જળકમળ છાંડી જા રે – નરસિંહ મહેતા

નરસિંહ મહેતા

      

જળકમળ છાંડી જા રે

     

જળકમળ છાંડી જા રે,   બાળા!   સ્વામી  અમારો જાગશે;

જાગશે,    તને    મારશે,    મને     બાળહત્યા   લાગશે.

       

કહે રે બાળક! તું મારગ ભૂલ્યો? કે તારા વેરીએ વળાવિયો?

નિશ્ચે તારો  કાળ જ ખૂટ્યો,   અહીંયા તે  શીદ  આવિયો?

             

‘નથી નાગણ! હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવિયો;

મથુરાનગરીમાં   જુગટું   રમતાં  નાગનું   શીશ  હું  હારિયો.’

         

‘રંગે   રૂડો,   રૂપે   પુરો,   દીસંતો   કોડીલો   કોડામણો;

તારી  માતાએ  કેટલા  જન્મ્યા,  તેમાં  તું અળખામણો?’

       

‘મારી  માતાએ  બેઉ  જન્મ્યા,  તેમાં હું  નટવર નહાનડો,

જગાડ   તારા   નાગને,   મારું    નામ   કૃષ્ણ   કહાનડો.’

         

‘લાખ સવાનો મારો હાર આપું,  આપું રે  તુજને દોરિયો,

એટલું   મારા  નાગથી   છાનું,   આપું   તુજને ચોરિયો.’

         

‘શું કરું,  નાગણ!  હાર  તારો?  શું  કરું  તારો  દોરિયો,

શાને  કાજે,  નાગણ!  તારે  ઘરમાં   કરવી  ચોરિયો?’

         

ચરણ ચાંપી,  મૂછ મરડી,  નાગણે  નાગ  જગાડિયો:

‘ઊઠો  રે  બળવંત,   કોઈ   બારણે   બાળક  આવિયો.’

        

બેઉ બળૈયા બાથે વળગ્યા,  કૃષ્ણે  કાળીનાગ નાથિયો,

સહસ્ત્ર   ફેણા   ફૂંફવે    જેમ   ગગન   ગાજે   હાથિયો.

       

નાગણ સહુ વિલાપ કરે છે:  નાગને  બહુ  દુ:ખ આપશે,

મથુરાનગરીમાં  લઈ જશે,   પછે  નાગનું   શીશ કાપશે.

           

બેઉ કર જોડીને વીનવે:   ‘સ્વામી!  મૂકો  અમારા કંથને;

અમો અપરાધી કાંઈ ન સમજ્યાં, ન ઓળખ્યા ભગવંતને.’

          

થાળ ભરી   શગ મોતીએ   શ્રીકૃષ્ણને  રે   વધાવિયો;

નરસૈંયાના  નાથ  પાસેથી   નાગણે  નાગ  છોડાવિયો.

    

નરસિંહ મહેતા          

વૈષ્ણવ જન તો

નરસિંહ મહેતા   

વૈષ્ણવ જન તો               

વૈષ્ણવ જન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે... વૈષ્ણવ જન                    

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે.
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે... વૈષ્ણવ જન                    

સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે... વૈષ્ણવ જન                                        

મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.
રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે... વૈષ્ણવ જન

વણલોભી ને કપટરહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે.
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે... વૈષ્ણવ જન

                           

નરસિંહ મહેતા

વૈષ્ણવજન તો – નરસિંહ મહેતા

વૈષ્ણવજન તો તેને કહીએ,  જે  પીડ પરાઈ  જાણે રે;

પરદુ:ખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે… વૈષ્ણવ.. ટેક

                                                                     

સકળ  લોકમાં  સહુને  વંદે.   નિંદા  ન  કરે  કેની  રે; 

વાચ-કાછ-મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે… વૈષ્ણવ..
                                                             

સમદ્રષ્ટિને  ને  તૃષ્ણા  ત્યાગી,  પરસ્ત્રી  જેને  માત રે;

જીહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ  ઝાલે હાથ રે… વૈષ્ણવ..
                                                                 

મોહમાયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે;

રામ નામ શું તાળી લાગી, સકળ તીરથ તના તનમાં રે… વૈષ્ણવ..
                                                               

વણલોભી  ને  કપટ  રહિત  છે,  કામ ક્રોધ  નિવાર્યા રે;

ભણે નરસૈયો તેનું દર્શન કરતાં,  કુળ એકોતેર  તાર્યાં રે… વૈષ્ણવ..

                                                     

–   નરસિંહ મહેતા

અખિલ બ્રહ્માંડમાં

નરસિંહ મહેતા

 

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,

જૂજવે રૂપે અનંત ભાસે

દેહમાં દેવ તું તેજમાં તત્વ તું,

શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે..

 

પવન તું, પાણી તું, ભૂધરા!

વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;

વિવિધ રચના કરી અનેક રસ લેવાને,

શિવ થકી જીવ થયો એજ આશે..

 

વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે,

કનક-કુંડળ વિશે ભેદ ન્હોયે,

ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં

અંતે તો હેમનું હેમ હોયે..

 

ગ્રંથ ગરબડ કરી, વાત નવ કરી ખરી

જેહને જે ગમે તેને પૂજે

મન-વચન-કર્મથી આપ માની લહે,

સત્ય છે એજ મન એમ સૂઝે..

 

વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું,

જોઉં પટંતરો એજ પાસે,

ભણે નરસૈયો એ મન તણી શોધના,

પ્રીત કરૂં,  પેમથી પ્રગટ થાશે..

 

નરસિંહ મહેતા

 ‍