વ્હાલો વ્હાલો લાગે મને કાનજી કાળો – ચંદ્રિકા ઠક્કર

વ્હાલો વ્હાલો લાગે મને કાનજી કાળો
(રાગ: હો હો રે પેલો રાજા રણછોડ છે)

વ્હાલો વ્હાલો લાગે મને કાનજી કાળો,
કાનજી કાળો એ તો કામણગારો.. વ્હાલો વ્હાલો (2)

કામણગારો એ તો મોરલિયો વાળો,
મોરલિયો વાળો એ તો લાગે રૂપાળો.. વ્હાલો વ્હાલો (2)

મોરલી વગાડી મારાં મનડાં હરી લેતો,
મનડાં હરી લઈને એ તો છુપાઈ જાતો.. વ્હાલો વ્હાલો (2)

જળ ભરવા જાઉં ત્યારે કાંકરીઓ મારે,
કાંકરીઓ મારી મારા મટકાં રે ફોડે.. વ્હાલો વ્હાલો (2)

મહી વેચવા જાઉં ત્યારે મારગમાં રોકે,
મારગ વચ્ચે રોકી મહીનાં દાણ જ માગે.. વ્હાલો વ્હાલો (2)

છાનો માનો ઘરમાં ઘૂસે ગોવાળોની સાથે,
ગોરસ લૂંટાવે ને મારા બાળ રડાવે.. વ્હાલો વ્હાલો (2)

માને રાવ કરવા જાઉં ત્યારે આગળ પહોંચી જાતો,
ડાહ્યો ડમરો થઈને માની પાસે બેસી જાતો.. વ્હાલો વ્હાલો (2)

એનું મોહક રૂપ જોઈને ગુસ્સો ઉતરી જાતો,
મારો ગુસ્સો ઉતારી મન મોહી લેતો.. વ્હાલો વ્હાલો (2)

‘ચંદ્રિકા’નો નાથ સૌને રાસે રમાડે,
રાસ રમાડીને ધન્ય કરી દેતો .. વ્હાલો વ્હાલો (2)

વ્હાલો વ્હાલો લાગે મને કુંવર કનૈયો,
કુંવર કનૈયો પેલો નંદજીનો છૈયો.. વ્હાલો વ્હાલો (2)

ચંદ્રિકા ઠક્કર
જાન્યુઆરી 12, 2010

આવો આવો આવો મારા કાન કુંવરિયા – ચંદ્રિકા ઠક્કર

આવો આવો આવો મારા કાન કુંવરિયા
(રાગ: મારી ઝૂંપડીએ ક્યારે રામ પધારે)

આવો આવો આવો મારા કાન કુંવરિયા
હે કાન કુંવરિયા મારી આંખોના તારલિયા રે
આંખોના તારલિયા.. આવો આવો આવો મારા કાન કુંવરિયા

કાન કુંવરિયો આવે મોરલી વગાડતો
મોરલીના નાદે સૌને ઘેલાં બનાવતો
હે મોરલી વગાડતો નટવર આવે નાચંતો રે
આવે નાચંતો.. આવો આવો આવો મારા કાન કુંવરિયા

ભક્તોના પ્રેમનો પોકાર સુણીને
નંદજીનો છૈયો આવે વ્હારે દોડીને
હે દોડતો આવીને એનાં કામ કરી લે રે
કામ કરી લે… આવો આવો આવો મારા કાન કુંવરિયા

‘ચંદ્રિકા’નો શ્યામ આવી બિરાજે હ્રદયમાં
કરી નાખ્યું જીવન મારું ધન્ય એક પલમાં
હે ધન્ય કરીને એને લાધી છે શરણમાં રે
લીધી છે શરણમાં.. આવો આવો આવો મારા કાન કુંવરિયા

ચંદ્રિકા ઠક્કર
જાન્યુઆરી 30, 2010

સદગુરુ સેવે સુખ થાયે- પલાભાઈ ચુંથાભાઈ પટેલ

સોમે તો સદગુરુજી મળીયા, તાપ ત્રિવિધ તણા ટળીયા,
વર્ષ્યા મેઘ વચનામૃત ઝરીયા, કે સદગુરુ સેવે સુખ થાયે

મંગળવારે મંગળ પદ નિરખ્યાં, રુપ ગુણ સમજાતાં મન હરખ્યાં,
નામે તો ઇશ્વર પદ પરખ્યાં, કે સદગુરુ સેવે સુખ થાયે,

બુધે પેલી બુદ્ધિ બળ મોટું, સમજાયું સારુ ને ખોટું,
કે સમ થયું નાનું ને મોટું, કે સદગુરુ સેવે સુખ થાયે

ગુરુવારે ગુરુજી ઘેર આવ્યા, આપી દિક્ષા અલખ ઓળખાવ્યા,
કે નિરાકાર નજરે નિરખાવ્યા, કે સદગુરુ સેવે સુખ થાયે,

શુક્ર્વારે સુક્રિત સુધરીયાં, ગુરુજીના વચને હું પદ ગળીયાં,
કે મનમાં નિજ સ્વરુપ ઠરીયાં, કે સદગુરુ સેવે સુખ થાયે

શનીવારે શનીપાતો ટળીયાં, મળ્યા મને આનંદના દરિયા,
કે બ્રહ્મ સ્વરુપમાં જઇ ભળીયા કે સદગુરુ સેવે સુખ થાયે

રવિવારે રથે સુરજ શોભે, કે સુરતાના મનડા ત્યાં લોપે,
વિવાહ કીધા સદગુરુજી શોભે, કે સદગુરુ સેવે સુખ થાયે

સાતે વાર સમજણમાં ધરતાં, કર ગુરુ છગનરામ શિર ધરતાં,
પરાંણ વાર નહીં ભવજળ તરતાં કે સદગુરુ સેવે સુખ થાયે

પલાભાઈ ચુંથાભાઈ પટેલ
જિંડવા

મન માણી લે- પલાભાઇ ચુંથાભાઇ પટેલ

ભવસાગરમાં ભટકી ભટકી આવ્યા જો, દુઃખના દિન વિતાવ્યા જો,
આ અવસરિયો હરિ ભજવાનો આવિયો મન માણી લે

અહંકારને અભિમાનમાં ડુલ્યા જો, હરિ ભજવાનું ભુલ્યા જો,
નિર્મળતા દાસાતણ દિલમાં ધારીને મન માણી લે

કામ ક્રોધ તે કલેશ કેરુ મૂળ જો, એવું ઉપડે શૂળ જો,
સહનશીલતા શાંતિ દિલમાં ધારીને મન માણી લે

ચોરી જારી ચિત્તમાં ચિંતા ચાલે જો, અંતર વેદના સાલે જો,
પરધન પથ્થર પરસ્ત્રી માતા માનીને મન માણી લે

મોહ મદિરા દુર્ગુણથી દુર રહીયે જો, સદગુરુ શોધી લઇએ જો,
સદગુણથી સદમતિ મળે સુખ થાય છે મન માણી લે

જુઠ કપટએ જુગારબાજી જાણો જો, એથી મનને વારો જો,
સત્ય વચન સદગુરુના દિલમાં ધારીને મન માણી લે

મારુ તારુ એતો જગની માયા જો, એથી બની આ કાયા જો,
કાયાનો ઘડનારો સદગુરુ મેળવે મન માણી લે

સુખ દુઃખ રચના સંચિતનાં ફળ ધારો જો, ભમતા મનને વારો જો,
સાચાં સંચિત તારાં તુજને મળી જશે મન માણી લે

પૂન્ય પૂર્વનું ગુરુ છગનરામ મળીયા જો, ભવના ફેરા ટળીયા જો,
પરાંણ ગુરુજીને સર્વ સમર્પણ કરીને મન માણી લે

શ્રી પલાભાઇ ચુંથાભાઇ પટેલ
જિંડવા

આજ દિવાળી રે – બ્રહ્માનંદ સ્વામી

સખી હૈડે તે હરખ ન માય, આજ દિવાળી રે;
હું તો મગન થઈ મનમાંય, ભૂધર ભાળી રે.. ટેક..

સુંદર શ્યામ સોહામણો રે, સુંદર ગજ ગતિ ચાલ;
સુંદર શોભા અંગની હું તો નીરખીને થઈ છું નિહાલ.. 1

નેણ મનોહર નાથનાં રે, હૈડે મનોહર હાર;
સુભગ મનોહર શ્યામળો વ્હાલો, નટવર ધર્મકુમાર.. 2

બાજુ નૌતમ બેરખા રે, બેહદ નૌતમ બાન;
બ્રહ્માનંદના નાથનું થઈ, રૂપ જોઈ ગુલતાન.. 3

બ્રહ્માનંદ સ્વામી

પરમને પંડમાં ચાખ – દિલીપ પટેલ (Dilip Patel)

પરમને પંડમાં ચાખ  

આતમ આરસીમહીં નીરખ મનવા તું ખોલીને અંતર આંખ
નહીં કોઈ દીસે તહીં તવંગર કે નહીં કોઈ મહારાજા કે રાંક

ભેદભાવ તો ભ્રમણામાં આવ્યા સાથ લાવ્યા કબર ને કાંધ 
અહીં ના મારું-તારું ન જાત નૂર ભરપુર થશે દ્રષ્ટિની ઝાંખ 
 
રંગ રૂપ બાળ વૃધ્ધ યુવાન જાન જાતાં રળશે રજ ને રાખ
જગતની પેલી પાર જવાશે ધારીશ જો પ્રેમ રહેમની પાંખ   
  
જનમાનસ્ તો સમ સર્જાયા ભેદમાં છે જોગ સંજોગનો વાંક 
જગ સંસાર જનમાં બસ સમાયા તેજ ધરા વારિ વા આભ
  
ઘટ કટોરી રંગી છોને લાલ બહારે તો ઢોળજે અમી ગુલાલ
રણદ્વીપમાંય એતો ગુલાબ ખીલવશે વળી રેત બનશે કાંપ
 
મોહ મમત માયા જો મરશે  ખુદગરજી ખરશે  થઈને ખાખ  
બ્રહ્મમય ‘દિલ’ રોમ રોમ બનશે પ્રીત્યે પરમને પંડમાં ચાખ

દિલીપ પટેલ  

પ્રભુ તને કેવી રીતે ભજું? – ચંદ્રવદન મિસ્ત્રી (Chandravadan Mistry)

પ્રભુ તને કેવી રીતે ભજું?

પ્રભુ, તને કેવી રીતે ભજુ?
કોઈ કહે આમ કર,
કોઈ કહે તેમ કર,
હવે, તું જ કહે હું શું કરું ?.. ટેક

વહેલી સવારે પ્રભુ, નામ તારું છે મારા હૈયા મહીં,
નથી આવ્યો હું તારા મંદિર દ્વારે,
નથી લીધી મેં જપ-માળા હાથે,
શું અધુરી પ્રાર્થના છે મારી? હવે તો પ્રભુજી કહેજે મને,
… પ્રભુ, તને કેવી રીતે ભજું?

જાણ-અજાણમાં પ્રભુનામ તારું મારા મુખડે વહે,
નથી મંત્ર જપતો કે ગીતાપાઠ કરતો,
નથી રીત-રિવાજ કે ધર્મનું ગણતો,
શું અધુરી પ્રાર્થના છે મારી? હવે તો પ્રભુજી કહેજે મને,
… પ્રભુ, તને કેવી રીતે ભજું?

થયું ન થયું એમાં પ્રભુ ઈચ્છા રૂપે જોયો તને,
સંસારના સુખ દુ:ખો સાથે જોડ્યો તને,
ભાર કેટલો બધો આપ્યો તને,
શું અધુરી પ્રાર્થના છે મારી? હવે તો પ્રભુજી કહેજે મને,
… પ્રભુ, તને કેવી રીતે ભજું?

કોઈવાર મંદિરે જઈ ભાવથી ફળફૂલ ચડાવ્યા ખરા,
કોઈવાર ભજન કર્યાં કે ગીતા અને ધર્મગ્રંથો વાંચ્યા ખરા,
કોઈવાર સંતોને સાંભળ્યા ને રીત-રિવાજો માન્યા ખરા,
છતાં, દિલથી અને મુખેથી વાત હમેશાં જે હું કરું,
પ્રભુ સ્વીકારજે તું એક પ્રાર્થનારૂપે, ચંદ્ર અરજ એટલી, વધુ હું શું કહું?

ડૉ. ચંદ્રવદન મિસ્ત્રી
લેન્કેસ્ટર, કેલીફોર્નીયા

હરિ ભજી લેવાં

હરિ ભજી લેવાં

જગ જંજાળ બધી પરહરી હરિ ભજી લેવાં
ભૂલભૂલામણી ભવની ભુલાવે ભાન ભગવાન
ભગવાધારી ભોમિયો કરી હરિ ભજી લેવાં

વિષય વાસના વિષ કરી હરિ ભજી લેવાં
નશાભરી નિશામયી માયાની મનમાં મનવાર
ચમકાવી ચૈતન્યમાં ચાંદ હરિ ભજી લેવાં

કુટુમ્બ કબીલા ખોટા કરી હરિ ભજી લેવાં
કોટિ કલ્પથી સંકૃત થયેલી વર્ણોની વણઝાર
અમીરસે આતમ ઉધ્ધારી હરિ ભજી લેવાં

દેહ કેરી દાદાગીરી હરી હરિ ભજી લેવાં
લાડ કોડ લોભામણાં લગાડે રોગની લંગાર
પંચ-વર્તમાન  ઉર ધરી હરિ ભજી લેવાં

મારું-તારું બિમારી મારી હરિ ભજી લેવાં
ભાઈચારો બગાડી તોડાવે પૃથ્વીનો પરિવાર
મન દિલમાં મંદિર કરી હરિ ભજી લેવાં

દિલીપ પટેલ

અંતે જવું હરિને ઘેર

ચકરાવા  ચોરાશી ફરવા ને રહેવું  ઠેરના ઠેર
ફાંફાં ફોગટના મારવા ને સહેવો  કાળનો કેર
પળ ના પ્રભુ કાજે ને મથે કરવા ત્રણના તેર
મનવા તું શીદ કરે દેર? અંતે જવું હરિને ઘેર

લભે ભોગ ભરપૂર ને ભળે ભાવની  ભેળસેળ
રસિક રસના રોગમય ને મળ  થાયે ઘી કેળ
સાચવ મહા મનુજદેહ વ્યર્થ વીતી જતી વેળ
મુક્તિ માટે કર મથામણ તો પડશે તુજ મેળ

પંચેન્દ્રિયે પાપ પ્રજળે ઘટ પાંગરે વાસનાવેલ
ખોટી લક્ષ્મી દઈ ધર્માદે ખેલતો ખુદાથી ખેલ
વિત્ત વિષયે વેડફી મનડે માણતો માયા મેલ
પુણ્યપાળ ક્યારે બાંધીશ? તરવી ભવની રેલ

બ્રહ્મ થઈ પરબ્રહ્મમાં ભળવા કરવું જગત ઝેર
ધર્મ ભક્તિ સેવા કરી થવું  મહારાજ માળામેર
આજ્ઞા ઉપાસના ઉર ધારી ના લેવો જનમ ફેર
પી અક્ષરઅમી ઘટ પ્રભુપ્રગટ પામો બેઠાં ઘેર

દિલીપ ર. પટેલ

મારી બંસીમાં- સુન્દરમ્ (Sundaram)

મારી બંસીમાં 

મારી બંસીમાં બોલ બે વગાડી તું જા.
મારી વીણાની વાણી જગાડી તું જા.

ઝંઝાના ઝાંઝરને પહેરી પધારી પિયા,
કાનનાં કમાડ મારા ઢંઢોળી જા.
પોઢેલી પાંપણના પડદા ઉઘાડી જરા,
સોનેરી સોણલું બતાવી તું જા … મારી બંસીમાં

સૂની સરિતાને તીર પહેરી પિતાંબરી
દિલનો દડુલો રમાડી તું જા.
ભૂખી શબરીના બોર બે એક આરોગી
જનમ ભૂખીને જમાડી તું જા … મારી બંસીમાં

ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા,
સાગરને સેઢે હંકારી તું જા.
મનના માલિક તારી મોજના હલ્લેસે
ફાવે ત્યાં એને હંકારી તું જા … મારી બંસીમાં

ત્રિભુવનદાસ પુ. લુહાર (સુન્દરમ્)