જીવન એક પરપોટો -મહેન્દ્ર ભટ્ટ

ભલાઈ કરવી હોય તો કરીલે ,કાલની રાહ ન જોઇશ,
જીવન એક પરપોટો છે ક્યારે ફૂટે શું ભરોસો…(૨)

માયાની વશમાં ભોગી બની તું દાન નું કામ ન ખોઈશ,
રાજા ક્યારે બને ભિખારી,દોલતનો શું ભરોસો, જીવન એક પરપોટો……

સપનાની આ દુનિયામાં તું રાત ગુમાવી દઈશ,
સપનું જયારે તુટશે નિશાથી,જુઠાણાનો શું ભરોસો,જીવન એક પરપોટો……

ગણતરીના શ્વાસો છે તારા સમય ગુમાવી ન દઈશ,
કોઈ તારું હશે ન ત્યારે,જિંદગીનો શું ભરોસો,જીવન એક પરપોટો ….

જીવન છે,મુસીબતો તો આવશે, વાત બીજાઓને ન કહીશ,
હિંમત રાખી જીરવી લેજે,બીજાઓનો શું ભરોસો,જીવન એક પરપોટો છે……

જનમ્યો ત્યારે એકલો હતો ને એકલો એકલો જઈશ
વ્હાલા પ્રભુની ભક્તિ કરી લે,આ કાયાનો શું ભરોસો,જીવન એક પરપોટો છે……

-મહેન્દ્ર ભટ્ટ

મહેંદ્રભાઈની વધુ રચનાઓ માણવા અને એમની કવિત્વ શક્તિ જાણવા એમના બ્લોગની મુલાકાત અવશ્ય લેશો. http://mogaranaphool.blogspot.com/
આભાર.

કરતો રહું ગુણગાન- મહેન્દ્ર ભટ્ટ

આ મારી એક રચના છે જે મેં જાતેજ વગર સંગીતે યૂ ટ્યુબ ઉપર વીડિઓ સ્વરૂપે ગુજરાતી ભજનમાં મારા અવાજમાં રજુ કરી છે ઉપરાંત તે મારા ગુજરાતી બ્લોગhttp://mogaranaphool.blogspot.com/ માં પણ મૂકી છે ગુજરાતી વાચક મિત્રોને મારા બ્લોગ” મોગરાના ફૂલ” માં મારું હાર્દિક આમંત્રણ છે.
-મહેન્દ્ર ભટ્ટ

શક્તિ માંગું તારી ભક્તિમાં રહીને,
કરતો રહું ગુણગાન ,તારી નામની જપમાળામાં
મારું જીવન થાયે બલિદાન
પ્રભુજી દે શક્તિ મારા નાથ (૨)

તારી દયાથી મારા જીવનનું
થયું હતું નિર્માણ,પણ મોહમાયાના
ચક્રાવામાં ભૂલાઈ રહ્યું તારું નામ
પ્રભુજી દે શક્તિ મારા નાથ(૨)

કઠણ ભક્તોના જીવન જોઇને
મારી કાયા થરથર કંપે,કાંપતી કાયાને
તારો આશરો,ફક્ત રહ્યો એ માર્ગ
પ્રભુજી દે શક્તિ મારા નાથ (૨)

કોને ખબર પ્રભુ ક્યારે જીવનનું
આ ખંડેર પડવાનું ,ઈચ્છા મનની મનમાં
ન રહે ,દેજે એવું વરદાન…
પ્રભુજી દે શક્તિ મારા નાથ (૨)

શક્તિ માગું તારી ભક્તિમાં
રહીને,કરતો રહું ગુણગાન ,
પ્રભુજી કરતો રહું ગુણગાન
હે પ્રભુ કરતો રહું ગુણગાન

-મહેન્દ્ર ભટ્ટ