ભાદરવે – નીતિન વિ.મહેતા

સખી, ચોમાસું આખું કોરું રહ્યું
હવે, ભાદરવે શું ભીંજાવું?
ભીતર છલકાતી નદીયુંના સમ
મારે, નીતર્યા નેણમાં જ ન્હાવું
હવે, ભાદરવે શું ભીંજાવું?

વરસાદી વાયરા આશા લઈ આવ્યા
આકાશે, ઘેરાયા વાદળ,
અષાઢી હેલીએ ઝંખના જગાડી
ઊગી હૈયે, મિલનની અટકળ.
એકે ન પળ લઈ આવી ભીનાશ,
સખી, કેમ કરી મનને મનાવું?
હવે, ભાદરવે શું ભીંજાવું?

શ્રાવણ તો વરસીને પાછો થયો
એના છંટાએ, અંગ અંગ દાઝ્યા,
ઝરમરમાં ઝુરી ઝુરી વિતાવી રાતો,
મેં, શમણાઓ આંસુમાં બાંધ્યા.
સોંસરવી, ઉતરી અજંપાની શૂળ
સખી, કોરા રહીને જ કરમાવું.
હવે, ભાદરવે શું ભીંજાવું?

– નીતિન વિ.મહેતા

એક ગીત – નીતિન વિ મહેતા

ટેરવે ટકોરા અમે રાખશું અકબંધ
રાખજો ઉઘાડા તમે બારણા
ઓચિંતા વાયરાની જેમ અમે આવશું
પછી સંગાથે ઝીલશું સંભારણા

આપણે તો ધોધમાર તડકા ઝીલ્યા
ભીતર ઉછેરીને છાંયડા
આંખોમાં આંજીતી ઘેઘુર લીલાશ
ત્યારે સ્પંદનના ફરફરતા પાંદડા

શમણાઓ સુંવાળા માણ્યાનું સુખ
અંતરમાં લેશું ઓવારણા
સંગાથે ઝીલશું સંભારણા

ચીતરેલી ઈચ્છાના ભાતીગળ રંગે
જીવતર શણગાર્યું ‘તું આપણે
આથમતી સાંજના ઝાંખા ઉજાસમાં
ડંખ માર્યો ‘તો મીઠો કઈ સાપણે?

સરી ગયેલ પળ ફરી આવશે જરૂર
એકબીજાને દેશું એવી ધારણા.
સંગાથે ઝીલશું સંભારણા.

નીતિન વિ મહેતા

હરિ આવ્યા – નીતિન વિ મહેતા

હરિ આવ્યા

હરિ આંગણે આવ્યા અવસર થઈને
મોભ દીવાલો ઉંબર મ્હેંક્યા અત્તર થઈને

છાને પગલે આસોપાલવમાં છૂપ્યા સંજોગે
મંદ હવાના સ્પર્શે એ તો ઝૂલ્યા ઉઘાડે છોગે.
કોરાકટ્ટ ખાલી ખૂણામાં પ્રગટ્યા અક્ષ્રર થઈને.
મોભ દીવાલો ઉંબર મ્હેંક્યા અત્તર થઈને.

તુલસીક્યારે સ્મિત બની ફરક્યા પાને પાને
શગને પહેરી પાથરતા અજવાળા હર સોપાને.
ટીપાંની વિસાત હતી હરિ છલકયા સમદર થઈને.
મોભ દીવાલો ઉંબર મ્હેંક્યા અત્તર થઈને.
હરિ આગંણે આવ્યા અવસર થઈને.

નીતિન વિ મહેતા