રવીન્દ્રનાથ ઠાકુરના ગીતાંજલિ (ભાવાનુવાદક: ધૂમકેતુ)
હે જીવનના જીવન ! હું મારું શરીર પવિત્ર રાખવા યત્ન કરીશ, કારણ કે હું જાણું છું કે એના રોમેરોમમાં તારો સ્પર્શ છે.
મારા મનમાંથી ને વિચારમાંથી હરેક અસત્યને હું દૂર રાખીશ. કારણ કે, હું જાણું છું કે મારા મનના બુધ્ધિદીપને, પ્રકાશ તું આપી રહેલ છે.
મારા અંત:કરણમાંથી હું દરેક પ્રકારના અસતને બહાર કાઢવા યત્ન કરતો રહીશ. કારણ કે, અંત:કરણના ગુપ્તતમ મંદિરમાં તું બઠો છે, એ હું જાણું છું.
અને મારા કર્મોમાં પણ, હું તને જ પ્રગટ કરતો રહીશ. કારણ, હું જાણું છું કે મારામાં એક પાંદડું પણ ફેરવવાની તાકાત નથી.
જે કાંઈ શક્તિ છે, તે તારી છે.
રવીન્દ્રનાથ ઠાકુરના ગીતાંજલિ (ભાવાનુવાદક: ધૂમકેતુ)
હવે તો મારા ગીતે પોતાનાં આભૂષણો છોડી દીધાં છે. એને આભૂષણનો મોહ નથી, ભભકાનું અભિમાન નથી.
આભૂષણો તો વચ્ચે દખલ ઊભી કરે છે. આભૂષણો છે, તો મારું હ્રદય સાથે એક થઈ શકતું નથી.
તારી પ્રેમભરી શાંત ધીમી સુધાવાણી, આભૂષણોના ઝંકારમાં ડૂબી જાય છે !
હું કવિ રહ્યો. મારી પાસે આભૂષણોનો ભંડાર છે, પણ મારું એ કવિઅભિમાન તારો એક પણ દ્રષ્ટિપાત થતાં સરી જાય છે ! હે કવિના પણ કવિ ! કે કવિરાજ ! હું તો વિનમ્રપણે તારા ચરણ પાસે માત્ર લોટી પડું છું !
મને બીજી કોઈ ઈચ્છા નથી. વનમાં ચાલ્યા જતા કોઈ સાદા ઝરણની માફક, મારો જીવનસ્ત્રોત શાંત વહ્યા કરે, તારા ગાનને વહન કરનારી સીધીસાદી બરુની વાંસળી એ થઈ રહે, હે સ્વામી ! એટલું જ મારે બસ છે !
રવીન્દ્રનાથ ઠાકુરના ગીતાંજલિ (ભાવાનુવાદક: ધૂમકેતુ) માંથી સાભાર
ગૂર્જર પ્રકાશન
રતનપોળ નાકા સામે – ગાંધી માર્ગ, અમદાવાદ- 380001
Like this:
Like Loading...