પાસપાસે તોય – માધવ રામાનુજ (Madhav Ramanuj)

પાસપાસે તોય

પાસપાસે તોય કેટલાં જોજન દૂરનો આપણો વાસ !
જેમ કે ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ.

રાતદીનો સથવાર તે સામે મળવાનું તો
કોઈ દ્ હાડે સુખ મળતું નથી,
આવકારાનું વન અડાબીડ, બારણું ખોલી
ફળિયામાં સળવળતું નથી;
આંસુનેયે દઈ દીધો છે ભવનો કારાવાસ…
પાસપાસે તોય કેટલાં જોજન દૂરનો આપણો વાસ !

ઝાડથી ખરે પાંદડું એમાંય
કેટલાં કિરણ આથમ્યાનું સંભારણું હશે ?
આપણી વચ્ચે ‘આવજો’ની કોઈ ભીંત હશે,
કે યાદ જેવું કોઈ બારણું હશે ?
પડખે સૂતાં હોય ને લાગે સમણાંનો સહવાસ !
જેમ કે, ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ.

માધવ રામાનુજ
અમર ગીતો
( ગુજરાતી સાહિત્યનો અમર વારસો ) માંથી સાભાર
સંપાદન: ચંદ્રકાન્ત શેઠ
પુસ્તક પ્રકાશક અને વિક્રેતા: આર. આર. શેઠની કંપની
Web: http://www.rrsheth.com

‘આપણું’ ગીત – માધવ રામાનુજ

આપણે તો ભૈ રમતારામ !

વાયરો આવે-જાય એણે ક્યાંય બાંધ્યાં ના હોય ગામ.

                                                           

વાદળ  કેવું  વરહે,  કેવું  ભીંજવે ! એવું  ઊગતા દીનું વ્હાલ !

આછેરો આવકાર મળે, બે નેણ ઢળે –

બસ, એટલામાં તો છલકી થાઈં ન્યાલ !

મારગે મળ્યું જણ ધડીભર અટકે, ચલમ પાય

ને  પૂછે – કઈ  પા  રહેવાં  રામ ?

વાયરો   આવે-જાય  એણે  ક્યાંય  બાંધ્યાં  ના  હોય  ગામ !

                                                         

ઓઢવાને હોય આભ, ઉશીકાં હોય શેઢાનાં, પાથરેલી હોય રાત;

સમણાંના શણગાર સજીને ઊંધ આવે

ને પાંખડીઓ-શા પોપચે આવે મલકાતું પરભાત,

ઝાકળમાં  ખંખોળિયું ખૈ  ને હાલતા થાઈ, પૂછતા નવાં નામ…

આપણે તો ભૈ રમતારામ !

                               

માધવ રામાનુજ

અમર ગીતો ( ગુજરાતી સાહિત્યનો અમર વારસો ) માંથી સાભાર

સંપાદન: ચંદ્રકાન્ત શેઠ

પુસ્તક પ્રકાશક અને વિક્રેતા: આર. આર. શેઠની કંપની

Web: www.rrsheth.com