ફરી વતનમાં – પ્રબોધ ભટ્ટ (Prabodh Bhatt)

ફરી વતનમાં

જૂના રે વડલા ને જૂના ગોંદરા,
જૂની સરોવર-પાળ;
જૂનાં રે મંદિરે જૂની ઝાલરો
બાજે સાંજસવાર;
એથીયે જૂની મારી પ્રીતડી.

ઘેરાં ને નમેલાં ઘરનાં ખોરડાં,
ઘેરા મોભ ઢળંત;
ઘેરી રે ડુંગરાળી મારી ભોમકા,
ઘેરા દૂરના દિગંત;
એથીયે ઘેરી મારી વેદના.

ઘેરી રે ઘૂમે ગોરી ગાવડી,
ઘેલાં પંખી પવન;
ઘેલી રે ગોવાળણ ગોપની,
સુણી બંસી સુમંદ,
એથીયે ઘેરી મારી ઝંખના.

મનની માનેલી ખેલે મસ્તીઓ
આંગણ બાળક-વૃન્દ;
ફૂલડાં ખીલે ને ખેલે તોરમાં
માથે મસ્ત પતંગ,
એથીયે મસ્તાની મારી કલ્પના.

સૂના રે ઊભા આજ ઓરડા,
સૂના મોભ ઢળંત;
સૂની રે સન્ધ્યાને ઓળે ઓસરી,
સૂની ખાટ ઝૂલંત,
એથીયે સૂની રે ઝૂરે જિન્દગી.

તોરમાં- આવેશમાં

પ્રબોધ ભટ્ટ
જીવનકાળ: ડિસેમ્બર 20, 1913 થી ફેબ્રુઆરી 14, 1973
કાવ્યસંગ્રહો: અંતરિક્ષ અને સરોરુહ