(દુબઈની સાંપ્રત સ્થિતિને અનુલક્ષીને)
તે પછી:
સરકતી રેત પર બાંધી ઇમારત, તે પછી,
પડી મૃગજળ પીવાની રોજ આદત,તે પછી.
બધાયે ભોગને તત્પર કર્યા તલસાટમાં,
ખુદાની પણ કરી ખાલી ઇબાદત, તે પછી.
મઝામય જામના અંજામની પરવા વિના,
નિચોવી સાવ નમણી મહીં નજાકત, તે પછી.
તકાદો તોરભૂખ્યો ને વળી તકદીર થઈ તરસી,
રહે સુખો બધાં ક્યાંથી સલામત, તે પછી.
અફીણી દોડને પણ હાંફ ચડતો જોઈને,
રહ્યો ના ફીણનો પારો સલામત, તે પછી.
શીતળતાને સતાવે છે ડૂમો દુ:સ્વપ્નનો,
ઉડાવે ઊંઘ પણ અશ્રૂની જ્યાફત, તે પછી.
થયો ખાલી ખજાનો કે પછી પોકળ હતો પાનો,
સફાળી ધ્રુજવા માંડી શરાફત , તે પછી.
ગુનાઓ ગાંસડી બાંધી ઊભા છે રાહ જોતા,
જુઓને હાંફળી થઇ છે કયામત, તે પછી.
ચલો ગુલશન મહી આળોટીએ ભ્રમણાં બની,
થઈ ગઈ એષણાને પણ અદાવત, તે પછી.
કસમ કોની લઈશું સત્ય કહેવા-સૂણવા કાજે,
અદા અદ્દલ બતાવે ત્યાં અદાલત, તે પછી.
લીધું જ્યાં નામ પરવરનું અદા કરવા નમાજોને,
તરત સમજાઈ ગઈ આખીયે બાબત, તે પછી.
–નવનીત ઠક્કર