ગઝલ – મનોજ ખંડેરિયા (Manoj Khanderiya)

એથી જ રંગરંગથી સઘળું ભર્યું હતું
આંખો મહીં પતંગિયાએ ઘર કર્યું હતું

નભમાં તરંગો આમ અમસ્તા ઊઠે નહીં
કોનું ખરીને પીછું હવામાં તર્યું હતું

ફળિયામાં ઠેર ઠેર પીળાં પાંદડાં પડ્યાં
એના જ ફરફરાટે ગગન ફરફર્યું હતું

આવીને પાછું બેઠું’તું પંખી યુગો પછી
ક્યાં અમથું શુષ્ક વૃક્ષ ભલા પાંગર્યું હતું

પોલાણ ખોલી બુદબુદાનું જોયું જ્યાં જરી
એમાંય એક આખું સરોવર ભર્યું હતું

આ શબ્દ મારા મૌનને એવા ડસી ગયા
ભમરાએ જાણે કાષ્ઠનું પડ કોતર્યું હતું

મનોજ ખંડેરિયા

ભીંત મૂંગી રહી – મનોજ ખંડેરિયા (Manoj Khanderiya)

મનોજ ખંડેરિયા

    

ભીંત મૂંગી રહી

     

આંગણું બડબડ્યું, ડેલી બોલી પડી, ભીંત મૂંગી રહી

ઘર વિષે અવનવી વાત સહુએ કરી, ભીંત મૂંગી રહી

      

આભમાં ઊડતી  બારીઓ  પથ્થરે કાં  જડાઈ ગઈ?

વાત એ  પૂછનારેય  પૂછી ઘણી,  ભીંત મૂંગી રહી

            

‘આવજો  કે’વું શું  પથ્થરોને?’  ગણી કોઈએ ના કહ્યું

આંખ  માંડી  જનારાને જોતી રહી,  ભીંત મૂંગી રહી

           

ઘર તજી કોઈ ચાલ્યું ગયું એ પછી બારીએ બેસીને

માથું ઢાળી હવા રાત આખી રડી, ભીંત મૂંગી રહી

        

કાળના ભેજમાં ઓગળી ઓગળી એ ખવાતી રહી

કોઈએ એ વિષે કો’દિ’ પૂછ્યું નહીં, ભીંત મૂંગી રહી

        

મનોજ ખંડેરિયા  

ગઝલ – મનોજ ખંડેરિયા

મનોજ ખંડેરિયા

     

ગઝલ 

      

છલકતું તળાવ એમ છલકાય ટહુકો

પળેપળને  ભીની  કરી જાય  ટહુકો

       

મહકતો રહે ફૂલ-ગજરાની માફક

હવામાં શી તાજપ ભરી જાય ટહુકો

        

તૂટી પડશે તરડાઈને નીલિમા કંઈ

જરા પણ જો નભ સાથ અફળાય ટહુકો

       

તમે મૌન દોરા સમું જો કરીને

પરોવી શકો તો પરોવાય ટહુકો

        

ફૂટી નીકળે પાંખનું પીછું થઈને

વિહગના ગળામાં જે રહી જાય ટહુકો

       

બરડ શુષ્ક શબ્દોના અવકાશમાં નિત

લીલોછમ મૃદુ તારો સંભળાય ટહુકો

       

કોઈ મોરપીછાંને મૂંગું કરી દો

હવે મુજથી એકે ન સચવાય ટહુકો

           

મનોજ ખંડેરિયા  

ગઝલ- મનોજ ખંડેરિયા

મનોજ ખંડેરિયા   

           

ગઝલ       

દિવસરાત  બમણો ઊગે  નિત નિસાસો

બીડ્યાં દ્વાર  ખોલે એ  ક્યાં  છે ખુલાસો

    

છબી  જેમ   ભીંતેથી  સરકીને  ફૂટ્યો

સદીઓથી  ટાંગેલ   ઘરનો  દિલાસો

        

“મને વ્યક્ત કર  કાં  તને તોડું ફોડું”

મને કોઈ  મનમાંથી  આપે છે જાસો

       

નથી જીતનો  સૂર્ય ઊગવાની આશા

અહીંનો  સમય છે  શકુનિનો પાસો

     

અવાજોનાં જંગલ  ને એકલતા કાળી 

અહીં કઈ રીતે  થઈ શકે રાતવાસો

      

મનોજ નામની  એક નદીના કિનારે

તજે કોઈ પીપળા  નીચે બેસી શ્વાસો

      

મનોજ ખંડેરિયા        

આયનાની જેમ

મનોજ ખંડેરિયા

  

આયનાની જેમ હું તો ઊભી’તી ચૂપ

             ગયું  મારામાં  કોઇ  જરા  જોઈને

ભાનનો તડાક દઈ તૂટી જાય કાચ

             એના  જોયાની વેળ એવી   વાગે

છૂંદણાના  મોર સાથે માંડ હું વાત

              મને   એટલું  તો  એકલું   લાગે

આજ તો અભાવ જેના અંધારે ઊભી છું

              પડછાયો    મારો    હું      ખોઇને

આયનાની જેમ હું તો ઊભી’તી  ચૂપ

                ગયું  મારામાં   કોઈ   જરા જોઈને 

એવું તે  કેવું આ   સિંચાતું  નીર

                મારા નામનાં સુકાય પાન લીલાં

 લેતી આ  શ્વાસ હવે  એમ લાગે જાણે  કે

                  છાતીમાં     ધરબાતા       ખીલા

પરપોટો ફૂટે તો  જળને શું થાય

                નથી જાણ  થતી કોઇ દિવસ કોઇને

આયનાની જેમ હું તો ઊભી’તી ચૂપ

             ગયું  મારામાં   કોઈ  જરા    જોઇને