ગીત એક ગાયું – પ્રિયકાંત મણિયાર (Priyakant Maniyar)

ગીત એક ગાયું

ગીત એક ગાયું ને વાયરે વાવ્યું
કે છોડ એનો છુટ્ટો મેલ્યો રે લોલ!

પંખી એક આવ્યું ને આભ એવું ફાવ્યું
કે ટહુકો ઉકેલિયો રે લોલ!

ફૂલ એક ફૂટ્યું ને લોચનિયે ચૂંટ્યું
કે પાંદડી એવી ને એવી રે લોલ!

છલકીને છાઈ રહે વાયરે વેરાઈ રહે
મીઠી અદીઠ ગંધ સહેવી રે લોલ!

સરવરને તીર સર્યા, સરવરને નીર તર્યા
અમે કોરા ને છાંયડી ભીની રે લોલ!

તરુવરના તારલા ને આભલાનાં પાંદડાં
બેઉની વાત એક વીણી રે લોલ!

પ્રિયકાંત મણિયાર
જીવનકાળ: જાન્યુઆરી 24, 1927 – જૂન 25, 1976

કૃષ્ણ-રાધા – પ્રિયકાંત મણિયાર

આ નભ ઝૂક્યું તે કાનજી

      ને ચાંદની તે રાધા રે,

આ સરવર જલ તે કાનજી

      ને પોયણી  તે  રાધા રે,

આ બાગ ખીલ્યો તે કાનજી 

      ને લ્હેરી જતી તે રાધા રે,

આ પરવત-શિખર કાનજી

       ને  કેડી ચડે  તે રાધા રે,

આ ચાલ્યાં ચરણ તે કાનજી

      ને પગલી પડે તે રાધા રે,

આ કેશ ગૂંથ્યા તે કાનજી

      ને સેંથી પૂરી તે રાધા રે,

આ દીપ જલે તે કાનજી

        ને આરતી તે રાધા રે,

આ લોચન મારા કાનજી

     ને નજરું જુએ તે રાધા રે! 

–  પ્રિયકાંત મણિયાર