આજે બગીચામાં ફૂલોએ બગાવત કરી છે.
ચર્ચાએ આજ ચારેકોર જમાવટ કરી છે.
એજ હાથમાં કા અમારી મોતનો સામાન?
જે હાથોએ સતત અમારી હિફાઝત કરી છે.
હસતા રહ્યા અમે એક રંગીન ભ્રમમાં,
કાપી અમ ગરદન એમણે ઈબાદત કરી છે.
પ્રેમથી સીંચે, ઉજેરે, કાપે, ધરે, સજાવે,
પ્રેમના અર્થમાં જો કેવી મિલાવટ કરી છે.
અમારા મોતથી શણગાર્યા છે પ્રસંગો,
કાયમ અમ ભોગે એણે કરામત કરી છે.
કાપીને વારંવાર પછી છાંટે છે પાણી,
અમારા મોત બાદ કેવી મથામણ કરી છે.
રાખવાને મહેકતા હર સબંધો એણે,
કાયમ જ્યાં ત્યાં અમારી સખાવત કરી છે.
Dr.Suresh N. Kubavat.
10,Sant Kutir,Muni Seva Ashram,Goraj,Vadodara.