હે ભુવન ભુવનના સ્વામી – પિનાકિન્ ઠાકોર (Pinakin Thakor)

હે ભુવન ભુવનના સ્વામી

હે ભુવન ભુવનના સ્વામી,
આ ઝરે આંસુની ધાર, દીન પોકાર,
પુનિત હે પાવન નામી ! હે ભુવન..

આથમણી આ સાંજ ભૂખરી ઝાંખી ધૂસર,
રે અંધ આંખ સૌ અંગ ધ્રૂજતાં ભાંગ્યાં જર્જર;
અને પગલે પલપલ થાક લથડતાં ડગમગ થરથર.
એને લિયો ઉઘાડી દ્વાર, પરમ આધાર,
શરણ રે’ ચરણે પામી ! હે ભુવન..

અંતરમાં સ્મરણો અગણિત શાં સૂતાં પલપલ,
એ જાગી દેતાં દાહ, દુ:ખ દાવાનલ પ્રજ્વલ,
એને અંક ધરી દો શાંતિ – સુખ, હે શીતલ વત્સલ !
એને દિયો અભયનાં દાન, સુધાનાં પાન
અમલ, હે અંતર્યામી ! હે ભુવન..

પિનાકિન્ ઠાકોર
જીવનકાળ: ઓક્ટોબર 24, 1916 થી નવેમ્બર 24, 1995 સુધી