“ગુરૂગમ” વિશે લખાયેલ ભજનો- શ્રી પલાભાઇ ચુંથાભાઇ પટેલ

(રાગઃ આ તો જગત અનાદિ આડંબરના કરીએ રે)

ખોટો ડોળ ના કરીએ ગુરૂમુખ બાનું ધારી રે
મળ્યા સદ્‍ગુરૂ દેવ સમજણ આપી સારી રે

લીધી પાંચ પ્રતિજ્ઞા હાથમાં જળ ધારી રે
તન મન અર્પણ કરીયાં સંતોની સાક્ષી ધારી રે

બોધ સ્વરૂપનો કરીયો વિશ્વાસપાત્ર ધારી રે
આપ્યાં વચન તે ચુક્યા વિષયે વૃત્તિ વારી રે

માન મોટાઇમાં મમતા અહમ ભરીયો ભારી રે
કુડ કપટ પ્રપંચ દગો દિલ ધારી રે

રૂણ પરનાં પચાવ્યાં, વૈભવે મોંજ માણી રે
વાણી, વલોણોમાં ગુમ્યા તત્વ નહિ તરીયાં રે

સાચા સંતોની વાણી વર્તન નથી જરીએ રે
પૂરા ગુરૂ છગનરામ રહેણી વેવણ વણીયાં રે

પરાંણ વચનમાં વરીયા એતો ભવ જળ તરીયા રે

—————————————————–

(રાગઃ મારા માંડવે ઉડે રે ગુલાલ (૨)………)

ગુરૂ વચને ગળીયાં છે મન ગુરૂ વચને ગળીયાં છે મન..

ત્રિવિધના તાપો ટળીયાં મનના હો રામ
માળી અમને ગુરૂગમની શાન, મળી અમને ગુરૂગમની શાન..

ગુરૂગમ ચાવીએ તાળાં ખોલીયાં હો રામ
ખોલી દીધાં અગમઘરનાં દ્વાર, ખોલી દીધાં અગમઘરનાં દ્વાર..

અગમ સુગમે સાયબો શોભતા હો રામ
જાણી લીધી જીવાભાઇની જાત, જાણી લીધી જીવાભાઇની જાત..

ગુણની ગાદીએ જીવો શોભતા હો રામ
જોઇ લીધાં માયાનાં રૂપ, જોઇ લીધાં માયાનાં રૂપ..

રૂપના રૂષણે માયા મ્હાલતી હો રામ
રૂપ ગુણે ભળ્યો રે ભંડાર, રૂપ ગુણે ભળ્યો રે ભંડાર..

અનામીના નામે નક્કી કરીયો હો રામ
તુટી પડ્યા માયાના મહેલ, તુટી પડ્યા માયાના મહેલ..

ગગનગીરાએ તંબુ તાણીયા હો રામ
છુટી ગયો કર્તાપણાનો ભાવ, છુટી ગયો કર્તા પણાનો ભાવ..

અકર્તાના ઘરે પગરણ માંડીયા હો રામ
પૂર્ણ પદ પરખાવ્યું રે નિર્વાણ, પૂર્ણ પદ પરખાવ્યું રે નિર્વાણ..

અગમઘરના ભેદુ સંતો ભેટીયા હો રામ
શોભે સુંદર સાધારામની જોડ, શોભે સુંદર સાધારામની જોડ..

છગનરામની શાને સંસય ટળીયા હો રામ
આનંદ સાગર છલકાઇ જાય, આનંદ સાગર છલકાઇ જાય..

પરાંણ પરાની પાળે મ્હાલતા હો રામ

——————————————————

શ્રી પલાભાઇ ચુંથાભાઇ પટેલ દ્વારા “ગુરૂગમ” વિશે લખાયેલ ભજનો