સ્ત્રી ભૃણ હત્યા – ડૉ પ્રવીણ સેદાની

Stree nu Brun parikshan ane pachhi brun hatya!!!!

સ્ત્રી ભ્રુણ હત્યા !!

આ વણજન્મેલી વૈદેહીની વેદના તું વિચારી જો.
લોહીથી લથપથ લાગણી વચ્ચે ખુદ તારી તું કલ્પી જો.

પાંચાલીની શક્તિ તારી, મહાભારત જો રચી શકે .
અંબા દુર્ગા કાળીને એક અવસર તો આપી જો .

ગુંગળાતા હિબકતા ડુસકા ,ઉગ્યા પહેલા આથમતા,
ચંદ્ર સરીખી પ્રતિકૃતિને એક વખત અવતારી જો.

કુળદીપકની કેવી ઝંખના જે રૂંધે પાપા પગલીને ,
દંભી સામાજિક મુલ્યોને એક ઠોકર તો મારી જો.

– ડો સેદાની

જન્માષ્ટમી- ડૉ પ્રવીણ સેદાની

”જન્માષ્ટમી”

આસપાસ ઈશ્વરના હોવાનો અહેસાસ માત્ર માનવીના ચિત્તને શાતા આપે છે.માધવની અવતરવાની
વેળાએ માથે હાથ દઈને બેઠલા આપણે પુરુષાર્થને પાંગળો તો નથી બનાવતાને? પ્રારબ્ધના તો પાંચ જ ટકા હોય શકે પંચાણું નહિ. અરે માધવને માનવી તરીકે તો મુલવીએ! કંસવધથી કુરુક્ષ્શેત્ર સુધી-ભારોભાર પુરુષાર્થ
જ ટપકતો દેખાય છે ને ?માધવને માધવની મદદ માંગતો કદી કોઇયે દીઠો છે?
ઈશ્વરનું અસ્તિત્વ છે? શ્રધાળુંને કશા પુરાવાની જરૂર નથી અને અશ્રધાળું કોઈપણ
પુરાવો માનવાનો નથી! અચાનક વાતાવરણમાં પ્રસરતી ખુશ્બુ પણ માનીએ તો ઈશ્વરનો અહેશાસ છે.
માધવની અવતરવાની આ વેળા -કંસના કારાગૃહમાંથી મધરાતે અચાનક વાંસળીના એક સુરનું-એક સુગંધનું મથુરાથી ગોકુલ તરફનું પ્રયાણ એ લાગણીને આ કાવ્યમાં મેં ભરી છે. ‘

” જન્માષ્ટમી”

મથુરા નિષ્પ્રાણ થઇ, હવે ગોકુળિયું મઘમઘશે.
વૃંદાવનની ગલી ગલીમાં વાંસળી થઇને ફરશે.

શિશુ સાથે શેષનાગ પણ રક્ષે બંસી સુરને,
ચરણ સ્પર્શીને શમવુજ્ પડેને યમુનાના આ પુરને.

ચૌદ ભુવનનો નાથ છુપાઈ, કરંડિયામાં મલકે.
નંદ ઘરનો ઉલ્લાસ જગતના અણુ અણુમાં પ્રસરે.

મોરપિચ્છનું મેઘધનુષ્ય હવે, અવની પર કોઈ રચશે.
યુગપુરુષ ઝંખતી આંખોમાં, હર્ષબિન્દુ તગતગશે.

– ડો સેદાની

ગોધરા કાંડ – ડૉ પ્રવીણ સેદાની

મિત્રો,
૧૯૪૭-હિન્દુસ્તાનની આઝાદીની પૂર્વ સંધ્યા -હિન્દુસ્તાન પાકિસ્તાન બે ભાગલા માં વહેચાયું -એ સમયે બંગાળમાં નોઆખલીમાં હિંદુ મુસ્લિમ વચે ભયંકર કોમી રમખાણ ફાટી નીકળ્યા !
એ સમયે દીલ્લ્હીમાં ખેલાઈ રહેલા રાજકીય કાવાદાવાથી અલિપ્ત એવા અલગારી મહાત્મા ગાંધી નોઆખલીમાં આ કોમી દાવાનળને શાંત પાડવા પહોચી ગયા હતા.
એ પ્રસંગે મુંબાઈમાં વસતા શ્રી શાંતિલાલ શાહ એ પૂજ્ય બાપુ પર એક કવિતા લખીને ગાયેલી જેની રેકોર્ડ પણ બહાર પડેલી! એ કવિતાના આધારે ગોધરા કાંડ બાદ ફાટી નીકળેલા અમદાવાદના કોમી હુલ્લડ વખતે મેં એક કવિતા લખેલી જે ગુજરાતના બધા અખબારોમાં એક સાથે પ્રસિદ્ધ થયેલી. -તમને ગમશે?
– ડો સેદાની

”ગોધરા કાંડ”

અમદાવાદની પવિત્ર ધરતી સૌથી બની અનોખી,
નિજ બાંધવના રક્ત બિંદુએ રજ રજ રંગી દીધી.
કોઈના બાળક કોઈની બેની કોઈની માતા પોઢી ,
કોઈ પ્રિયાના પ્રીતમ દેવે અગન પિછોડી ઓઢી.
અંગે અંગે રાગ દ્વેષની ભીસણ આગો પ્રગટી,
ઝખમ થયા અંતરમાં ઊંડા પીડા આકરી ઉપડી.
ઔષધ લઇને હકીમ આવો હરવા તમામ રોગો,
ઓ સ્વર્ગ દેવતા એક વાર આ માનવ હદય ખોલો.

નિશદિન જેની શીતલ છાંયે માનવ બાળક રમતા,
હાય આજ ત્યાં વાઘ દીપડા ગીધડા ભોજન કરતા.
મુરદાને સંજીવન કરવા લાવો પ્રેમ કટોરો ,
ઓ સ્વર્ગ દેવતા એક વાર આ માનવ હદય ખોલો.

મંદિર ને મસ્જીદના સુણજો બોલી રહ્યા મિનારા ,
હિંદુ મુસ્લિમ બેઉ લાલ છે ભારત મા ના પ્યારા .
ઝેર બધું આ પીવા હવે આવે શંકર ભોળો,
ઓ સ્વર્ગ દેવતા એક વાર આ માનવ હદય ખોલો.

ભાગ્ય હીન આ ભૂમિ ઉપર ભાઈ ભાઈ જો જગડે
ભાન ભૂલીને ખંજરથી નિજ માનવ અંતર ચીરે.
રાંક બિચારી બેનીની પણ લાજ આબરૂ ઢાંકી ,
કીધા અત્યાચાર ઘોર રે પાપ લીલા વિસ્તરી.
આંસૂ આજ લુછવા દો અમને નથી નીરખવા દોષો ,
ઓ સ્વર્ગ દેવતા એક વાર આ માનવ હૃદય ખોલો.

પ્રેમ અગ્નિની ધુમ્ર શિખાઓ ઉંચે ગગને ઉડજો,
બિરાદરીના ભેદભાવને બાળી નિર્મૂળ કરજો.
લીલા ભગવા દૈત્ય દાનવના આજ સિંહાસન ડોલો,
ઓ સ્વર્ગ દેવતા એક વાર આ માનવ હદયને ખોલો.

– ડો સેદાની