આભ – મણિલાલ દેસાઈ (Manilal Desai)

આભ

આભને નહીં હોય રે આભની માયા
નહીં તો એ વેરાન કે વને, આવળ બાવળ ઝાડ કે જને
ડોળતું નહીં ર્ હેય રે એની સોનલવરણી છાયા !

વાદળી જરાક ઝૂકતી જરાક ઝરતી ક્વચિત્ નાવ લઈને નિજની
ર્ હેતી ક્ષિતિજતીરે ફરતી દિવસરાત,
ક્યારેક ખાલીખમ ને ક્યારેક ભરતું ચોગરદમ, બીડેલા રીસમાં
રાધાશ્યામના જેવા હોઠ તો જાણે માંડે ઝાઝી વાત !
ક્યાંક સમાવે પાંખમાં પવન, ક્યાંક પવનને પાંખમાં ભરી
આવતું તરી દૂરથી મૂકી દૂર રે એની કાયા !

ઊતરે જોઈ જલ ને રહે ઝૂકતું જોઈ થલ, જરામાં લાગતાં ઝોકો
વેરાઈ જતું માનવી મનેમંન;
નમતે પ્ હોરે તળાવપાળે કૂવાથંભે ઊતરી બેસે ચકલાંટોળું,
લાગતું ત્યારે નભને જાણે ભીંજતું એનું તંન !
કોઈ વેળા વન ઝૂકતાં, ઝાડવાં તૂટતાં, બાગમાં છૂટતા ફૂલફુવારા
એની સાત સમુંદર તરતી ર્ હેતી છાયા !

મણિલાલ દેસાઈ
જીવનકાળ: જુલાઈ 19, 1939- મે 4, 1966