મુક્તકો
દર્દને ગાયા વિના રોયા કરો
જિંદગી માણ્યા વિના ખોયા કરો
બીક લાગે કંટકોની જો સતત
ફૂલને ચૂંથો નહીં, જોયા કરો
– કૈલાસ પંડિત
ઘણા ઊજળા ગણાતા માણસો સૂરજ ડૂબી જાતા
છૂપીને રેશમી જુલ્ફોમાં જઈ પરબારા ઊતરે છે
પરંતુ એમની ટીકા નહીં કરજો કે સદીઓથી
સફેદ આકાશ પરથી રાતના અંધારા ઊતરે છે
-મરીઝ
ચૂડીઓ તૂટી ગુલામીની હણાયા ચોટલા,
હાથ લાગ્યા જ્યારથી સ્વરાજ કેરા રોટલા;
નિતનવા કાંઈ કાયદાથી ફાયદા એવા થયા,
આમ જનતાના જુઓ નીકળી ગયા છે ગોટલા.
– બેકાર
પ્રસ્વેદમાં પૈસાની ચમક શોધે છે
હર ચીજમાં એ લાભની તક શોધે છે
આ દુષ્ટ જમાનામાં રુદન શું કરીએ
આંસુમાં ગરીબોના નમક શોધે છે
– મરીઝ
ભક્તિ કેરી કાકલૂદી, સ્વાર્થ કેરા જાપ બંધ
શંખનાદો ઝાલરોને બાગના આલાપ બંધ
મેં જરા મોટેથી પૂછ્યો પ્રશ્ન કે હું કોણ છું?
થઈ ગયા ધર્માલયોના દ્વાર આપોઆપ બંધ
– ઉમ્મર ખૈયામ ( અનુવાદક- “શૂન્ય” પાલનપુરી)
ઓ પ્રિયે, પરિકરના જેવું આ જીવન આપણું
બે જુદા શિર છે પરંતુ એક તન છે આપણું
વર્તુળો રચવા લગીની છે જુદાઈની વ્યથા
કાર્ય પૂરું થઈ જતાં સ્થાયી મિલન છે આપણું
– ઉમ્મર ખૈયામ ( અનુવાદક- “શૂન્ય” પાલનપુરી)
પાંખનું કૌવત કે હું ધીમો કદી પડતો નથી
ઉડ્ડયન કરતો રહું છું પાછળ કદી હટતો નથી
મારા જીવનમાં ખામી શોધનારા સાંભળો
બહુ ઊંચી વસ્તુઓનો પડછાયો કદી પડતો નથી
– નાદાન
તાંદુલી તત્વ હેમથી ભારે જ થાય છે,
કિન્તુ મળે જો લાગણી ત્યારે જ થાય છે.
જ્યાં ત્યાં કદીય હાથ ના લંબાવ; ઓ હ્રદય!
મૈત્રીનું મૂલ્ય કૃષ્ણને દ્વારે જ થાય છે.
– મુસાફિર
સહવાસના પડઘામાં અબોલો રહી જાઉં
ઘરમાં જ વસું તોય ભટકતો રહી જાઉં
જો પ્રેમ મળે છે તો પ્રતિબિંબની જેમ
પાણીમાં પડું તોય હું સુક્કો રહી જાઉં
– જવાહર બક્ષી
જંગલી થૈને ફરે છે ટેરવાં
સ્પર્શમાંથી નીકળેલું રક્ત છે
સાત પડ વિંધાઈ જાશે મહીં
લાગણીના હાથ કેવાં સખ્ત છે
– આર. એસ. દૂધરેજિયા
ક્યાંક ક્ષણના કાફલા ફૂંકી જવાના હોય છે
ક્યાંક કાંધે ભાર એ વેંઢારવાના હોય છે
હો ભલે વેઢે તમારા દુ:ખના ટશિયા બધા
એક ફિક્કું સ્મિત દઈ, ભૂલી જવાના હોય છે
– સંજય પંડ્યા
કોઈ સ્મિતે સ્મિતે સળગે છે
કોઈ રડીને દિલ બહેલાવે છે
કોઈ ટીપે ટીપે તરસે છે
કોઈ જામ નવા છલકાવે છે
સંજોગના પાલવમાં છે બધું
દરિયાને ઠપકો ના આપો
એક તરતો માણસ ડૂબે છે
એક લાશ તરીને આવે છે
– સૈફ પાલનપુરી
અમર મુક્તકો ( ગુજરાતી સાહિત્યનો અમર વારસો ) માંથી સાભારસંપાદન: કૈલાસ પંડિત
પુસ્તક પ્રકાશક અને વિક્રેતા: આર. આર. શેઠની કંપની
Web: www.rrsheth.com
Like this:
Like Loading...