીં, હસવું, ભસવું, ધસવું, શમવું અજબ અજાયબ, અકળિત ઓચ્છવ ભરડો છે અજગરનો – ગળીને અરથ સહુ અક્ષરનો – શમણું ? આ અનુભવ ઘરનો ?…

– ડો.નિરંજન રાજ્યગુરુ
ગુજરાતના જાણીતા કવિ, સાહિત્યકાર, સંશોધક, લોકવિદ્યાવિદ્, લોકગાયક અને દૂરદર્શન ટી.વી.-રેડિયોના જીવંત પ્રસારણોમાં લાઇવ કોમેંટ્રી આપનારા તજજ્ઞ કલાકાર

Dr. NIRANJAN RAJYAGURU (M.A.,Ph.D.) ANAND ASHRAM, GHOGHAVADAR,
Ta. GONDAL,Dist. RAJKOT
GUJARAT (INDIA) 360 311.
Mo.98243 71904 , ( Tel :02825 271 582 )
ડો.નિરંજન રાજ્યગુરુ ગુજરાતના જાણીતા કવિ, સાહિત્યકાર, સંશોધક, લોકવિદ્યાવિદ્, લોકગાયક અને દૂરદર્શન ટી.વી.-રેડિયોના જીવંત પ્રસારણોમાં લાઇવ કોમેંટ્રી આપનારા તજજ્ઞ કલાકાર છે. તેઓ દિલ્હીની રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીમાં ગુજરાતી ભાષા-સાહિત્ય એડવાઇઝરી બોર્ડના સદસ્ય તરીકે, ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદની મધ્યસ્થ સમિતિના સભ્ય તરીકે અને પ્રસારભારતી આકાશવાણી રાજકોટની કાર્યક્રમ માર્ગદર્શક કમિટિના સભ્ય તરીકે સેવાઓ આપી રહ્યા છે.
ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે તથા પી.એચ.,ડી ના પરીક્ષક તરીકે પણ માન્યતા ધરાવે છે. તેમના સંતસાહિત્ય, લોકસાહિત્ય, ચારણીસાહિત્ય અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાસંશોધન-અભ્યાસના ફળસ્વરૂપે વીસેક જેટલા પુસ્તકો પ્રકાશિત થયાં છે.

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં આવેલા ઘોઘાવદર ગામના વતની શુધ્ધગાંધીવાદી, પ્રખર આર્યસમાજી, આચાર્ય સહિત્યકાર કવિશ્રી વલ્લભભાઇ રાજ્યગુરુને ત્યાં માતા વિજ્યાબેનની કૂખે તેમનો જન્મ તા.૨૪-૧૨-૧૯૫૪ના રોજ થયો. પ્રાથમિક શિક્ષણ ઘોઘાવદરમાં, માધ્યમિક અને સ્નાતક કક્ષા સુધીનું શિક્ષણ ગોંડલમાં મરમી કવિશ્રી મકરન્દ દવેને ત્યાં રહીને, તથા અનુસ્નાતક અને પી.એચ.,ડી. કક્ષાનો અભ્યાસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે રહીને પૂર્ણ કર્યો. ભજનિક સંત કવિ દાસી જીવણના જીવન અને કવન વિષયે ૧૯૮૨માં તૈયાર કરેલો મહાનિબંધ ભજનસાહિત્યના સંશોધનક્ષેત્રે અનન્ય ગણાયો છે.રાષ્ટ્રીય કક્ષાની ડો.હોમી ભાભા ફેલોશિપ, સાહિત્ય અકાદમી ફેલોશીપ, કવિ શ્રી કાગ એવોર્ડ, શિવમ એવોર્ડ, દાસી જીવણ એવોર્ડ, ભુવનેશ્વરી એવોર્ડ, ફૂલછાબ કલા સાહિત્ય એવોર્ડ ૨૦૧૧ જેવાં અનેક સન્માનો તેમને મળ્યાં છે. ગોંડલથી સાત કિલોમિટરના અંતરે ગોંડલ-આટકોટ સ્ટેટ હાઇવે પર આવેલા આનંદ આશ્રમમાં સાત હજાર અપ્રાપ્ય પુસ્તકોનું સંદર્ભ ગ્રંથાલય, હસ્તપ્રતભંડાર, ૬૦૦ જેટલી કેસેટસમાં પરંપરિત ભક્તિસંગીત-લોકસંગીતનું ધ્વનિમુદ્રણ સચવાયાં છે. છેલ્લા વીશેક વર્ષથી જીવદયા અને ગૌસેવાની પ્રવ્રુતિઓ તથા અન્ય સેવાકાર્યો થાય છે. હાલમાં આશ્રમમાં બાવીશ ગાયોની ગૌશાળા કાર્યરત છે.

મિત્રો,
આજે જેમને આપણા ગુજરાતના લોકસંગીત, ભક્તિસંગીત, સંતસાહિત્ય, લોકસાહિત્ય, ચારણી, બારોટીસાહિત્ય, વિવિધ સંતપરંપરાઓ અને સંતસ્થાનકો વિશે પ્રમાણભૂત માહિતી મેળવવાની જિજ્ઞાસા હોય તેમના માટે અત્યંત ઉપકારક એવી વેબસાઈટની વાત કરવી છે. હા, વાત છે http://www.ramsagar.orgની.
આપણે સૌ ગુજરાતના એક અલગારી સંશોધકને ઓળખીએ છીએ. છેલ્લાં પંદરેક વર્ષથી જન્માષ્ટમીના દિવસે વહેલી સવારથી રાત્રીના એક વાગ્યા સુધી દ્વારકાના જગતમંદિર ખાતેથી દૂરદર્શનની ગિરનાર ચેનલ પર થતા જીવંત પ્રસારણમાં જેઓ લાઈવ કોમેન્ટ્રી આપે છે અને અનેક ડાયરાઓમાં સંચાલક તરીકે કે વકતા ભજનિક તરીકે જોયા સાંભળ્યા છે એવા કવિ સાહિત્યકાર સંશોધક ડૉ.નિરંજન રાજ્યગુરુએ ત્રીશેક વર્ષ કચ્છ સૌરાષ્ટ્રના ગામડાંઓમાં ફરીને લોકભજનિકો અને લોકગાયકો પાસેથી કંઠસ્થ પરંપરામાં સચવાયેલાં હજારો પ્રાચીન ભજનો, ધોળ, કીર્તન, રાસ, રાસડા, ગરબા, ગરબી, દુહા, છંદ, લોકવાર્તાઓ જેવી અમૂલ્ય અને આજે ધીરે ધીરે લુપ્ત થઈ રહેલી ઓડિયો સામગ્રીનું ધ્વનિમુદ્રણ કર્યું છે, એમાંથી પોતાની વેબસાઈટ ઉપર કોઈપણ જિજ્ઞાસુ એને વિના મૂલ્યે જોઈ સાંભળી વાંચી શકે એ રીતે રજૂ કરી છે. જેમાં દરરોજ નવી સામગ્રી મૂકાતી રહે છે, અને સંશોધન માટે ભવિષ્યનાં સ્વપ્નાંઓ પણ દર્શાવ્યા છે.
નિરંજનભાઈ દ્વારા લખાયેલાં સંતસાહિત્ય, ચારણીસાહિત્ય, બારોટી વંશાવળી સાહિત્ય, લોકસંગીત, ભક્તિસંગીત, લોકવાર્તાઓ, હસ્તપ્રતો, ગુજરાતના તંબૂરસેવી ભજનિકો, ગુજરાતી ભજનપ્રકારો, સંતો ભક્તકવિઓ, નારી સંતો વગેરે વિષયના લેખો અંગે તથા ગુજરાતી ભાષામાં નિરંજનભાઈનો સંપૂર્ણ પરિચય, આનંદ-આશ્રમની સાહિત્ય સંશોધનની તથા લોકસેવા ગૌસેવાની પ્રવૃત્તિઓની વિડિયો ફિલ્મની સાથોસાથ તેમનાં હાલ અપ્રાપ્ય એવાં ‘બીજમારગી ગુપ્ત પાટ ઉપાસના’, ‘મરમી શબદનો મેળો’ અને ‘સૌરાષ્ટ્રનું સંતસાહિત્ય’ જેવાં પુસ્તકો પણ આ જ વેબસાઈટ પરથી આખાં વાંચી શકાય છે. વિશ્વના કોઈપણ ખૂણે વસતા જિજ્ઞાસુઓ માટે, જેમને ગુજરાતના પ્રાચીન પરંપરિત ભક્તિસંગીતના સંધ્યાથી માંડીને પ્રભાતિયાં સુધીના ભજનપ્રકારો એના મૂળ તળપદા ઢાળ ઢંગમાં સાંભળવા હોય, સાથોસાથ સંતવાણીના સર્જકો સંત ભકતોના જીવન વિશેની પૂર્ણ પ્રમાણભૂત માહિતી મેળવવી હોય, અને અનેક લોકપ્રિય ભજનોના શુદ્ધ પાઠ લિખિત રૂપમાં જોઈતા હોય એમના માટે તો આ વેબસાઈટ અણમોલ ખજાનારૂપ થઈ પડે એવી છે. એમાં ઓડિયો ધ્વનિમુદ્રિત સંતવાણી ભજનો, ગંગાસતીનાં તમામ ભજનોના પાઠ સાથે પરંપરિત ભજનિકોના કંઠે ગવાયેલાં બધાં ભજનો, ચાલીશેક પરંપરિત પ્રાચીન ભજનિકોના કંઠે ગવાયેલાં ભજનોની વિડિયો ક્લિપ્સ, મરમી કવિશ્રી મકરન્દ દવેનાં કાવ્યોનું ગાન, સંતોનાં પ્રવચનો, સંશોધન લેખો, ૧૦૦થી વધુ ફોટોગ્રાફસ અને આખાં પુસ્તકો એમ સપ્તવિધ સામગ્રીરૂપે આપણો ધીરે ધીરે વિસરાતો જતો અમૂલ્ય વારસો સાંચવવામાં આવ્યો છે. એક યુનિવર્સિટી કે અકાદમી જેવી સરકારી સંસ્થા જ કરી શકે એવું કાર્ય એકલે પંડે કરીને નિરંજનભાઈ અભિનંદનના અધિકારી બન્યા છે.
મકરન્દભાઈના મનમાં એક સ્વપ્ન હતું. ભજન વિદ્યાપીઠ ઊભી કરવાનું. ડૉ.હરિવલ્લભ ભાયાણી સાહેબ સાથેના એમના પત્રવ્યવહાર ‘સેતુબંધ’માં એમણે અને ભાયાણીસાહેબે આ અંગે ખૂબ જ વિચારણા અને ચિંતાઓ પ્રગટ કરેલી, એ પછી નિરંજનભાઈ સાથેના પત્રવ્યવહાર ‘મરમ જાણે મકરન્દા’માં પણ મકરન્દભાઈએ ભજન સંતવાણીના સંશોધન અંગે પોતાના મનોરથો પ્રગટ કરેલા. કચ્છ સૌરાષ્ટ્રના ગામડાંઓમાંથી કથા દંતકથા, ગીતો લોકગીતો, સંત, સાહિત્ય લોકસાહિત્ય, બહારવટિયા ને પાળિયાની વાતો ભેગી કરનાર ઝવેરચંદ મેઘાણીના પગલાંની છાપનું પગેરું દબાવીને મકરન્દભાઈની પ્રેરણાથી આ શાણા સંશોધક, કર્મનિષ્ઠ કલાકાર, અજાચક અભ્યાસુએ લેખો, પુસ્તકો, કાર્યક્રમો ઉપરાંત ગામડે ગામડે કંઠોપકંઠ સરકતી સાહિત્ય સરિતાને કેસેટમાં કંડારી લીધી ને પાંચ પચ્ચીસ નહીં, પૂરા સાડા છસો કલાકનું રેકોર્ડીંગ કરીને લુપ્ત થતા વારસાને જાળવી રાખવાના નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો કર્યા.
આ વિશિષ્ટ સંશોધન યાત્રામાં એમને ગુજરાત સાહિત્ય અકાદમી સંશોધન ફેલોશિપ, બી.કે. પારેખ ફાઉન્ડેશન રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ અને ડૉ.હોમી ભાભા ફેલોશીપ મળેલી. આવી ફેલોશીપ મેળવનારા તેઓ ગુજરાતભરમાં પ્રથમ છે. ઉપરાંત રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ અનેક પરિસંવાદો, શિબિરોમાં વકતા અને ચર્ચક તરીકે આમંત્રણ પામી ચૂકયા છે. તેમના જણાવ્યા મુજબ ભજનગાનનું એક ચોક્કસ વિજ્ઞાન છે, એક તો જાણે એ નાદબ્રહ્મની ઉપાસના છે. એની સાથે ચોક્કસ સાધના સાથેનો શબ્દ જોડાયેલો છે. એનો અર્થ છે, પરંપરા છે. એની પરિભાષા છે. પણ તેની સાથે સાથે એ શબ્દ જ્યારે ગવાય છે, સ્વરમાં આવે છે ત્યારે સાહજિક રીતે જ એનો પ્રભાવ અનેકગણો થઈ જાય છે. એક ભજનિક જ્યારે ભજન ગાવા બેઠો હોય ત્યારે સ્વાભાવિક રીતે તેણે પલાંઠી વાળી બેસવું પડે. પદ્માસન આપોઆપ વળી જાય. એના ખોળામાં રામસાગર હોય. જે તેને તાલ સ્વર અને સૂર આપે તેવું લોકવાદ્ય છે. ભજનિકને ભજનના શબ્દો યાદ રાખવા પડે, તો જ એ ગાઈ શકે. તે સાથે સાથે શબ્દોના આરોહ અવરોહ, રાગના ભાવ મુજબ તેના શ્વાસોનું નિયમન આપોઆપ થાય. જે ભજન જે સ્વરોનું હોય એ સ્વર સુધી એણે પોતાના અવાજને પહોંચાડવાનો હોય. એટલે ત્યાં સુધી પહોંચવા તેણે પ્રાણ ઉપર નિયંત્રણ રાખવું જ પડે. પ્રાણ ઉપર નિયંત્રણ રાખે એટલે સહજ રીતે એના પ્રાણની ગતિ ભજનના લયની ગતિ સાથે એકરૂપ થાય. એની સાથે તેની સૂરતા તો શબ્દમાં જ હોય. શબ્દમાં એની સૂરતા રમમાણ હોય. લગન, ધ્યાન, તલ્લીનતા ભજનમાં જ હોય. તેનો અર્થ એ જાણતો હોય કે આ વિરહનું ભજન છે કે મસ્તીનું ભજન છે. ગુરુમહિમાનું પદ હોય કે ઉપદેશનું પદ છે તે તેને ખબર હોય. ભજન જ્યારે ગવાતું હોય ત્યારે ગાયક તો એ ભાવમાં હોય પણ આખો શ્રોતાસમુદાય પણ એ જ ભાવમાં હોય. તેવી સમજથી ભજનો ગવાતાં. આજે એ પરંપરા લુપ્ત થવાને આરે છે ત્યારે એને એના મૂળ સ્વરૂપે જાળવી લેવાનો પ્રયાસ કરનારા આ અલગારી શબ્દસાધકને આપણે ભાવથી વધાવીએ.
પ્રા.ડૉ.મનોજ જોશી, રાજકોટ

સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતના સંત સાહિત્ય, લોકવિદ્યાઓની તમામ શાખાઓ, લોકસાહિત્ય, ચારણી-ડિંગળી સાહિત્ય, મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, વિવિધ સંત પરંપરાઓ, તેમના સિધ્ધાંતો, વિવિધ સાધના – ઉપાસના પધ્ધતિઓ અને સંતવાણીની મૂળ પરંપરાઓ વિશે પ્રમાણભૂત સંશોધન – અધ્યયન – સંપાદન – પ્રકાશન – પ્રસાર કરતી એકમાત્ર સંસ્થા એટલે…
સત નિર્વાણ ફાઉન્ડેશન, આનંદ આશ્રમ, ઘોઘાવદર, ગોંડલ, જી. રાજકોટ
http://www.ramsagar.org/